ચીન સાથેની મંત્રણા નિષ્ફળ: વધુ 100 અબજ ડોલરની ચીજો પર ટ્રમ્પની ડયૂટી


ચાલુ સપ્તાહમાં જ ટ્રમ્પે ચીનની 200 અબજ ડોલરની વસ્તુઓ પરની આયાત ડયૂટી 10 ટકાથી વધારી 25 ટકા કરી હતી

(પીટીઆઇ) વોશિંગ્ટન/ બેઇજિંગ, તા. 11 મે, 2019, શનિવાર

ચીન સાથેની વેપાર મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી એ તમામ વસ્તુઓ પર ડયુટી નાખવાનો આદેશ આપ્યો છે જેના પર અત્યાર સુધી ડયુટી નાખવામાં આવતી ન હતી. 

ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની આયાત ડયુટી ૧૦ ટકાથી વધારી ૨૫ ટકા કરવામાં આવી છે. જો કે બીજી તરફ ચીને જણાવ્યું હતું કે મંત્રણા પડી ભાંગી નથી અને અમને આશા છે કે બંને દેશો વચ્ચે સંમતિ સધાશે. 

આ સાથે જ અમેરિકાએ ચીનની કુલ ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખી દીધી છે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઉટહિઝરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રમ્પે ચીનની બાકી રહી ગયેલી તમામ વસ્તુઓ પર ડયુટી નાખવાનો આદેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગઇકાલથી જ ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓે પરની ૧૦ ટકા ડયુટી વધારી ૨૫ ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમેરિકન પ્રમુખે ચીનની બાકી રહી ગયેલી વસ્તુઓ ઉપર પણ ડયુટી નાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ચીનની ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાખવામાં આવશે. 

ફેડરલ રજિસ્ટરમાં આ અંગે ટૂંક સમયમાં પબ્લિક નોટિસ જારી કરવામાં આવશે. શુક્રવારે વોશિંગ્ટનમાં ચીન અને અમેરિકા વચ્ચેની વેપાર મંત્રણાનો ૧૧મો રાઉન્ડ પૂર્ણ થયો હતો. જો કે આ રાઉન્ડના અંતે પણ બંને દેશો વચ્ચે કોઇ સંમતિ સાધી શકાય નથી.

જો કે ચીનના નાયબ વડાપ્રધાને જણાવ્યું છે કે બંને દેશો ભવિષ્યમાં પણ મંત્રણા ચાલુ રાખવા સંમત થયા છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચે સમજૂતી થવાની શકયતાને નકારી ન શકાય.  બીજી તરફ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમને ચીન સાથેની મંત્રણા સમાપ્ત કરવાની કોઇ ઉતાવળ નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hi03TC
via Latest Gujarati News

Post a Comment

0 Comments