
આ કેસમાં આટલા વર્ષો વીતી ગયા છે તો સમિતીને વધુ થોડો સમય આપવામાં કોઇ વાંધો ન હોવો જોઇએ : સુપ્રીમ
ફૈઝાબાદમાં ભારે સુરક્ષા વચ્ચે હવે મધ્યસ્થી સમિતી આગળની કાર્યવાહી હાથ ધરશે, રિપોર્ટ હાલ ગુપ્ત રખાશે
નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર
અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે એક મધ્યસ્થી કમિટીની રચના કરી છે. આ કમિટીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટ પાસેથી વધુ સમય માગ્યો હતો. મધ્યસ્થી કમિટીએ સુપ્રીમ કોર્ટને રજુઆત કરી હતી કે તેને હજુ ૧૫મી ઓગસ્ટ સુધીનો સમય જોઇએ છે. બાદમાં સુપ્રીમ કોર્ટે આ માગણીને માન્ય રાખી હતી. જેને પગલે હવે ૧૫મી ઓગસ્ટ સુધી અયોધ્યા વિવાદ કેસની સુનાવણી ટળી ગઇ છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત પાંચ જજોની બંધારણીય બેંચે પેનલની દલિલો પર વાત કરતા જણાવ્યું હતું કે કમિટી હજુસુધી તેના અંતિમ નિર્ણય પર નથી પહોંચી શકી અને તેના માટે તે સમય માગી રહી છે. આ કેસમાં આટલા વર્ષો વીતી ગયા છે તો પછી કમિટીને થોડો વધુ સમય આપવામાં કોઇ સમસ્યા ન હોઇ શકે.
હિંદુ અને મુસ્લિમ બન્ને પક્ષકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મધ્યસ્થી કમિટી દ્વારા આ મામલાનો કોઇ નિકાલ આવી જશે. દરમિયાન શુક્રવારે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે અમને કમિટી દ્વારા સાતમી મેના રોજ રિપોર્ટ મળ્યો છે. જેમાં તેમણે અમને વધુ સમય આપવાની વિનંતી કરી હતી. અમે તેમને વધુ સમય આપવા માટે તૈયાર છીએ.
જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે પક્ષકારો તરફથી હાજર એક વકીલે કોર્ટમાં કહ્યું હતું કે આ મધ્યસ્થી કમિટીને મામલાનું નિરાકરણ લાવવા માટે પહેલાથી જ આઠ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો અને નવ સપ્તાહનો સમય વીતી ગયો છે.
બાદમાં કોર્ટે કહ્યું હતું કે અમે આઠ સપ્તાહનો સમય આપ્યો હતો અને રિપોર્ટ અમારી પાસે આવ્યો છે, જોકે અમે આ રિપોર્ટ ગુપ્ત રાખવાનો હોવાથી તેના વિષે તમને કોઇ માહિતી નહીં આપીએ. અન્ય એક વકીલે એવી દલીલ કરી હતી કે અયોધ્યા વિવાદમાં જે પણ ૧૩૯૯૦ પાનાના દસ્તાવેજો કોર્ટને આપવમાં આવ્યા છે તેનું ભાષાંતર કરવા કેટલીક ભૂલો કરવામાં આવી છે જે આ કેસમાં અડચણ ઉભી કરી શકે છે.
જોકે આ મામલે બાદમાં કોર્ટે પક્ષકારો પાસેથી લેખીતમાં સમગ્ર મામલે જવાબ માગ્યો હતો. સાથે ટકોર કરતા કહ્યું હતું કે મધ્યસ્તી કમિટીની વચ્ચે કોઇ જ નહીં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મુદ્દે એક મધ્યસ્થી કમિટીની રચના કરી છે જેની આગેવાની પૂર્વ જજ એફએમઆઇ કલિફુલ્લાને સોપવામાં આવી છે.
આ કમિટી ફૈઝાબાદમાં ભારે સુરક્ષા વચ્ચે રિપોર્ટ તૈયાર કરી રહી છે. જેની માહિતી અતી ગુપ્ત રાખવામાં આવી છે સાથે સીસીટીવી કેમેરા સહીતની ભારે સુરક્ષા વચ્ચે હવે ફરી કમિટી પોતાની કામગીરી શરૃ કરશે. જે આગામી ૧૫મી ઓગસ્ટ સુધી ચાલશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PWOwNq
via Latest Gujarati News
0 Comments