
10.17 કરોડ મતદારો 979 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, સિંધિયા, મેનકા ગાંધી, અખિલેશ પણ મેદાનમાં
નવી દિલ્હી, તા. 11 મે, 2019, શનિવાર
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેને પગલે ૧૨મી તારીખે અને રવિવારે મતદાન યોજાશે. છઠ્ઠા તબક્કામાં દિલ્હી સહીત સાત રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આશરે ૫૯ બેઠકો પર મતદાન યોજાશે.
જેમાં ઉત્તર પ્રદેશમાં ૧૪, હરિયાણામાં ૧૦, બિહાર, મધ્ય પ્રદેશ એ પશ્ચિમ બંગાળમાં આઠ આઠ બેઠકો પર ચૂંટણી યોજાશે આ ઉપરાંત દિલ્હીની બધી જ સાત અને ઝારખંડની ચાર બેઠકો પર પણ મતદાન યોજાવા જઇ રહ્યું છે.
આ તબક્કામાં કુલ ૯૭૯ ઉમેદવારો મેદાનમાં છે, જેનું ભાવી આશરે ૧૦.૧૭ કરોડ મતદારો નક્કી કરશે. ચૂંટણી પંચે આ ૫૯ બેઠકો માટે આશરે ૧.૧૩ લાખ મતદાન મથક તૈયાર કર્યા છે. જે ૫૯ બેઠકો પર મતદાન થવાનું છે તેમાં ૨૦૧૪માં ભાજપે ૪૫ બેઠક જીતી હતી તેથી આ વખતે ભાજપની કસોટી થઇ શકે છે.
ઉત્તર પ્રદેશમાં જે ૧૪ બેઠક પર મતદાન થવાનું છે તેમાંથી ૧૩ ભાજપે જીતી હતી, જોકે એક બેઠક આઝમગઢ મુલાયમસિંહ યાદવે જીતી હતી. બાદમાં જે પેટા ચૂંટણી યોજાઇ તેમાં ગોરખપુર અને ફુલપુર પર ભાજપે હારનો સામનો કરવો પડયો હતો.
જે નેતાઓ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં સપાના વડા અખીલેશ યાદવ, હર્ષવર્ધન, મેનકા ગાંધી, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય પ્રધાન રાધા મોહનસિંહનું ભાવી પણ આ તબક્કામાં નક્કી થશે.
આ તબક્કામાં ભોપાલ બેઠક વધુ ચર્ચામાં રહી છે, અહીં ભાજપે બોમ્બ બ્લાસ્ટના આરોપી અને જામીન પર છુટેલા સાધ્વી પ્રજ્ઞાા ઠાકુરને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે પોતાના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને મેદાનમાં ઉતાર્યા છે.
જ્યારે મધ્ય પ્રદેશની ગુના બેઠક પર કોંગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને મોરેના બેઠક પરથી ભાજપના ઉમેદવાર તેમજ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર ચૂંટણી લડી રહ્યા છે.
આ ચૂંટણીમાં ચાર વર્તમાન સાંસદોમાં સામેલ કેન્દ્રીય કૃષી પ્રધાન રાધા મોહનસિંહ સહીત ૧૨૭ ઉમેદવારો બિહારથી ચૂંટણી લડી રહ્યા છે. ભારે સુરક્ષા વચ્ચે આ રાજ્યોમાં મતદાન યોજાશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણેય પક્ષોના ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળશે. આપના નેતા આતિશી, ભાજપના ગૌતમ ગંભીર વધુ ચર્ચામાં રહ્યા છે.
છઠ્ઠા તબક્કાના ૧૦ ઉમેદવારો અભણ, ૨૨ પાસે પીએચડીની ડીગ્રી
છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોમાંથી ૫૯ બેઠકો પર તમદાન યોજાવા જઇ રહ્યું છે, જોકે આ તબક્કમાં જે ઉમેદવારો મેદાનમાં છે તેમાંથી ૨૨ પાસે પીએચડીની ડીગ્રી છે તો ૧૦ એવા પણ ઉમેદવારો છે કે જેમણે શિક્ષણનો કોઇ અભ્યાસ નથી કર્યો. આ તબક્કામાં કુલ ૯૭૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે,
જેમાંથી ૯૬૭ ઉમેદવારોમાંથી ૧૭૬ એવા છે કે જેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે ગ્રેજ્યુએટ થયેલાની સંખ્યા ૧૮૪ છે. ૧૬૭ ઉમેદવારો એવા છે કે જેણે ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે ૧૨૦ ઉમેદવારો ધોરણ ૧૦, ૩૫ ઉમેદવારો પાંચ ધોરણથી ઓછુ અને ૧૦ ઉમેદવારો એવા છે કે જેમણે સ્કૂલમાં કોઇ અભ્યાસ જ નથી કર્યો.
છઠ્ઠા તબક્કામાં ભાજપના સૌથી વધુ ૪૬ ઉમેદવારો કરોડપતિ
છઠ્ઠા તબક્કામાં જે પણ ઉમેદવારો મેદાનમાં છે તેમણે પોતાની સંપત્તિની જાણકારી આપી છે જે મુજબ સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભાજપ પાસે છે. ભાજપના ૪૬ ઉમેદવારો કરોડપતિ છે તેવી જ રીતે કોંગ્રેસના પણ ૩૭ ઉમેદવારો કરોડપતિ છે.
જ્યારે બીએસપીના પણ ૩૧ ઉમેદવારો કરોડપતિ છે. આ તબક્કામાં ૭૫૭ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ તબક્કામાં ૧૨ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જેમાંથી છ ઉમેદવારો કરોડપતિ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YoND2W
via Latest Gujarati News
0 Comments