એમેઝોન ચંદ્રયાન મોકલશે, જેફ બેઝોસે 'બ્લુ મૂન' પ્રોજેક્ટ ખુલ્લો મૂક્યો


વૉશિંગ્ટન, તા. 10 મે, 2019, શુક્રવાર

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ચંદ્રયાન મોકલવાની જાહેરાત કરવાની સાથે બ્લુ મૂન પ્રોજેક્ટ ખૂલ્લો મૂક્યો હતો. બ્લુ ઓરિજિન સ્પેસ પ્રોગ્રામની જાહેરાત કરતી વખતે જેફ બેઝોસે બ્લુ મૂન વિશે વિગતવાર માહિતી આપી હતી.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કંપનીનો ડ્રીમ પ્રોજેક્ટ લોંચ કર્યો હતો. જેફ બેઝોસે કહ્યું હતું કે હવે દુનિયા ફરીથી ચંદ્રયાનનો યુગ જોશે. આ સમય સપના સાકાર થવાનો સમય છે.

 બ્લુ ઓરિજિન સ્પેસ પ્રોગ્રામ હેઠળ એમેઝોન સંભવત: ૨૦૨૪માં  ચંદ્ર ઉપર યાન ઉતારશે. બ્લુ મૂન નામના રોબોટિક યાનમાં ચાર રોવર ચંદ્ર ઉપર ઉતારાશે. નામ પ્રમાણે જ રોબોટિક યાનની ડિઝાઈન બ્લુ છે. વૉશિંગ્ટનના કન્વેન્શન સેન્ટરમાં મીડિયાની હાજરીમાં જેફે આ પ્રોજેક્ટ લોંચ કર્યો હતો.

બ્લુ મૂન લેંડરનું મોડેલ રજૂ કરતી વખતે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે કહ્યું કે આ યાન એક નાનકડા ઘર જેવડું હશે અને અન્ય ઉપકરણો સાથે ચંદ્ર ઉપર પહોંચશે. સ્પેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની દિશામાં આ પહેલું પગલું હશે. તેમણે મિશનની તારીખ જાહેર ન કરી, પણ ૨૦૨૪ સુધીમાં સમાનવ યાન લોંચ કરવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયું હોવાનો સંકેત આપ્યો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફરીથી ચંદ્રયાન મોકલવાની જાહેરાત કરી તે પછી નાસાએ ૨૦૨૮ સુધીમાં સમાનવ યાન મોકલવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. એવા સમયે બેઝોસે મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું હતું કે હવે સમય થયો છે ચંદ્ર ઉપર ફરીથી જવાનો. દુનિયા વધુ એક વખત ચંદ્રયાનનો યુગ જોવા ભાગ્યશાળી થશે.

જેફ બેઝોસનું આ યાન નાના-નાના સેટેલાઈટ લોંચ કરવા પણ સક્ષમ હશે. ચાક સ્વસંચાલિત રોવર ઉપરાંત અન્ય ઉપકરણો અને અંતરિક્ષ યાત્રી માટે વિશેષ સાધનની તેમાં વ્યવસ્થા થશે. 

આ યાન લગભગ ૩.૬ વજન ચંદ્રની સપાટી ઉપર પહોંચાડી શકવા સક્ષમ હશે. પ્રોજેક્ટ પાછળ કેટલું બજેટ ખર્ચાશે અને કયા વર્ષે યાન મોકલાશે તેની જાણકારી હજુ ગુપ્ત રાખવામાં આવી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJNIxK
via Latest Gujarati News

Post a Comment

0 Comments