સુપ્રીમ કોર્ટ ર્દ્વારા લેવાયેલા નિર્ણયથી IBC હેઠળના કેસોનો ઉકેલ ઢીલમાં મુકાવાની વકી

મુંબઈ,તા. 03 એપ્રિલ, 2019, બુધવાર

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો ૧૨ ફેબુ્રઆરી ૨૦૧૮નો પરિપત્રક રદ થવાને કારણે પરિપત્રક જારી કરાયા બાદ દેશની વિવિધ ટ્રીબ્યુનલોમાં ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ દાખલ થયેલા વિવિધ ડિફોલ્ટ કેસોનો ઉકેલ ઢીલમાં મુકાશે. લેભાગુ પ્રમોટરો માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એક મોટી રાહતરૂપ બની ગયો છે અને તેઓ બેન્કો સાથેના પોતાના વિવાદને ટ્રીબ્યુનલની બહાર ઉકેલવાના પ્રયાસ કરશે.

પરિપત્રક જારી કરાયા બાદ બેન્કો દ્વારા તેના હાથ ધરાયેલી વિવિધ કાર્યવાહી સામે હવે પ્રશ્ન ઊભો થયો છે. આ કાર્યવાહી કેટલી ટકી શકે છે તે જોવાનું રહે છે. લોન્સના પેમેન્ટમાં એક દિવસના ડિફોલ્ટ ગયેલી કંપનીઓને ટ્રીબ્યુનલ્સમાં લઈ જવાના બેન્કોના નિર્ણય સંદર્ભમાં હવે આ કાર્યવાહી દેવાના ઉકેલ માટેના કયા ધોરણો હેઠળ હાથ ધરવામાં આવશે તેની પણ રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરવાની રહેશે, એમ એક બેન્કિંગ નિષ્ણાતે જણાવ્યું હતું.

પરિપત્રના અમલ બાદ બરખાસ્ત કરાયેલી અગાઉની દરેક યંત્રણા ફરી કાર્યરત કરાશે અથવા નવી યંત્રણા દાખલ કરાશે. સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ઉકેલ પ્રક્રિયા કદાચ લંબાઈ જશે એમ બેન્કરો માની રહ્યા છે. નાણાં ઉછીના મેળવનારાઓ સાથે ઉકેલ લાવવામાં જો નિષ્ફળતા રહેશે તો, પણ બેન્કો આવા કેસોને આઈબીસી હેઠળ લઈ જવાનો વિકલ્પ ખુલ્લો રાખશે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.

એસેટ કવોલિટીના નોંધાયેલા આંકડાઓને તેનાથી કોઈ અસર નહીં થાય એવો પણ દાવો કરાઈ રહ્યો છે, પરંતુ ઉકેલ પ્રક્રિયા જે ઝડપી બનવાની આશા હતી તેમાં ઢીલ થવાની ધારણાં છે. આઈબીસી પ્રક્રિયાઓનો બેન્કોને અત્યારસુધી મિશ્ર અનુભવ રહ્યો છે. બેન્કો સરેરાશ ૫૦ ટકા હેરકટ લઈ રહી છે.

આરબીઆઈના પરિપત્રક પ્રમાણે, ૧૮૦ દિવસના ગ્રેસ પીરિયડ બાદ એક પણ દિવસના ડિફોલ્ટના કિસ્સામાં બેન્કોએ સદર કેસોને ઉકેલ માટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ મોકલી આપવાના રહેતા હતા. ક્રેડિટરોની કમિટિના એક ટકા જેટલા સભ્યોનો વોટિંગ પાવર પણ જો ઉકેલ યોજના સાથે અસહમત થાય તો પણ સદર કેસને ટ્રીબ્યુનલ સમક્ષ મોકલી દેવાના રહેતા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે, સૌથી મોટી રાહત ભારે દેવાબોજ હેઠળની વીજ કંપનીઓને થઈ છે. એક અંદાજ પ્રમાણે બેન્કોની રૂપિયા બે ટ્રિલિયન જેટલી રકમ વીજ કંપનીઓમાં અટવાયેલી છે. 

૪૦,૦૦૦ મેગો વોટ ક્ષમતા ધરાવતી ૩૪ જેટલી થર્મલ પાવર કંપનીઓએ હવે નવા ખરીદદારની શોધ કરવી પડશે અથવા તો આરબીઆઈ દ્વારા નિશ્ચિત કરાયેલી મુદતનું પાલન કર્યા વગર ઋણ ઉકેલ પ્રક્રિયામાં જવું પડશે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TTailt
via Latest Gujarati News

Post a Comment

0 Comments