મુંબઈ, તા. 13 મે, 2019, સોમવાર
ઉતારૂ વાહનોના વેચાણમાં એપ્રિલમાં ૧૭ ટકા ઘટાડો નોંધાયો છે જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ માસિક ઘટાડો છે એમ ઓટો ઉદ્યોગની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સના આંકડા જણાવે છે.ઊંચા વીમા ખર્ચ ઉપરાંત લિક્વિડિટીને ખેંચને કારણે કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
વર્તમાન વર્ષના એપ્રિલમાં ઉતારૂ વાહનોનું વેચાણ ૨૪૭૫૪૧ વાહન રહ્યું હતું જે ગયા વર્ષના એપ્રિલમાં ૨૯૮૫૦૪ વાહનો રહ્યું હતું. ટુ વ્હીલર્સનું વેચાણ પણ ૧૬.૪૦ ટકા ઘટી ૧૬ લાખ વાહન રહ્યું હતું.
મોટરસાઈકલનું વેચાણ ૧૧.૮૧ ટકા ઘટી ૧૦,૮૪,૮૧૧ વાહન રહ્યું હતું. કમર્સિઅલ વાહનોનું વેચાણ ૫.૯૮ ટકા ઘટી ૬૮૬૮૦ વાહનો રહ્યું હતું એમ સિઅમના આંકડા જણાવે છે. દરેક પ્રકારના વાહનોનું મળીને કુલ વેચાણ જે એપ્રિલ ૨૦૧૮માં ૨૩,૮૦,૨૯૪ વાહન રહ્યું હતું તે વર્તમાન વર્ષના એપ્રિલમાં ૨૦,૦૧,૦૯૬ રહ્યું હોવાનું પણ સિઅમના આંકડા જણાવે છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો તથા ચોમાસાની સ્થિતિ કેવી રહે છે તેના આધારે જ વર્તમાન વર્ષમાં વાહનોના વેચાણની દિશા સમજી શકાશે એમ સિઅમના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
હજુ ગયા સપ્તાહમાં જ પોતાની વિવિધ ફેકટરીઓમાં એપ્રિલમાં વાહનોના ઉત્પાદનમાં ૧૦ ટકા કાપ મૂકયો હોવાનું દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતી સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું હતું. કંપનીએ એપ્રિલમાં સતત ત્રીજા મહિનામાં ઉત્પાદન ઘટાડયું હતું.
બીજી બાજુ નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં ઉતારૂ વાહનોના વેચાણમાં માત્ર ૨.૭૦ ટકા જ વૃદ્ધિ જોવાઈ હતી. નાણાંભીડ, વાહનોની ઊંચી કિંમતો, વાહન ધરાવવાના ખર્ચ તથા ચૂંટણીને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ગ્રાહકોનું માનસ નબળું રહેતા ઉતારૂ વાહનોની વેચાણ વૃદ્ધિ ખાસ પ્રોત્સાહક રહી નહોતી.
ઉતારૂ વાહનોનું ઘરઆંગણે વેચાણ જે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૨,૮૮,૫૮૧ વાહન રહ્યું હતું તે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૨.૭૦ ટકા વધીને ૩૩,૭૭,૪૩૬ વાહન રહ્યું હતું.
વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતી બજારોમાંની એક ભારતની ઓટો માર્કેટની વેચાણ સ્થિતિ વિવિધ કારણોસર હાલમાં નબળી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q39Ssg
via Latest Gujarati News
0 Comments