શીખ વિરોધી રમખાણો થયા તો થયા પણ તમે શું કર્યું? : પિત્રોડાના નિવેદનથી ભારે હોબાળો


મે કહ્યું હતું કે 1984ના રમખાણો થયા તે બહુ જ ખરાબ થયું, તેમાંથી બહાર આવી મોદી સરકારની નિષ્ફળતાઓ અંગે સવાલો ઉઠાવો : પિત્રોડાનો બચાવ

પક્ષ હંમેશા શીખોની સાથે ઉભો છે, આરોપીઓને સજા થશે જ : પિત્રોડાના નિવેદન અંગે કોંગ્રેસે હાથ ઊંચા કર્યા

નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો અંગેના એક નિવેદને ભારે વિવાદ જગાવ્યો છે, ભાજપ આ નિવેદનને લઇને હવે કોંગ્રેસ અને સામ પિત્રોડા પાસેથી માફીની માગણી કરી રહી છે. સામ પિત્રોડાએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જેમાં તેમણે કહ્યું હતું કે ૧૯૮૪ વિશે હાલ હવે શું?, ૮૪માં જે થયું તે થયું પણ તમે છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું? પિત્રોડાએ આ સવાલ વર્તમાન મોદી સરકારને કર્યો હતો. જોકે તેમના આ સવાલમાંથી એક શબ્દ થયું તે થયુંને પકડીને ભાજપે બાદમાં પિત્રોડા પર પ્રહારો કર્યા હતા. 

જોકે બાદમાં પિત્રોડાએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી અને માફી પણ માગી હતી, પિત્રોડાએ કહ્યું હતું કે મારા નિવેદનનું ભાજપ જુઠુ અર્થઘટન કરી રહી છે, મારુ હિંદી એટલુ સારુ નથી જેને કારણે આ પ્રકારના શબ્દો નિકળ્યા. પિત્રોડાએ કહ્યું હતું કે મારો કહેવાનો અર્થ હતો કે તે સમયે રમખાણો થયા હતા અને હવે તેમાંથી બહાર નીકળી આગળ નિકળી જવાનો સમય છે. મારા આ નિવેદનુ ભાજપ ખોટુ અર્થ ઘટન કરી રહી છે.

મારો કહેવાનો અર્થ હતો કે હવે આપણે આગળ વધવું જોઇએ અને અન્ય મુદ્દાઓ પર વાતચીત અને ચર્ચા કરવી જોઇએ. ભાજપ સરકારે શું કર્યું તે અંગે વાતચીત થવી જોઇએ, તેમ છતા મારા નિવેદન અંગે કોઇને પણ દુ:ખ લાગ્યું હોય તો હુ માફી માગુ છું પણ મારો કહેવાનો અર્થ એમ હતો જ નહીં. મારો કહેવાનો અર્થ એટલો જ હતો કે જે થયું તે ખરાબ થયું. મારુ હિંદી સારુ ન હોવાથી મારા શબ્દોનું અર્થઘટન જુઠુ કરાયું. 

જોકે પિત્રોડાના આ નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો હતો, અનેક શીખોએ કોંગ્રેસના કાર્યાલય અને રાહુલ ગાંધીના દિલ્હી સ્થિત નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે અમે કોઇ પણ પ્રકારના રમખાણોના વિરોધી છીએ, શીખભાઇઓ પ્રત્યે અમને પુરી લાગણી છે. કોંગ્રેસના નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું કે હું સામ પિત્રોડાના નિવેદન સાથે બિલકુલ સહમત નથી, જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી તે સમયે રાજીવ ગાંધી બંગાળ કે બિહારમાં હતા માટે તેમને જવાબદાર ન ઠેરવી શકાય. 

અમરિંદરસિંહે બાદમાં સવાલ ઉઠાવ્યો હતો કે શું શીખ વિરોધી રમખાણો માટે રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવનારા મોદી ગુજરાતના રમખાણો માટે પોતાને જવાબદાર ગણાવશે ? કેમ કે તેઓ તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. હું આજે પણ કહુ છું કે શીખ વિરોધી રમખાણો માટે કોંગ્રેસ પાર્ટી નહીં પણ કોંગ્રેસના પાંચ નેતાઓ જવાબદાર હતા અને તેમના હું નામ પણ આપી ચુક્યો છું તેમની વિરુદ્ધ કોર્ટકાર્યવાહી જારી છે અને કેટલાકને સજા પણ થઇ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HfoFO8
via Latest Gujarati News

Post a Comment

0 Comments