ન્યૂઝિલેન્ડ મસ્જિદ હુમલાનો બદલો લેવા IS એ શ્રીલંકામાં વિસ્ફોટો કર્યા

- વધુ 16ની ધરપકડ થતાં આંકડો 40ને પાર પહોંચ્યો : મોટા પ્રમાણમાં તપાસ અભિયાન જારી 

- આઇએસએ હુમલાખોર આતંકીઓના નામ જાહેર કર્યા, 1000ને માર્યા હોવાનો આતંકી સંગઠનનો દાવો 


નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019, બુધવાર

શ્રીલંકામાં થયેલા આઠ સીરીયલ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન આઇએસઆઇએસએ લીધી હતી. જ્યારે બીજી તરફ આ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાની સંખ્યા વધીને 321 સુધી પહોંચી ગઇ છે. આઇએસએ અમક ન્યૂઝ એજન્સી દ્વારા જારી નિવેદનમાં જણાવ્યું હતું કે જે પણ લોકોએ શ્રીલંકામાં ક્રિશ્ચિયન લોકોને નિશાન બનાવ્યા છે તેઓ આઇએસ સાથે સંકળાયેલા છે. આ માહિતી સાઇટ ઇન્ટેલિજન્ટ ગુ્રપ દ્વારા આપવામાં આવી હતી. આ હુમલામાં સ્થાનિક શ્રીલંક ગુ્રપ નેશનલ તવહીદ જમાથ (એનટીજે)નું નામ સામે આવ્યું હતું. આ સંગઠન અગાઉ બુદ્ધ મુર્તી તોડવામાં પણ ચર્ચામાં આવ્યું હતું આ ઉપરાંત અનેક નાના મોટા આતંકી હુમલા તેણે કરાવ્યા હતા. 

મંગળવારે શ્રીલંકન સંસદમાં ઇમર્જન્સી સેશન બોલાવવામાં આવ્યું હતું, જેમાં સંરક્ષણ પ્રધાન રુવાન વીજેવર્દનેએ જણાવ્યું હતું કે ન્યૂઝિલેન્ડમાં ક્રિસ્ટચર્ચમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા તેનો બદલો લેવા માટે શ્રીલંકામાં ખ્રીસ્તીઓને આતંકીઓએ નિશાન બનાવ્યા હતા અને તે હેતુથી જ આ હુમલો કરવામાં આવ્યો હતો. ન્યૂઝિલેન્ડમાં એક સ્થાનિકે મસ્જિદમાં ઘુસીને નિર્દોશો પર ગોળીઓ વરસાવી હતી. જે ઘટનાએ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી હતી. ત્યારે હવે શ્રીલંકાના મંત્રીએ જણાવ્યું છે કે આ ગોળીબારનો બદલો લેવા માટે જ શ્રીલંકામાં ખ્રીસ્તીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. 

વડા પ્રધાન રાનીલ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે શ્રીલંકામાં પણ હવે વૈશ્વિક આતંકવાદ પગપેસારો કરી રહ્યો છે. જોકે જે હુમલો થયો છે તેનો મુસ્લિમ સમાજ પણ ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું. જ્યારે શ્રીલંકાના વિપક્ષના નેતા મહિન્દ્રા રાજપાક્ષાએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા કરવામાં આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 

બીજી તરફ પોલીસે વધુ 16 શંકાસ્પદોની ધરપકડ કરી છે જેને પગલે આ સમગ્ર હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આઇએસએ હુમલાની જવાબદારી સ્વીકારી સાથે જણાવ્યું હતું કે 1000 લોકોને આ હુમલામાં માર્યા છે અને હુમલાખોરોના નામ પણ જાહેર કર્યા છે જેમાં અબુ ઉબાયદા, અબુ અલ મુખ્તર, અબુ ખલીલ, અબુ હમઝા, અબુ અલ બારા, અબુ મોહમ્મદ, અબુ અબ્દુલ્લાએ આ હુમલાને અંજામ આપ્યો હોવાનું કહ્યું હતું. 

આત્મઘાતી વિસ્ફોટમાં કોલંબોના ધનવાન વ્યાપારીના બે પુત્રો પણ સામેલ

શ્રીલંકામાં જે આઠ વિસ્ફોટ થયા તેમાં બે આત્મઘાતી હતા. અને આ આત્મઘાતી હુમલા બે શ્રીલંકન ભાઇઓએ કર્યા હતા. કોલંબોના એક ધનવાન વ્યાપારીના આ બન્ને પુત્રો હોસ્ટેલમાં રહેતા હતા અને અભ્યાસ કરતા હતા. જોકે તેઓ આતંકીઓના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં આતંકી પ્રવૃત્તિમાં લાગી ગયા હતા.

ઇસ્ટર સન્ડેના દિવસે સીનમોન ગ્રાન્ડ હોટેલના રેસ્ટરન્ટમાં જમવા માટે ઉભેલા લોકોની લાઇનમાં આ બન્ને આતંકીઓ ઉભા રહી ગયા હતા અને ભીડ વધતા પોતાને ઉડાવી દીધો હતો. જેને પગલે આસપાસના લોકો પણ માર્યા ગયા હતા. આ જ પ્રકારનો હુમલો એક ચોથી હોટેલમાં પણ કરવાનો હતો જોકે તેને સુરક્ષા જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો.

અમે સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા શ્રીલંકન સરકારે દેશ સમક્ષ માફી માગી 

શ્રીલંકાના વિપક્ષે સરકારને સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાથી ઘેરી હતી, જેને પગલે બાદમાં શ્રીલંકન સરકારે પણ માફી માગી હતી, આ હુમલા થયા તેના 10 દિવસ પહેલા જ શ્રીલંકાના પોલીસ વડાએ એલર્ટ જારી કરીને જણાવ્યું હતું કે દેશમાં ગમે ત્યારે સીરિયલ બ્લાસ્ટ થઇ શકે છે. જોકે તેને સરકારે ગંભીરતાથી નહોતુ લીધુ જેને પગલે ગત રવિવારે જ્યારે ઇસ્ટર સન્ડેની ઉજવણી ચાલી રહી હતી ત્યારે જોઇએ તેટલી સુરક્ષા નહોતી પરીણામે આતંકી સહેલાઇથી ચર્ચ અને ફાઇવ સ્ટાર હોટેલોમાં પણ ઘુસી ગયા હતા અને બોમ્બ ફીટ કર્યા હતા. જ્યારે બે આત્મઘાતી વિસ્ફોટ પણ કર્યા હતા. આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટ થયા છતા સરકારને કોઇ જાણ જ ન રહી જેને પગલે સરકારે દેશ સમક્ષ માફી માગવી પડી હતી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XGvIVs
via Latest Gujarati News

Post a Comment

0 Comments