MDMKના દિનાકરનની ઓફિસે રેડઃ પેકેટમાં કરોડો રૂપિયા મળ્યા

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019, બુધવાર

ચૂંટણીમાં નાણાનો ખોટો ઉપયોગ રોકવા માટે તામિલનાડુમાં ચૂંટણી પંચની મોટા પાયે એકશન જારી છે. મંગળવારે રાતે ચૂંટણી પંચની ટીમે થેની જિલ્લાના અંડીપટ્ટીમાં અમ્મા મક્કલ મુનેત્ર કડ્ડગમ (MDMK)ના કાર્યાલય પર છાપો માર્યો.

આ દરમિયાન ચૂંટણી પંચની ટીમ અને MDMKના કાર્યકરો વચ્ચે સંઘર્ષ પણ થયો. પોલીસે ચાર કાર્યકરોની ધરપકડ કરવાની સાથે 155 કાર્યકરો વિરુદ્ધ કેસ પણ કર્યો છે. આ પહેલા ઇન્કમ ટેક્સ વિભાગની ટીમે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મળીને DMK નેતા કનિમોઝીના નિવાસસ્થાને પણ છાપો માર્યો હતો.

MDMKના કાર્યાલય પર રાતે 9:30 વાગ્યે પડેલી રેડ સવારે 5:30 વાગ્યા સુધી ચાલી. આ દરમિયાન ટીમે આશરે 1 કરોડ 40 લાખ રૂપિયા જપ્ત કર્યાં. આ રકમ અનેક પેકેટમાં રાખવામાં આવી હતી. આ પેકેટ પર વોર્ડ નંબર લખ્યો હતો અને દરેક વોટરને 300 રૂપિયા આપવાનો હિસાબ લખવામાં આવ્યો હતો. ચૂંટણી પંચનું કહેવું છે કે હાલ જપ્ત કરાયેલા રૂપિયાની ગણતરી કરવામાં આવશે. એ પછી જ ચોક્કસ આંકડો જારી થશે.

MDMKના કાર્યાલય પર રૂપિયા રાખ્યા હોવાની બાતમી મળતા ચૂંટણી પંચની ટીમ પહોંચી તો પાર્ટીના કાર્યકરોએ વિરોધ કરવાનો શરૂ કરી દીધો. પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસે હવામાં ચાર રાઉન્ડ ફાયર કરવા પડ્યાં એ સાથે જ પોલીસે ચાર કાર્યકરોની ધરપકડ કરી.

એ સાથે જ 155 જેટલા કાર્યકરો વિરુદ્ધ જુદી જુદી કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવવ્યાં છે. ઉલ્લેખનીય છે કે MDMK ટીટીવી દિનાકરનની પાર્ટી છે જે પેરિયાકુલમ બેઠકથી લોકસભા અને અંડીપટ્ટી બેઠકથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GpYNhL
via Latest Gujarati News

Post a Comment

0 Comments