મુંબઈ, તા.24 મે, 2019, શુક્રવાર
કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરકારની રચનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ઉત્સાહિત થયા છે અને નવી સરકારે વધુ સુધારા હાથ ધરવા પર તથા દેશના અર્થતંત્રને પાટે ચડાવવા પર ભાર આપવો પડશે એવી હાકલ કરી હતી.
દેશના શેરબજારો હાલમાં વિક્રમી ઊંચી સપાટીએ વેપાર કરી રહ્યા હોવાથી તેમાં વધુ ઉછળો મર્યાદિત રહેશે એમ વિદેશી રોકાણકારો જણાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો ભારતના શેરબજારો માટે પોઝિટિવ છે કારણ કે તેનાથી અનિશ્ચિતતા દૂર થઈ છે અને સરકારને નીતિઓ જાળવી રાખવામાં મજબૂતાઈ પૂરી પાડી છે.
ઊભરતી બજારોમાં ભારતની કામગીરી સારી રહેશે કારણ કે, ટ્રેડ વોરથી તેના પર કોઈ અસર થઈ નથી અને ચૂંટણીને લગતી અનિશ્ચિતતા હવે દૂર થઈ છે એમ નાણાં સંસ્થા નોરડીયાના એક સીનિયર સ્ટ્રેટેજિસ્ટે એક અખબારને જણાવ્યું હતું.
બજાર હાલમાં વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે ત્યારે હું હવે તેમાં વધુ સુધારો જોતી નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું. સંસ્થાકીય રોકાણકારોને ભારતમાં રોકાણમાં જે રુકાવટ આવતી હતી તે લોકસભાની ચૂંટણીના પરિણામોએ હવે દૂર કરી છે એમ ગ્લોવિસ્ટા ઈન્વેસ્ટમેન્ટસના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર યુદ્ધને કારણે વિદેશી રોકાણકારો માટે ભારત વધુ આકર્ષક મથક બની શકે છે, કારણ કે ભારત વૈશ્વિક વેપાર સામે ખાસ જોખમ ધરાવતો નથી.
વૈશ્વિક વિકાસ મંદ પડવાની ધારણાંને કારણે ક્રુડ તેલના ભાવ નીચે જવાના અંદાજથી ભારતને લાભ થઈ રહેશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. મધ્યમ ગાળાના મજબૂત ફન્ડામેન્ટલ્સ છતાં, ઊભરતી બજારોની સરખામણીએ ભારતીય બજારો ઊંચા મૂલ્યાંકને પણ વેપાર થતા રહ્યા છે.
નવી સરકાર ગરીબી દૂર કરવા તરફ પ્રયાસો કરશે પરંતુ સાથોસાથ તેણે અર્થતંત્ર પર પણ ગંભીર રીતે ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે. નવી સરકારે વિકાસ દર તથા નાણાં સ્થિતિને પણ સુધારવાની રહેશે એમ અન્ય એક એફઆઈઆઈના સીઈઓએ જણાવ્યું હતું. આર્થિક સુધારા આગળ ધપશે તેનો બજારને સજ્જડ પુરાવો જોઈશે. બજારની નજર આર્થિક આંકડાઓ પર રહેશે તેમાં સુધારો થયો છે કે કેમ તે જોવાશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઘરેલુ મોરચે મોદીએ આર્થિક વિકાસ દર વધારવા પર ભાર આપવો પડશે કારણ કે ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં તે ઘટીને ૬.૬૦ ટકા પર આવી ગયો હતો. આ ઉપરાંત લિક્વિડિટીની સમશ્યાને પણ હાથ ધરવાની રહેશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wi2sIX
via Latest Gujarati News
0 Comments