
(પીટીઆઈ) કોલકાતા, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે(ડીઆરઆઈ) કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડીને ૨.૧૩ કરોડ રુપિયાની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે.
ડીઆરઆઈ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ સિગારેટના આટલા મોટા જથ્થાને મ્યાનમારના રસ્તેથી ભારતમાં લાવવામાં આવ્યો હતો અને બુધવારે તેને જપ્ત કરવામાં આવ્યો હતો. ગુપ્ત માહિતીને પગલે ડાનકુની ટ્રક ટર્મિનલમાં દરોડા પાડવામાં આવતા ચીન અને કોરિયાની કંપનીની વિવિધ બ્રાન્ડ્સની ૭,૩૯,૦૦૦ નંગ સિગારેટનો જથ્થો હાથ લાગ્યો હતો.
૭૪ જેટલા કાર્ટૂનમાં ભરેલી આ સિગારેટની કિંમત ૭૩.૯ લાખ રુપિયા જેટલી આંકવામાં આવે છે. વાન ચાલકે સિગારેટનો જથ્થો ટર્મિનલમાં પાર્ક કરાયેલા અન્ય એક ટ્રકમાંથી મેળવ્યો હોવાનું તથા તેને ગુવાહાટીથી ખરીદવામાં આવ્યો હોવાનું કબૂલ્યું હતું.
આ માહિતીને પગલે તપસિયા પાસેના એક ગોડાઉનમાં જ્યાં સિગારેટનો જથ્થો પહોંચાડવાનો હતો ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી વિદેશથી ગેરકાયદેસર રીતે આયાત કરાયેલી વધુ ૧૨,૫૯,૪૭૦ નંગ સિગારેટ મળી આવી હતી.
ઈન્ડોનેશિયા તથા સાઉદી આરબની વિવિધ બ્રાન્ડ્સની આ સિગારેટની બજાર કિંમત ૧.૨૪ કરોડ રુપિયા માનવામાં આવે છે. દરોડા દરમિયાન વાન અને ટ્રકના ચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી અને ગુરુવારે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તે બંનેને ૩૦ એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે તેમ જણાવાયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vcpmAV
via Latest Gujarati News
0 Comments