નવી દિલ્હી, તા.24 મે, 2019, શુક્રવાર
ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનોનું નરેન્દ્ર મોદી સરકાર જો પાલન કરશે તો દેશના અર્થતંત્રને જોરદાર ગતિ મળશે. ભાજપ દ્વારા ખેડૂતોને રોકડ સહાય ઉપરાંત, માર્ગ બાંધકામ, રેલવેઝ તથા અન્ય માળખાકીય સુવિધાઓ પાછળ ૧.૪૪ ટ્રિલિયન ડોલર (૧૦૦ ટ્રિલિયન રૂપિયા)ના ખર્ચથી ઉત્પાદન ક્ષેત્રને ગતિ મળશે અને દેશની નિકાસ બમણી કરવામાં પણ ટેકો રહેશે.
દેશના અર્થતંત્રને પ્રોત્સાહનની જરૂર છે. એનબીએફસીમાં કટોકટીને કારણે ધિરાણ પર કાપ આવી જતા ઉપભોગ ખર્ચમાં ઘટાડો થયો છે. ઈન્વેસ્ટમેન્ટસ મંદ પડયું છે અને બિનસત્તાવાર આંકડા મુજબ બેરોજગારીમાં પણ વધારો થયો છે. માર્ચ ત્રિમાસિકના અંતે દેશનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા રહેવાની અપેક્ષા રખાઈ રહી છે જે ૨૦૧૭ના મધ્ય બાદ સૌથી નીચો જોવા મળશે.લોકપ્રિય જાહેરાતો પરિપૂર્ણ કરવા માટે નાણાંની ઉપલબ્ધતા મોદી માટે સૌથી પ્રથમ પડકાર બની રહેશે.
માર્ચ ૨૦૨૦ના અંતે પૂરા થનારા વર્ષ માટેની રાજકોષિય ખાધ જીડીપીના ૩.૪૦ રહેવાનો સરકારે આ અગાઉ જ અંદાજ મૂકી દીધો છે. આવક તાણ હેઠળ છે ત્યારે સરકારે ઉછીના નાણાં લેવાની ફરજ પડી રહી છે અને રિઝર્વ બેન્ક પાસેથી વધુ નાણાં મળી રહે તેવી ઈચ્છા રાખી રહી છે. રાજકોષિય ખાધમાં જરા પણ વધારો દેશના ક્રેડિટ રેટિંગ્સ સામે જોખમ ઊભું કરી શકે છે એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું.
નબળા સરકારી ફાઈનાન્સિસમાં સુધારો કરવા કરવાનું નવી સરકાર માટે મહત્વનું બની રહેશે. ભાજપની સરકારના કાળમાં રાજકોષિય શિસ્તતા તાજેતરના વર્ષોમાં કથળી ગઈ હતી અને ચૂંટણી પ્રચારમાં ખેડૂતોની આવક વધારવાના પગલાના અપાયેલા વચનથી ખર્ચ પર દબાણ વધશે, એમ ફિચ રેટિંગ્સે તેના રિપોર્ટમાં જણાવ્યું છે.
રાજકોષિય છૂટ લેવા માટે અવકાશ મર્યાદિત હોવાનું ધ્યાનમાં રાખતા વચનો પરિપૂર્ણ કરવાનું કઠીન બની રહેશે એમ એક ઈકોનોમિસ્ટે જણાવ્યું હતું. અપાયેલા વચનો આંશિક પણ જો પૂરા કરાશે તો તેનાથી વિકાસને વેગ મળશે.
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં માળખાકીય ક્ષેત્રમાં રૂપિયા ૧૦૦ ટ્રિલિયન (૧.૪૪ ટ્રિલિયન ડોલર)ના ઈન્વેસ્ટમેન્ટનું વચન આપ્યું છે. માર્ચ ૨૦૧૯ના અંતે પૂરા થયેલા વર્ષમાં રોડસ તથા રેલવેઝ પાછળ સરકારે ૧.૨૦ ટ્રિલિયનના કરેલા ખર્ચને ધ્યાનમાં રાખતા ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચન ઘણાં જ મોટા કદના છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qn8263
via Latest Gujarati News
0 Comments