ચૂંટણીમાં લાભ લેવા પવાર મારા પિતાના નામે જૂઠ્ઠું બોલી રહ્યા છે: પાર્રિકરના પુત્રની સ્પષ્ટતા


પણજી તા.16 એપ્રિલ 2019 મંગળવાર

ગોવાના સદ્ગત મુખ્ય પ્રધાન મનોહર પાર્રિકરના પુત્રએ એવો આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ પવાર સંસદીય ચૂંટણીનો લાભ લેવા મારા પિતાના નામે જૂઠ્ઠું બોલી રહ્યા છે. તાજેતરમાં શરદ પવારે કહ્યું હતું કે રાફેલ વિમાનના સોદા અંગે મતભેદ થતાં મનોહર પાર્રિકરે સંરક્ષણ પ્રધાન તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

મનોહરના મોટા પુત્ર ઉત્પલે આ મુદ્દે એવી સ્પષ્ટતા કરી હતી કે મારા પિતા તો રાફેલ સોદાના મુખ્ય સૂત્રધાર હતા. એ એક પ્રામાણિક નેતા હતા. એમના નામે ગેરલાભ લેવાની ચાલ ચાલવામાં આવી રહી છે. ઉત્પલે પવારને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે અત્યારે મારા પિતા હાજર નથી એટલે એમનું નામ વટાવી ખાવાની હિંમત તમે દાખવી રહ્યા છો. એમનું નામ વટાવીને તમે લાભ લેવાના પ્રયાસ કરીને જૂઠ્ઠું બોલી રહ્યા છો. 

એક વરિષ્ઠ અને આદરણીય નેતા તરીકે તમારી પાસેથી અમે આવી અપેક્ષા નહોતી રાખી. પવારે રવિવારે એક સભામાં આ આક્ષેપ કર્યો હતો. ઉત્પલે પવારને લખેલા પત્રની નકલ સોમવારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મનોહર પાર્રિકર 2014થી 2017 સુધી સંરક્ષણ પ્રધાન હતા. 

ઉત્પલે કહ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં રાહુલ ગાંધીએ મારા પિતાની મુલાકાત લીધી હતી. એ મુલાકાતનો પણ પાછળથી રાહુલ ગાંધીએ ગેરલાભ લઇને ચૂંટણી પ્રચારમાં બેફામ વાણી વિલાસ કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v7RpkM
via Latest Gujarati News

Post a Comment

0 Comments