મુંબઈ,તા. 16 એપ્રિલ, 2019, મંગળવાર
આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ અને ઈન્વેસ્ટર-શેર હોલ્ડર ફ્રેન્ડલી કંપની વિપ્રો લિમિટેડે ફરી શેર ધારકો માટે શેર દીઠ રૂ.૩૨૫ ભાવે રૂ.૧૦,૫૦૦ કરોડના શેરોના મેગા બાયબેક પ્રોગ્રામને મંજૂરી આપી છે. કંપનીની આજે યોજાયેલી બોર્ડ મીટિંગમાં જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિકના રિઝલ્ટ જાહેર કરવા સાથે આ મેગા શેર બાયબેકને મંજૂર કરવામાં આવ્યો હતો.
આ મેગા શેર બાયબેક પ્રોગ્રામ હેઠળ વિપ્રો શેર દીઠ રૂ.૩૨૫ ભાવે કુલ ભરપાઈ શેર મૂડીના ૫.૩૫ ટકા એટલે કે ૩૨,૩૦,૭૬,૯૨૩ શેરો સુધી બાયબેક કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ છેલ્લે નવેમ્બર ૨૦૧૭માં શેર દીઠ રૂ.૩૨૦ ભાવે રૂ.૧૧,૦૦૦ કરોડના શેરો બાયબેક કર્યા હતા.
વિપ્રોના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જતીન દલાલે જણાવ્યું હતું કે, આવકની ગુણવતા સુધારવા પર અને એક્ઝિક્યુશન પર ફોક્સથી ઓપરેટીંગ માર્જિના વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧.૮ ટકા મેળવાયું છે. કંપનીનો ઓપરેટીંગ કેશ ફલો મજબૂત રહ્યો છે અને વર્ષ માટે ચોખ્ખી આવકના ૧૨૯.૨ ટકા રહ્યો છે. કંપની માટે કેશની રીતે આ વર્ષ અત્યંત સારૂ રહ્યું છે, અને બેલેન્સશીટમાં કેશ ફ્લોના સંદર્ભમાં એક અબજ ડોલર રહ્યો છે.
જેથી કંપનીએ શેરોના બાયબેક માટે આ સમય યોગ્ય હોવાનું માનીને બાયબેક કરવાનું નક્કી કર્યું છે.જેથી કંપનીએ આ માટે રૂ.૧૦,૫૦૦ કરોડ ફાળવ્યા છે. કંપનીનો પે-આઉટ રેશીયો ૧૨૩ ટકા રહ્યો છે.સેબી માર્ગરેખાઓ પ્રમાણે કંપની ૧૨ મહિનામાં એક વખત જ શેરોનું બાયબેક કરી શકે છે. વિપ્રોના શેરના રૂ.૨૮૧ ભાવથી આ બાયબેક ૧૫.૪ ટકા પ્રીમિયમે નક્કી કરાયું છે.
વિપ્રો લિમિટેડ ૩૧,માર્ચ ૨૦૧૯ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૂ.૧૮૦૩ કરોડની તુલનાએ ૩૭.૭૪ ટકા વધીને રૂ.૨૪૮૩.૫ કરોડ થયો છે. જ્યારે આઈટી સર્વસિઝની આવક રૂ.૧૩,૮૨૪ કરોડની તુલનાએ ૧૧.૧ ટકા વધીને રૂ.૧૫,૦૩૮ કરોડની થઈ છે. કંપનીની આઈટી સર્વિસિઝ આવક ૧.૪ ટકા વધીને ૨૦૭.૫૫ કરોડ ડોલરની રહી છે. જે ૦થી ૨ ટકાના અંદાજોની રેન્જમાં રહી છે.
કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે આઈટી સર્વિસિઝ આવકનો અંદાજ પ્રથમ ત્રિમાસિક માટે નીચો મૂક્યો છે. જે ૨૦૪.૬ કરોડ ડોલર થી ૨૦૮.૭ કરોડ ડોલરની રેન્જમાં મૂક્યો છે. જે એક ટકા નેગેટીવ થી એક ટકા પોઝિટીવ વૃદ્વિ બતાવાઈ છે. કંપનીએ ૭.૫૦ કરોડ ડોલરની કેટેગરીમાં ચોથા ત્રિમાસિકમાં ત્રણ નવા ગ્રાહકો મેળવ્યા છે અને એક કરોડના એક ગ્રાહક મેળવ્યો છે. પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિપ્રોનો ચોખ્ખો નફો ૧૩ ટકા વધીને રૂ.૯૦૦૩.૭ કરોડ અને આઈટી સર્વિસિઝ આવક રૂ.૫૬,૮૨૫.૩ કરોડની થઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pf6EBD
via Latest Gujarati News
0 Comments