અલગતાવાદી નેતા શબીર શાહે પાક. અને હાફિઝ પાસેથી ફંડ લઇ કાશ્મીરમાં આતંક મચાવ્યો : ઇડી


કોર્ટે શબીરની જામીન અરજી ફગાવી, તિહાર જેલમાં જ રહેવું પડશે, અન્ય કેસોના ખુલાસાની શક્યતા 

નવી દિલ્હી, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર

ઇડીએ જણાવ્યું હતું કે કાશ્મીરના અલગાવવાદી નેતા શબીર શાહે કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે પાકિસ્તાન પાસેથી કરોડો રૂપિયા લીધા હતા. એજન્સીએ આ જાણકારી દિલ્હીની કોર્ટને આપી હતી કે જ્યાં શબીર શાહ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. એડિશનલ સેશન જજ સતીષ કુમાર અરોરા સમક્ષ રજુ કરેલી દલીલોમાં ઇડીએ જણાવ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં શબીર શાહને જામીન આપવામાં ન આવે. 

શબીર શાહે કોર્ટમા જામીન અરજી કરી હતી જેનો ઇડીએ વિરોધ કર્યો હતો. દસકા જુના મની લોન્ડરિંગ કેસમાં શબીર શાહ વિરુદ્ધ આ કાર્યવાહી થઇ રહી છે, અને હાલ તેને તિહાર જેલમાં કેદ કરવામાં આવ્યો છે.

ઇડીના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર એન.કે. મત્તાએ જણાવ્યું હતું કે શબીર શાહ અનેક દેશમાં અપરાધીક પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેણે આ અપરાધ આચરનારાઓ માટે પૈસા પુરા પાડયા છે અને તેમાં કાશ્મીરનો પણ સમાવેશ થાય છે કે જ્યાં તેણે આતંક ફેલાવવા માટે પાકિસ્તાન પાસેથી કરોડો રૂપિયા લીધા હતા. 

ઇડી વતી દલીલ કરી રહેલા વકીલ સંવેદના વર્માએ જણાવ્યું હતું કે જો શબીર શાહને જામીન આપવામાં આવ્યા તો તે સાક્ષીઓને ધમકાવી શકે છે અને તેનાથી તપાસ તેમજ કેસને અસર થશે. શબીર શાહ આતંકી હાફિઝ સઇદના સંપર્કમાં રહેતો હતો, તેની વિરુદ્ધ અતી ગંભીર આરોપો છે જેની તપાસ ચાલી રહી છે.

શબીર વિરુદ્ધ ૨૦૦૭માં ૨૦૦૫ના એક અપરાધ બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેની ધરપકડ ૨૦૧૭માં કરવામાં આવી હતી. હાલ તેને દિલ્હીની તિહાર જેલમા કેદ કરી લેવામાં આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HS7GTi
via Latest Gujarati News

Post a Comment

0 Comments