મુંબઈ,તા. 16 એપ્રિલ, 2019, મંગળવાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા ખુલ્લી મુકાયેલ ફોરેકસ વિનિમય વિન્ડોને કારણે ઉદ્યોગો પર વ્યાજ બોજ હળવો થઈ શકે છે અને વિદેશી ફન્ડસમાં ટોચના ૫૦૦ જેટલા બોરોઅરોની રૂપિયા ૭૦૦૦ કરોડ સુધીની રકમ બચી શકે એમ છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
આરબીઆઈએ ૨૬મી માર્ચના રોજ ૫ અબજ ડોલરનું પ્રથમ ફોરેકસ સ્વેપ ઓકશન્સ હાથ ધર્યું હતું. આને કારણે રૂપિયા-ડોલરના વિનિમય દરમાં ઘટાડો નોંધાયો હકતો. આવાજ પ્રકારનું બીજું લિલામ ૨૩ એપ્રિલના રોજ યોજાનાર છે.
રૂપિયા- ડોલરના ફોરવર્ડ રેટસમાં તાજેતરમાં થયેલા ઘટાડા નજીકના ભવિષ્ય સુધી ટકી રહેશે તો પણ જેઓ વિદેશી ચલણના રૂપમાં નાણાં ઊભા કરવા યોજના ધરાવતા હશે તેવા બોરોઅરોને રાહત મળી રહેશે એમ ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
વૈશ્વિક નાણાં નીતિની સ્થિતિમાં બદલાવ સાથે ત્રણ વર્ષના સ્વેપ ઓકશનના પ્રથમ રાઉન્ડને પગલે ત્રણ વર્ષના ક્રોસ-કરન્સી સ્વેપ રેટ્સમાં ૨જી જાન્યુઆરીના સ્તરની સરખામણીએ ૦.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજ ગાળામાં ઘરેલું બજારમાં ડોલર લિક્વિડિટી સુધરતા રુપી-ડોલરના ફોરવર્ડ પ્રીમિયમમાં ૦.૭૧ ટકાનો સાધારણ ઘટાડો નોંધાયો હતો.
એજન્સી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં દેવા સાથેની ૫૦૦ ટોચની કંપનીઓનો વ્યાજ ખર્ચ રૂપિયા ૪૦૦૦થી રૂપિયા ૭૦૦૦ કરોડ જેટલો ઘટી શકે છે. ફોરેકસ બોરોઈંગના ખર્ચમાં ૦.૫૦થી ૦.૭૫ ટકાના ઘટાડાની ધારણાંએ આ અંદાજ આવી પડયો છે. આરબીઆઈના સ્વેપ વિન્ડોઝને કારણે બેન્કો પાસે રૂપિયા ૬૯૦૦૦ કરોડની વધારાની ડિપોઝિટસ ઉપલબ્ધ બનશે, આમછતાં બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટીની એકંદર ખેંચમાં ખાસ ફરક પડશે તેવું જણાતું નહીં હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
રિઝર્વ બેન્કે યોજેલા પ્રથમ સ્વેપ કાર્યક્રમમાં બેન્કો પાસેથી ત્રણ વર્ષ માટે પાંચ અબજ ડોલરનું રૂપિયા સામે વિનિમય કર્યું હતું, જેને કારણે રિઝર્વ બેન્કના ફોરેકસ રિઝર્વમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્રણ વર્ષ બાદ બેઝ પ્રાઈસ પર પ્રીમિયમ ચૂકવીને બેન્કોને ડોલર ફરી જારી કરાશે.બેન્કિંગ વ્યવસ્થામાં ડિપોઝિટસની માત્રામાં નબળી વૃદ્ધિ ચિંતાનો વિષય હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વ્યવસ્થામાં ડિપોઝિટસમાં નોંધપાત્ર વધારો થાય તે જરૂરી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v5VLJf
via Latest Gujarati News
0 Comments