
અર્નિંગ્સ સીઝન અને ચૂંટણીની મોસમ વચ્ચે માર્કેટમાં વોલેટાલિટી ઉદ્ભવી છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં બજારમાં પોઝિટિવ રિટર્ન મળે છે. છેલ્લા એક દાયકામાં એપ્રિલમાં ૨.૫ ટકાનું સરેરાશ રિટર્ન મળ્યું છે. ચૂંટણીની સીઝનને જોતાં એપ્રિલ મહિનો વોલેટિલિટી સભર રહેશે તેમાં કોઈ શંકા નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં એપ્રિલના દેખાવમાં સુધારો નોંધાયો છે. ૧૯૯૦થી ૨૦૧૮ સુધીના ૨૯ વર્ષોમાં એપ્રિલે સરેરાશ ૧.૨ ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જે ૨૦૦૯થી ૨૦૧૮ સુધીના ૧૦ વર્ષમાં ૨.૫ ટકા હતું. આમ છેલ્લા દાયકામાં એપ્રિલનો દેખાવ નોંધપાત્ર રીતે પોઝિટિવ રહ્યો હતો.
જો કે ચાલુ એપ્રિલમાં બજારનો દેખાવ છેલ્લાં ત્રણ વર્ષનું પુનરાવર્તન કરે છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ઉપરાંત બજાર અગાઉથી જ થોડું ઓવરબોટ છે અને તેથી થોડા ઘટાડાની સંભાવના જણાય છે. બીજી તરફ કોર્પોરેટ અર્નિંગ્સ પાસેથી કોઈ મોટી અપેક્ષા નથી અને તેથી બજારમાં અર્નિંગ્સને લઇને નેગેટિવ પ્રતિક્રિયાની શક્યતા ઓછી છે.
કોમોડિટીના ભાવમાં ઘટાડો થવાથી ભારતની કંપનીઓની માર્ચ ક્વાર્ટરની આવકમાં ૮-૯ ટકા ભાવ પ્રાપ્તિ જોવા મળશે અને તેમના ઓપરેટિંગ માર્જિન ઘટીને ૭ ટકા થશે. કંપનીઓનો ઓપરેટિંગ પ્રોફિટ અગાઉનાં ત્રણ ક્વાર્ટરમાં સરેરાશ ૧૩ ટકા રહ્યો હતો, પરંતુ માર્ચ ક્વાર્ટરમાં તે ઘટીને લગભગ ૭ ટકા થવાની ધારણા છે જ્યારે વેચાણમાં ૧૬.૫ ટકાની સરેરાશ સામે ૮થી ૯ ટકા વૃદ્ધિ થશે એમ ક્રિસિલે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
જો કે, મોટાભાગની સામાન્ય કોમોડિટી અને ક્રૂડ ઓઇલના ભાવમાં વાર્ષિક ધોરણે ઘટાડાની શક્યતાને લીધે કંપનીઓનાં માર્જિનનું ધોવાણ મર્યાદિત રહેવાની ધારણા છે, કારણ કે, ઇનપુટ ખર્ચ નીચો જવાથી એન્ડ-યુઝ સેકટરને તો ફાયદો થશે.
સ્ટીલ, એલ્યુમિનિયમ, નેચરલ ગેસ અને પેટ્રોકેમિકલ્સ જેવી મુખ્ય કોમોડિટીના ભાવમાં ઘટાડો થયો છે અને તેમની આગેવાની હેઠળ અન્ય કોમોડિટીના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે, એટલે કંપનીઓની ભાવપ્રાપ્તિ પર અસર પડશે. કોમોડિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સંકળાયેલા સેકટર્સ છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સથી રેવન્યુ ગ્રોથને ટેકો આપતા આવ્યા છે.
જો કે, આ ટ્રેન્ડ માર્ચ ક્વાર્ટરમાં ઊંધો થઇ જશે. સ્ટીલ, એલ્યુમિનિયમ, નેચરલ ગેસ અને પેટ્રોકેમિકલ્સની ભાવપ્રાપ્તિમાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળશે અને કન્સ્ટ્રકશન તથા કેપિટલ ગુડઝ જેવાં સેકટર્સ પણ ધીમી ગતિએ વૃદ્ધિ કરે તેવી શક્યતા છે.
માંગમાં વધારો થવાથી જે મુખ્ય સેકટર્સને ફાયદો થયો હતો તે પૈકીના ઓટોમોબાઈલ્સ સેકટરમાં તો નરમ માંગની અસર માર્ચ ક્વાર્ટરમાં પણ જળવાઈ રહેશે કારણ કે, વાહનોની કિંમત વધી છે અને નવા એકસલ નિયમો સહિતનાં પરિબળો ઓટો ઉદ્યોગને પરેશાન કરી રહ્યાં છે. જો કે, રેવન્યુ ગ્રોથમાં ઘટાડાની અસર રિટેલ સેકટર જેવા અન્ય કન્ઝ્યુમર સેકટર્સને કારણે સરભર થઇ શકે છે.
ભારતની કંપનીઓની આવકનો વૃદ્ધિદર નીચો રહેવાથી તેમનું ઓપરેટિંગ પર્ફોર્મન્સ પણ નબળું પડશે અને પ્રોફિટાબિલિટી પર અસર પડશે. માર્ચ ક્વાર્ટરમાં કોમોડિટીના વેચાણથી ઓછી ભાવ પ્રાપ્તિ થવાને કારણે રેવન્યુ ગ્રોથ પર અસર પડશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UCamLP
via Latest Gujarati News
0 Comments