બ્રિટનમાં મોંઘી કાયદાકીય ફી ચૂકવીને SBI ભારતીય કરદાતાઓના નાણા વેડફી રહી છે: માલ્યા


(પીટીઆઇ) લંડન, તા. ૧૯

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર ફરી એક વખત પોતાનું દેવું ભારતની સરકારી બેંકોને ચૂકવી દેવાનું જણાવ્યું છે. આ વખતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)ને નિશાન બનાવતા માલ્યાએ જણાવ્યું છે કે બ્રિટનમાં મોંધી કાયદાકીય ફી ચૂકવીને એસબીઆઇ ભારતીય કરદાતાઓના નાણા વેડફી રહી છે. 

યુકે હાઇકોર્ટના જજે માલ્યાના લંડનના બેંક એકાઉન્ટમાં ૨,૬૦,૦૦૦ પાઉન્ડ ફ્રીઝ કરવાના આદેશને રદ કરવાનો ઇનકાર કરતા ૬૩ વર્ષીય માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું છે કે એસબીઆઇના નેતૃત્ત્વમાં ભારતીય સરકારી બેંકો ખોટી રીતે બ્રિટનની કોર્ટોમાં મારી સામે કેસ કરી રહી છે. 

માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું છે કે બ્રિટનમાં એસબીઆઇના વકીલો ભારતીય કરદાતાઓના નાણે મારી સામે કેસ ચલાવી રહ્યાં છે. હું તમામ દેવું ચૂકવી દેવા તૈયાર હોવા છતાં મારી સામે કેસ ચલાવવામાં આવે છે. 

ભારતીય મીડિયાની પણ તેમણે ફરી એક વખત ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય મીડિયા સનસનીખેજ હેડિંગ બનાવવામાં નિષ્ણાત છે તો પછી શા માટે એસબીઆઇને આરટીઆઇ કરી પૂછવામાં આવતું નથી કે તેણે બ્રિટનમાં મારી વિરુદ્ધ કેસ ચલાવવા માટે વકીલોને કેટલ ફી ચૂકવી છે?

અઆ ઉપરાંત અન્ય એક ટ્વિટમાં માલ્યાએ જણાવ્યું છે કે બ્રિટનમાં મારી ૫૦ ટકા મિલકતોનું વેચાણ થઇ ગયું છે. અને આ વેચાણ અડધા ભાવે કરવામાં આવ્યું છે. જે મિલકતો બાકી છે તે વેચવાથી કાયદાકીય ફી પણ ચૂકવી શકાય તેમ નથી તો પછી આ બધુ શા માટે થઇ રહ્યું છે? બ્રિટનના વકીલોને ધનવાન બનાવવા માટે?

વિજય માલ્યાએ ગઇકાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે એક બાજુ વડાપ્રધાન મોદી એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે મારું સરકારી બેંકો પાસે જેટલું દેવું હતું તેનાથી વધારે રકમ સરકારે વસૂલ કરી લીધી છે તો બીજી તરફ ભારતીય બેંકો બ્રિટનની કોર્ટમાં રિકવરીની માગ કરે છે. કોણ સાચું બોલે છે તે જ ખબર પડતી નથી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZmDyVM
via Latest Gujarati News

Post a Comment

0 Comments