
એનડીએ સરકાર હાલ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તમામ મોરચે પોતાની કામગીરી આકર્ષક રહી હોવાના દાવા ચૂંટણી પ્રચાર વેળા કરી રહી છે. સરકારના આ દાવા વચ્ચે વાસ્તવિક સ્થિતિ પર નજર કરીએ તો ચિત્ર કંઇક અલગ જ છે. દેશના અર્થતંત્રના એક સ્તંભ સમાન નિકાસના મોરચે મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે તદ્દન નબળો દેખાવ કર્યો છે.
હાલની સરકાર અગાઉની યુપીએ-૨ સરકારના કાર્યકાળમાં નિકાસ ક્ષેત્રે ૧૨૬ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. તેની સરખામણી મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના કાર્યકાળમાં નિકાસ ક્ષેત્રે માત્ર ૧૦ ટકાની જ વૃદ્ધિ જોવા મળી છે. આમ, નિકાસના મોરચે એનડીએ સરકારનો દેખાવ તદ્દન નબળો રહ્યો છે.
વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ ફેબુ્રઆરી અંતે પૂરા થયેલા ૨૦૧૮-૧૯ના નાણા વર્ષના ૧૧ માસ દરમિયાન દેશમાંથી રૂા. ૨૦.૮ લાખ કરોડના મૂલ્યની નિકાસ થઈ હતી. જે ૨૦૧૭-૧૮ના નાણાં વર્ષના અંતે રૂા. ૧૯.૬ લાખ કરોડ હતી. ગત મે ૨૦૧૪માં મોદીની આગેવાની હેઠળની એનડીએની સરકાર સત્તારૂઢ થઈ તે પહેલા ૨૦૧૩-૧૪માં દેશમાંથી થતી વાર્ષિક નિકાસ રૂા. ૧૯ લાખ કરોડ હતી.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વૈશ્વિક નાણાંકીય કટોકટી વેળા અનેક દેશના અર્થતંત્ર પ્રતિકૂળ સ્થિતિનો સામનો કરી રહ્યા હતા તે વેળાએ એટલે કે ૨૦૦૮-૦૯માં ભારતની નિકાસ રૂા. ૮.૪ લાખ કરોડની સપાટીએ હતી તે ૨૦૧૩-૧૪ના અંતે વધીને રૂા. ૧૯ લાખ કરોડ પહોંચી હતી. આ પાંચ વર્ષ દરમ્યાન મનમોહનસિંઘની આગેવાની હેઠળની યુપીએ-૨ સરકાર કાર્યરત હતી.
હકીકતમાં તો વૈશ્વિક મંદીના માહોલના પગલે છેલ્લા પાંચ વર્ષમાં દેશની નિકાસમાં એકંદરે નરમાઇ તરફી જ વલણ રહેવા પામ્યું છે. તેમાંય વળી તાજેતરના મહિનાઓમાં તો તેમાં ભારે અનિયમિતતા એટલે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભિક માસમાં નિકાસ ક્ષેત્રે ૫.૨ ટકાની વૃધ્ધિ નોંધાઇ હતી.
જે તેના પછીના બે માસમાં ૨૦.૨ ટકા વૃધ્ધિ નોંધાઇ હતી. ત્યારબાદ ગત સપ્ટેમ્બર માસમાં દેશમાંથી થતી નિકાસમાં ૨.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે ગત ડિસેમ્બર અંતે નિકાસમાં પુન: ૩.૭ ટકાનો વધારો નોંધાયો હતો. આમ, વૈશ્વિક સ્તરે ઉદભવેલી અનિશ્ચિતતાની ભારતીય નિકાસ પર અસર જોવાઇ હતી.
છાશવારે વિકાસના ઢોલ-નગારા પીટતી મોદી સરકારના પૂર્ણ થઇ રહેલા પાંચ વર્ષ દરમિયાન નિકાસ મોરચે નિરસતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. સરકારના આ પાંચ વર્ષના સમયગાળામાં દેશમાંથી થતી નિકાસ પાંચ વર્ષ પહેલા યુપીએ સરકાર વેળાની સપાટીથી આગળ વધી શકી નથી.
આગળ વધવાની વાત તો દૂર છેલ્લા પાંચ વર્ષમાં ઉતાર-ચઢાવ સાથે તેમાં એકંદરે પીછેહઠ જ થવા પામી છે. આમ, સરકાર જે વિકાસના ગાણા ગાઇ રહી છે તે અને નિકાસના મોરચે જોવા મળતી વાસ્તવિક સ્થિતિ કંઇક અલગ જ છે. અત્રે છેલ્લા પાંચ વર્ષના આપેલા નિકાસના આંકડા પરથી જાણવા મળે છે.
નિકાસ મોરચે રૂંધાયેલી વૃધ્ધિ અંગે સરકારી તંત્ર એમ કહી રહ્યું છે કે વૈશ્વિક સ્તરે અર્થતંત્રની વૃધ્ધિ રૂંધાતા નિકાસના મોરચે પણ મંદ કામગીરી જોવા મળી રહી છે. તેમાંય વળી તાજેતરમાં અમેરિકા દ્વારા ભારતને અપાતી જીેસપી સવલત પાછા ખેંચી લેવાના મુદ્દાને જોઇએ તો આગામી સમયમાં નિકાસમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
ભારતમાંથી વિવિધ ચીજવસ્તુઓની નિકાસ થાય છે. તેમાં કૃષિ નિકાસ, આગવું મહત્વ ધરાવે છે. કૃષિ નિકાસને વેગ મળે અને ખેડૂતોની આવક વધે તે હેતુસર વર્તમાન સરકાર દ્વારા થોડા સમય પહેલા એગ્રીકલ્ચર એક્સપોર્ટ પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પોલીસી હેઠળ દેશની કૃષિ નિકાસને વધારીને ૬૦ અબજ ડોલર પહોંચાડવાનો લક્ષ્યાંક મુકાયો છે.
નવી નિકાસ નીતિ અનવયે સ્થિર વેપાર પદ્ધતિ, નિકાસમાં વૈવિધ્યતા તથા નિકાસ મથકો વધારવા પર ભાર આપવા ઉપરાંત નાશવંત તથા વેલ્યુ એડેડ પ્રોડકટસની નિકાસ વધારવા પર ભાર અપાયો છે. ૧૯૯૫માં જ્યારે દેશની બજારો વૈશ્વિક બજારો માટે ખુલ્લી મુકી દેવાઈ હતી ત્યારે દેશની કૃષિ નિકાસ ૫ અબજ ડોલર રહી હતી તે ૨૦૧૭ના અંતે વધીને ૩૬.૮૦ અબજ ડોલર પર પહોંચી ગઈ હતી.
દેશની કુલ નિકાસમાં કૃષિ નિકાસનો હિસ્સો આ ગાળામાં ૧૮.૨૦ ટકા પરથી ઘટી ૧૧.૬૮ ટકા પર આવી ગયો છે. આનો અર્થ એવો થાય છે કે કૃષિ નિકાસના મૂલ્યમાં વધારો થયો છે પરંતુ નિકાસ બાસ્કેટમાં તેમનું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે.
ભારતીય નિકાસમાં મંદી એ સમયે આવે છે જ્યારે દેશ માત્ર ચીનથી જ નહીં પરંતુ વિયેતનામ, મ્યાનમાર, કંબોડિયા અને ઇન્ડોનેશિયા જેવા અન્ય એશિયાઈ દેશોની સ્પર્ધામાં પણ આવે છે. ૨૦૧૭ માટે ડબલ્યુટીઓના આંકડા મુજબ વૈશ્વિક નિકાસ કામગીરીમાં ભારત ૨૦ ક્રમાંકિત છે.
ચાઇના એ નંબર ૧ છે, જ્યારે વિયેતનામ ૨૭મું અને ઇન્ડોનેશિયા ૨૯માં ક્રમે છે. વૈશ્વિક વિકાસમાં મંદીએ વૈશ્વિક વેપારને અસર કરી છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો ડેટા બતાવે છે કે ૨૦૧૮ના અંતમાં પાંચ વર્ષમાં વિશ્વ વેપારમાં ૩ ટકાનો વધારો થયો છે.
કૃષિ નિકાસમાં નોન-ટેરિફ મુદ્દાઓ જેમ કે અનાજની કવોલિટી, સેનિટરી તથા ફાયટોસેનિટરી તથા આરોગ્ય સંબંધી મુદ્દાઓનો ભારત સામનો કરી રહ્યું છે. અમેરિકા, યુરોપ તથા એશિયાના દેશોમાં ભારતને આ મુદ્દાઓ નડી રહ્યા છે. અનાજની કવોલિટી, સેનિટરી તથા ફાયટોસેનિટરી તથા આરોગ્ય સંબંધી મુદ્દાઓ પ્રત્યે વિકસિત દેશો ઘણી જ સજાગ છે.
ભારતની ખાંડ નીતિ ડબલ્યુટીઓના નિયમોની વિરુદ્ધ છે અને તેને કારણે વૈશ્વિક ખાંડ બજારમાં માલનો ભરાવો થઈ રહ્યો છે,એવી દલીલ કરવામાં આવી રહી છે. ચીન દ્વારા તેના કૃષિ ક્ષેત્રને અપાતી સબસિડી સામે અમેરિકાએ ડબલ્યુટીઓમાં કરેલી ફરિયાદના સંદર્ભમાં ડબલ્યુટીઓએ અમેરિકાની તરફેણમાં મત આપ્યો છે. આની અસર ભારતના કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળવાની શકયતા નકારી શકાતી નથી.
ભારત કૃષિ ઉત્પાદનોનું મુખ્ય નિકાસકાર છે, જો કે છેલ્લા થોડાં વર્ષોમાં વૈશ્વિક કોમોડિટીના ભાવમાં થયેલા ઘટાડાને કારણે તેની પ્રતિકૂળ અસર થઈ છે. એગ્રો અને પ્રોસેસ્ડ ફૂડસ અને ચામડાની પેદાશોની નિકાસ ૨૦૧૩-૧૪માં સામાન્ય સ્તરોની સરખામણીએ સ્થિર રહી છે. રત્નો અને જ્વેલરી સેગમેન્ટમાં નિકાસમાં વૃદ્ધિને પણ સ્થિર રહી છે. ૨૦૧૭-૧૮માં જોવા મળતા સંકોચન સાથે છે. ટેક્સટાઇલ્સ નિકાસ પણ એક અંકમાં વૃદ્ધિ થઈ છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન્સના જણાવ્યા મુજબ વૈશ્વિક વેપાર ટોચની સપાટીએ છે અને તેનાથી ભારતીય વેપારને અસર થઈ છે.
વાણિજ્ય મંત્રાલયે પણ નિકાસકારોને ટેકો આપવા માટે ખાસ કોઈ કાર્ય કર્યું હોય તે જણાતું નથી. બજાર વિકાસ સહાય ઓછી છે અને ભારતીય નિકાસકારો માટે ભાગ્યે જ કોઈ બી-ટૂ-બી જેવા પ્લેટફોર્મ્સ છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને અન્ય બજારોમાં પ્રવેશ કરવામાં સહાય કરીને પણ ટેકો અપાતો નથી. કુશળ શ્રમની અછત પણ એક મોટી સમસ્યા છે.
ટૂંકમાં અસ્થિર વૈશ્વિક વેપાર, પરંપરાગત ક્ષેત્રોમાં નિકાસના મોરચે સ્પર્ધાત્મકતા ગુમાવવી, નવા પ્રોત્સાહનનો અભાવ જેવા પરિબળો નિકાસ વૃદ્ધિના આડે અવરોધ ઉભો કરી રહ્યાં છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GfHsXF
via Latest Gujarati News
0 Comments