
નવી દિલ્હી, 1 એપ્રિલ 2019, સોમવાર
1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે અને આગામી દિવસોમાં વેકેશન પણ શરૂ થશે. આ સમય દરમિયાન જો તમે વિદેશ પ્રવાસ કરો અને તેની તસવીરો ફેસબુક પર શેર કરવાનું વિચારતાં હોય તો જરા ચેતી જાઓ. આયકર વિભાગની નજર તમારા સોશિયલ મીડિયા પર પણ હશે. ફેસબુક પર શાનદાર પાર્ટી કે વિદેશ પ્રવાસની તસવીરો શેર કરવી ભારે પણ પડી શકે છે.
આયકર વિભાગ એવા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી લોકો ટેક્સ ચોરી કરી શકશે નહીં અને જો કરશે તો તેઓ સજાથી બચી શકશે નહીં. 1 એપ્રિલ 2019થી આઈટી વિભાગ બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરશે. 1 હજાર કરોડના કાર્યક્રમોના માધ્યમથી આઈટી વિભાગ લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નજર રાખશે અને તેમના અકાઉન્ટમાં અપલોડ થતી તસવીરો અને વીડિયો પર સર્ચ કરી અને તેમણે કરેલા ખર્ચ વિશે જાણી શકશે. જો કોઈ વ્યક્તિએ જાહેર કરેલી સંપત્તિ અને યાત્રા પર થતા ખર્ચ વચ્ચે મોટો તફાવત જોવા મળશે તો આઈટી વિભાગના અધિકારીઓ તેની તપાસ કરી શકશે.
સૂત્રોના જણાવ્યાનુસાર 15 માર્ચથી જ આઈટી વિભાગના અધિકારીઓને સોફ્ટવેર માટે એક્સેસ મળી ચુક્યું છે. એટલે કે જો તમે વિદેશ યાત્રા કરો, મોંઘી કાર ખરીદો અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશો તો આઈટી વિભાગ તેનું વિશ્લેષણ કરશે કે તે ખર્ચ તમારી દર્શાવેલી આવક અનુસાર છે કે નહીં. જો વ્યક્તિએ દર્શાવેલી આવક અને તેણે કરેલા ખર્ચમાં વિસંગતતા જોવા મળી તો તેના પર કાર્યવાહી પણ થઈ શકે છે.
આ ઉપરાંત આયકર વિભાગ માસ્ટર ફાઈલનો પણ હવેથી ઉપયોગ કરશે જેમાં દરેક વ્યક્તિના કોર્પોરેટ સંબંધની સંપૂર્ણ માહિતી હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય આશય ટેક્સ ચોરી અટકાવી અને ટેક્સ ચોરોને પકડવાનો છે. મહત્વપૂર્ણ છે કે ટેક્સ ચોરી પર રોક લગાવવા આ પ્રકારના પ્રોજેક્ટનો ઉપયોગ બેલ્જિયમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ કરે છે જેમાં હવે ભારતનું નામ પણ જોડાઈ ગયું છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FNPqs6
via Latest Gujarati News
0 Comments