
જગત કુલ રાષ્ટ્રીય આવક (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ) અને માથાદીઠ આવકના વળગણમાંથી છૂટી ગ્રોસ નેશનલ હેપીનેસ તથા કલ્યાણ રાજ્ય તરફ વળતું જાય છે
જીડીપી અને માથાદીઠ જીડીપી સૂચકાંકો નકામા
જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (જીડીપી) જેનો અર્થ થાય છે. દેશમાં થયેલું તમામ ઉત્પાદન - પછી તે પ્રોડક્ટસનું ઉત્પાદન હોય કે ખેતીવાડીનું ઉત્પાદન હોય કે સર્વીસીઝ એટલે કે સેવાઓનું ઉત્પાદન હોય. બહારથી જે માલ કે સેવાઓની આયાત કરી હોય તેને તેમાં ગણવામાં આવતી નથી કારણકે તેનું ઉત્પાદન વિદેશમાં થયું હોય છે. દેશની નિકાસનો તેમાં ઉમેરો થાય છે કારણ કે આ નિકાસ થયેલા માલ-સેવાઓનું ઉત્પાદન દેશમાં થયું હોય છે.
સમગ્ર નેશનલ એકાઉન્ટીંગ સીસ્ટમની શરૂઆત અમેરિકામાં શરૂ થઇ અને તે પણ છેક ૧૯૩૦ના દાયકામાં શરૂ થઇ. તે પહેલા રાષ્ટ્રની બચત, મૂડીરોકાણ, માથાદીઠ આવક, કુલ આવક, રાષ્ટ્રીય આવકમાં ખેતીવાડીનો, ઔદ્યોગિક ઉત્પાદનનો, સેવાઓનો વગેરેના ફાળા અંગે જે કાંઇ આંકડા પ્રાપ્ત થાય તેમાં અટકળો થતી હતી. ભારતની (ઈ.સ. ૨૦૧૭) માથાદીઠ આવક ૧૯૪૦ ડોલર્સની ગણાય છે તેનો અર્થ એ થશે કે ભારતમાં ૨૦૧૭માં જે કાંઇ પ્રોડક્ટ પ્રોડક્ટસ તથા સેવાઓનું ઉત્પાદન થયું હોય તેને તે વર્ષની વસતી વડે ભાગી નાંખવું.
વસતી પ્રચંડ વધતી જતી હોય તો માથાદિઠ આવક ઓછા દરે વધે અને કોઇકવાર નેગેટીવ દરે પણ દેખાડે. થોડા વર્ષો તો દેશની માથાદીઠ આવકનો વિચાર ઘણો ઉપયોગી થયો કારણકે દેશની માથાદીઠ આવકને અન્ય દેશોની કે દેશની અંદરના રાજ્યોની માથાદીઠ આવક સાથે સરખાવી શકાય. પરંતુ હવે સામાન્ય નાગરીકોને, અને સરકારોને તથા અર્થશાસ્ત્રીઓને લાગવા માંડયું છે કે દેશની સમૃધ્ધિ કે તેના નાગરીકોની સુખાકારી તરીકે જીડીપી કે માથાદીઠ આવકના સૂચકાંકો ત્રુટિપૂર્ણ છે. તેના છ અગત્યના કારણો અર્થશાસ્ત્રીઓને જણાયા. તેને તપાસીએ.
૧) જીડીપી અને માથાદીઠ આવક તે દેશમાં આવકની અસમાનતા કે સમાનતા દર્શાવતા નથી. એવું પણ બને કે દેશની સરેરાશ આવક પ્રચંડ મોટી હોય (જેમકે તેલની સંપત્તીવાળા આરબ દેશો) પરંતુ આ સંપત્તી વસતીના માત્ર એક ટકામાં જ એકત્રીત થઇ હોય તેથી માથાદીઠ આવક લોકોના સુખદુખ વિષે કાંઇ માહિતી આપતી નથી. ૨) તે દેશની વસતી વિષે માહિતી આપતી નથી. દેશની વસતી વધે છે, ઘટે છે, સ્થિર છે, દેશમાં સ્ત્રીપુરૂષોનો રેશીઓ કેટલો છે, સ્ત્રી શિક્ષણનું પ્રમાણ કેટલું છે તેને વિષે પણ જીડીપીનો સૂચકાંક માહિતી આપતો નથી.
૩) જીડીપીનો આંક તે દેશમાં જીવનની ગુણવત્તા કેટલી છે અને કેવી છે તે વિષે કાંઇ જણાવતો નથી. ૪) બધા દેશોમાં સ્ત્રીઓ કમરતોડ ઘરકામ કરે છે, મજૂરો પાસે વેઠ કરાવાય છે વગેરેનો જીડીપીમાં ઉમેરો થતો નથી. સ્ત્રીઓ અને વેઠિયાઓની તથા લાખો લોકો વોલન્ટરી કામ કરે છે તેમની સેવાઓ મફત હોય છે. તેનું મૂલ્યાંકન થતું નથી. તેથી આવી બીનમાર્કેટેબલ સેવાઓનો જીડીપીમાં સમાવેશ થતો નથી.
૫) અગત્યનો મુદ્દો: દેશમાં કેટલી બેરોજગારી છે તે વાત જીડીપી સૂચકાંક જણાવતો નથી. દેશમાં મોટી બેકારી હોય અને છતાં કુદરતી સમૃધ્ધિને સહારે તે દેશનો જીડીપી ઊંચો હોય. ૬) દેશમાં જે કાંઇ ઔદ્યોગીક ઉત્પાદન થાય છે, જે સેવાઓ (રેલવે, કાર, ટ્રક) ઊભી થાય છે તેઓ વાતાવરણનું ભરપુર પ્રદૂષણ કરે છે પરંતુ તેની કોઇ ગણતરી જીડીપીમાંથી બાદ થતી નથી.
ખરેખર વાતાવરણના પ્રદૂષણનું પ્રમાણ નાણાકીય આંકડામાં માપીને તેને જીડીપીમાંથી બાદ કરવું જોઇએ પણ જગતની કોઇ સરકાર તેમ કરતી નથી. ઉદ્યોગો વાતાવરણને કુદરતની મફત બક્ષીસ ગણે છે અને તેથી તેના પ્રદૂષણની કીંમત તેઓ ચૂકવતા નથી. વળી કોઇ સમૃધ્ધ યુધ્ધખોર દેશ તેની ૫૦ ટકા આવક શસ્ત્રસરંજામ પાછળ વાપરે તો તેની ઊંચી માથાદીઠ આવક વિનાશની સૂચકાંક છે.
જીડીપી ઉપરની પાંચ મર્યાદાઓ દાખવતી હોવાથી જગતની સરકારો ગ્રોસ નેશનલ વેલફેર અને ગ્રોસ નેશનલ હેપીનેસ આપવા તરફ જઇ રહી છે. આખરે આર્થિક વિકાસનું ધ્યેય તો માનવનું કલ્યાણ વધારવાનું જ છે. આમાં બે વિચારધારાઓ છે ૧) જીડીપી દ્વારા માનવ કલ્યાણ વધારો એટલે કે વેલફેર સ્ટેટની રચના કરો ૨) જીડીપી દ્વારા માત્ર ઉત્પાદન નહીં પણ માનવ સુખ (હ્યુમન હેપીનેસ)ની માપણી કરો અને દેશના સરાસરી સુખમાં સૂચકાંકની રચના કરો. અંગ્રેજીમાં આને વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ કે નેશનલ હેપીનેસ ઈન્ડેક્ષ કહે છે.
હેપીનેસ ઈન્ડેક્ષ (સૂચકાંક) અને ભૂતાન
હેપીનેસ એટલે સુખ. દેશના લોકો સમૃધ્ધ હોય એટલે સુખી હોય તે જરૂરી નથી. સુખ કે મનની એક અવસ્થા છે જે વારેવારે બદલાયા કરે છે. તમે સવારે ઊઠો ત્યારે સુખી હો અને બપોરે દુખી હોય અને સાંજે સહકુટુંબ ફીલ્મ જોવા જવાનું હોય તે સમયમાં સુખી હોય તો પછી સુખને માનવું કેવી રીતે ? તેવી જ રીતે તમને જેમાં સુખ લાગે તે મને ઝેર સમાન પણ લાગે.
તમને શરાબ પીવાથી કે ભાંગ પીવાથી સુખ મળે જ્યારે મને તે વિષયમય લાગે ટૂંકમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સુખની વ્યાખ્યા બદલાઇ શકે છે કારણ કે સુખ એ સબજેક્ટીવ (આત્મલક્ષી કન્સેપ્ટ છે. વળી મને ગણીતમાં તો તમને સાહિત્યમાં તો કોઇને વિજ્ઞાાનના વિષયો ભણવામાં કે વાંચવામાં સુખ પડતું હોય તે શક્ય છે.
કોઇના સંતાનો માબાપને પુષ્કળ સુખ આપે તો કોઇ સંતાનો માબાપને દુખ પણ આપે. ટૂંકમાં તમને જે સુખ પડે તે કદાચ માપી શકીએ પરંતુ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સુખને કેવી રીતે સરખાવી શકીએ જીડીપી પરંતુ રાષ્ટ્રીય સુખને એક નંબરની ચર્ચા પર મૂકનાર ભૂતાન હતું તે જાણીને નવાઇ લાગશે. માત્ર ૮ લાખની વસતી ધરાવતા ભૂતાનના રાજા વાંગચૂકે ૧૯૭૨માં (જ્યારે તેઓ માત્ર ટીન એજર હતા) દુનિયામાં પ્રથમવાર ગ્રોસ નેશનલ હેપીનેસનો કન્સેપ્ટ (વિચાર) રજૂ કર્યો અને જાહેર કર્યું કે આ સૂચકાંક જ તેની આર્થિક સામાજીક પોલીસીનો ભાગ ભજવશે.
ભૂતાનનો રાજ્યમંત્ર છેક ૧૭૨૯થી નીચેનો 'મંત્ર' રજૂ કરે છે. ''જો સરકાર લોકો માટે સુખનું સર્જન ના કરી શકે તો તે સરકારને અસ્તિત્વમાં રહેવાનો કોઇ હક્ક નથી.'' ૧૯૯૯ સુધી ભૂતાનમાં ટીવી પર પ્રતિબંધ હતો. ભૂતાને તેના પર્યાવરણને પૂર્ણપણે સાચવ્યું છે, દેશમાં કોઇ લડાઇ કે હિંસા થવા દીધી નથી અને ત્યાં આર્થિક અસમાનતા બહુ ઓછી છે અને કલ્ચરલ મૂલ્યો (ખાસ કરીને ગૌતમ બુધ્ધ અને બૌધ્ધ ધર્મ આધારિત) સમાજમાં સર્વવ્યાપી છે. ત્યાંની દરેક યોજનાને ગ્રોસ નેશનલ હેપીનેસની પરીક્ષામાંથી પસાર થવું પડે છે.
કલ્યાણ રાજ્યો
પશ્ચિમ જગતના રાષ્ટ્રોને હજી આ ગ્રોસ નેશનલ હેપીનેસ એટલે કે રાષ્ટ્રીય સુખનો સૂચકાંક પસંદ પડયો નથી. તેમાંના કેટલાક રાજ્યો કલ્યાણરાજ્યો બની ગયા છે અને તેઓ એમ માને છે કે સુખની અનુભૂતિ એ અપૂર્ણ પણે આત્મકેન્દ્રી (સબ્જેક્ટીવ) વિચાર નથી. માણસે સુખી થવા કેટલીક સુવિધાઓ ઊભી કરવી પડે અને આ સુવિધાઓ વ્યક્તિગત નહીં પણ સામૂહિક હોવી જોઇએ જે રાજ્યે પૂરી પાડવી જોઇએ. તેમાં નીચેની મુખ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
૧) મફત કે તદ્દન સસ્તુ તમામ કક્ષાનું (પીએચ.ડી. સુધીનું) શિક્ષણ ૨) તદ્દન ઊંચી કક્ષાની લગભગ મફત આરોગ્ય સેવાઓ ૩) બેકારોને જ્યાં સુધી બેકાર રહે અને નોકરી ના મળે ત્યાં સુધી બેકારી ભથ્થુ ૪) રાજ્ય દ્વારા ઉત્તમ સુવિધાઓ જેમકે ઉત્તમ રસ્તા, ચોખ્ખુ પાણી, કુદરતની સંભાળ ૫) વૃધ્ધજનોને અને શારીરિક-માનસિક ક્ષતિઓ ધરાવનારાને રાજ્ય તરફથી સારવાર ઉપરાંત જીવનખર્ચ.
કલ્યાણરાજ્યો એ માન્યતા પર ખડા થયા છે કે નકરો મૂડીવાદ તો ગ્રાહકને કે વ્યક્તિને તેના ભાવિ પર છોડી દે છે. તે નકરા સ્વહિત પર ખડો થયો છે, તે અસમાન્ય રીતે ઊંચી આર્થિક અસમાનતા ઊભી કરે છે, વારંવાર બેકારી ઊભી કરે છે પરંતુ બેકારોની કોઇ ચિંતા કરતું નથી. બેકારોને, માંદાઓને, માનસિક કે શારીરિક ક્ષતિઓને તેમના ભાગ્ય પર છોડી દે છે. તે એમ માને છે કે સરકારે સમાજકારણમાં પડવું નહીં અને અર્થકારણમાં પડવું નહીં. અર્થકારણને બજારના પરિબળો પર છોડી દેવા .
આ ક્રૂર પધ્ધતિને ઠોકરે મારીને જગતમાં કલ્યાણ રાજ્યો ઊભા થયા છે. તે મુખ્યત્વે ર્નોડીક દેશોમાં (ઉત્તર યુરોપ) ઊભા થયા છે જેને સ્કેનેડીવીઅન દેશો કહે છે. તે ઉપરાંત સ્વીત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ વગેરેમાં પણ ઊભા થયા છે. તેઓ નાગરિકોની કાળજી રાખે છે) હેલ્થ કેર દુનિયામાં નંબર ૧ કક્ષાની હોય છે, સરકારના વ્યવહારમાં પ્રામાણિકતા અને પારદર્શકતા અત્યંત ઊંચી હોય છે. ૨૦૧૨થી દર વર્ષે વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ બહાર પડે છે જેમાં કલ્યાણકારી રાજ્યો પ્રથમ દસ ક્રમમાં આવે છે. ઈ.સ. ૨૦૧૯માં તાજેતરમાં બહાર પડેલા રીપોર્ટમાં પ્રથમ દસ દેશો નીચે પ્રમાણે છે.
૧) ફીનલેન્ડ ૨) ડેન્માર્ક ૩) નોર્વે ૪) આઇસલેંડ ૫) નેધરલેંડ્ઝ (હોલેંડ) ૬) સ્વીત્ઝર્લેન્ડ ૭) સ્વીડન ૮) ન્યુઝીલેંડ ૯) કેનેડા ૧૦) ઓસ્ટ્રેલીયા. ઉપરના દેશો આર્થિક રીતે સમૃધ્ધ છે. બધા ઉદ્યોગ કે સેવાપ્રધાન દેશો છે, ભારતની જેમ કોઇ કૃષિ પ્રધાન નથી, તમામની વસતી બહુ જ ઓછી છે. આમાં એકેયની વસતી ગુજરાતની વસતીના અડધા જેટલી પણ નથી. ત્યાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને શિક્ષણ અત્યંત ઊંચા છે. સરાસરી આયુષ્ય ૮૦ વર્ષથી ઉપર છે. અમેરિકા, બ્રિટન હોય કે જર્મનીની સરખામણીમાં આર્થિક અસમાનતા ઘણી ઓછી છે, તેઓ વિજ્ઞાાનનો ભરપૂર ઉપયોગ કરે છે.
ઉપરની નમૂનેદાર સેવાઓ પૂરીપાડવા ત્યાંની સરકારો નાગરીકો પર ૪૦થી ૫૦ ટકા કરવેરા નાખે છે, જે નાગરીકો હોંશે હોંશે ભરે છે. ભારતની સરકાર મતદાતાઓને ખુશ કરવા અને ચૂંટણીમાં જીતવા મતદારોને લ્હાણી કરે છે, કરોડો રૂપિયાનો વ્યય કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને દેશવાસીઓને મફત શિક્ષણ અને મફત આરોગ્ય સેવાઓ તથા પીવાના પાણી, વીજળી, પાયાની સુવિધા .... વગેરેથી વંચિત રાખે છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OYxKx2
via Latest Gujarati News
0 Comments