ભારતે ફરી વખત OBORની બેઠકમાં સામેલ થવાનું ચીનનું નિમંત્રણ ફગાવ્યું

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019, સોમવાર

ચીને વન બેલ્ટ વન રોડ (OBOR) ફોરમની આ મહિને યોજાનારી બીજી બેઠકમાં સામેલ થવા માટે ભારતને અધિકૃત નિમંત્રણ મોકલ્યું જેને ભારતે બીજી વખત ફગાવી દીધું છે. આ પહેલા 2017માં યોજાયેલી પહેલી બેઠકનો પણ ભારતે બહિષ્કાર કર્યો હતો.

ભારતનું કહેવું છે કે ચીનની આ યોજના ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે ચીને પાકિસ્તાન સાથે મળીને ચાઇના પાક ઇકોનોમિક કોરિડોર બનાવ્યો છે જે વિવાદાસ્પદ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં થઇને પસાર થાય છે. ભારત સરકારે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવમાં સામેલ ન થઇને ફરી વખત સ્પષ્ટ કરી દીધું છે કે ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને પડકારે એવા કોઇ પણ કાર્યક્રમનો તે હિસ્સો નહીં બને. ચીનની સીપીઇસી યોજના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં થઇને પસાર થાય છે અને ભારતનો એની સામે વિરોધ છે.

ચીનને અપેક્ષા હતી કે ભારત OBORને લઇને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે સંબંધોમાં આવેલા બદલાવને લઇને ચીનને આશા હતી કે ભારત આ વખતની બેઠકમાં સામેલ થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G8SkYz
via Latest Gujarati News

Post a Comment

0 Comments