
પહેલાં કોન્વોય કમાન્ડરની જવાબદારી સિનિયર SP કક્ષાના અધિકારીની હતી
નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2019, રવિવાર
જમ્મુ-કાશ્મીરમાંથી બહાર નીકળતા અને જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરનારા સી.આર.પી.એફ.(સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના દરેક કાફલાની અવરજવર હવે સિનિયર એસ.પી.(સુપ્રિન્ટેન્ડેન્ટ) કક્ષાના અધિકારીની આગેવાવાની હેઠળ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત એક કાફલામાં ૪૦છી વધુ વાહનો ન રાખવાનો નિર્ણય પણ અમલમાં મૂકવામાં આવ્યો છે.
પુલવામા હુમલા બાદ કાશ્મીરમાં સી.આર.પી.એફ.ની કામગીરી અંગે લેવાયેલા કેટલાંક મહત્વના નિર્ણયો પૈકી આ એક મહત્વનો નિર્ણય છે. સી.આર.પી.એફ.ના દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલય દ્વારા કાશ્મીરમાં તૈનાત કરાતા સૈનિકોની અવરજવર અંગે નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(એસ.ઓ.પી.) અમલમાં મૂકવામાં આવી છે. જેમાં નક્કી કરાયું છે કે કાશ્મીરમાં પ્રવેશ લેતા અને ત્યાંથી બહાર નીકળનારા કાફલાનું નેતૃત્વ સિનિયર એસ.પી. કક્ષાના અધિકારીને આપવામાં આવશે.
કાફલાની આગેવાની કરતા અધિકારીને 'કોન્વોય કમાન્ડર' તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ કોન્વોય કમાન્ડરની જવાબદારી આસિસ્ટન્ટ એસ.પી. કક્ષાના અધિકારીને આપવામાં આવતી હવે આ જવાબદારી સિનિયર એસ.પી. કક્ષાના અધિકારીને આપવામાં આવશે, એટલે કે કોન્વોય કમાન્ડરની જવાબદારી હવે બે રેન્ક ઉંચા અધિકારીના હિસ્સામાં આવશે.
કાશ્મીરમાં હાલ આતંકવાદીઓ તરફથી બોમ્બ વિસ્ફોટ અને હુમલાઓની ધમકીમાં વધારો થયો હોવાથી અને પુલવામા હુમલા બાદની વ્યૂહરચનાના ભાગરૃપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સંભવિત સંકટનો પહેલેથી અંદાજ મેળવી શકાય તેમજ વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટે કોન્વોય કમાન્ડરની જવાબદારી ઉચ્ચ અધિકારીને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પહેલાં કોન્વોય કમાન્ડર તેમના પ્રવાસની અપડેટ આસિસટન્ટ કમાન્ડન્ટને આપતા હતા હવે આ અપડેટ સી.આર.પી.એફ.ના કાશ્મીર સ્થિત ડી.આઇ.જી.ને આપવામાં આવશે. ગત ૧૪ ફેબુ્રઆરીએ થયેલા પુલવામામાં આતંકી હુમલાનો ભોગ બનેલા સી.આર.પી.એફ. કાફલામાં ૭૮ વાહનો હતા. તેથી હવે એક કાફલામાં ૪૦થી વધુ વાહનો ન સમાવિષ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉપરાંત કાફલામાં સામેલ અધિકારીઓ અને સૈનિકો માટે પણ કેટલાંક નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. રાત્રિરોકાણ કે ચા-નાસ્તા માટેના સ્ટોપ બાદ કેટલાંક સૈનિકો તેમની સીટ અને વાહન બદલી શકતા હતા પરંતુ હવે દરેક સૈનિકને તેમની સીટ અને વાહન ન બદલવાની સૂચના આપવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCxkft
via Latest Gujarati News
0 Comments