ક્રૂડ ઉછળતા રૂપિયો ઝડપથી તૂટીને ૭૦.૫૧

મુંબઈ, તા. 13 મે, 2019, સોમવાર

ચીન અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીના બદલે હવે વેપાર વિવાદ વધતાં અમેરિકાએ ચીનની ચીજો પર ટેરીફ જાહેર કર્યા પછી છેલ્લા સમાચાર મુજબ ચીને પણ અમેરિકાની આશરે ૬૦ અબજ ડોલર ચીજો પર જૂન મહિનાથી ટેરીફ લાદવાનું નક્કી કર્યું છે. આની અસર કરન્સી બજાર પર દેખાઈ હતી. મુંબઈ બજારમાં ડોલરના ભાવ રૂ.૬૯.૯૨ વાળા આજે રૂ.૭૦.૧૪ ખુલી રૂ.૭૦.૦૯ રહ્યા પછી ઉંચામાં રૂ.૭૦.૫૪ થઈ રૂ.૭૦.૫૨ બંધ રહ્યા હતા.

ડોલરના ભાવ આજે ૬૦ પૈસા ઉછળ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૮૬ પૈસા વધી રૂ.૯૧ વટાવી રૂ.૯૧.૮૨થી ૯૧.૮૩ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ ૭૧ પૈસા વધી રૂ.૭૯ પાર કરી રૂ.૭૯.૨૦થી ૭૯.૨૧ રહ્યા હતા. આમ વિવિધ કરન્સીઓ સામે આજે રૂપિયો ગબડયો હતો. શેરબજાર તૂટતાં તથા વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ વધી જતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયાના ભાવ દબાણ હેઠળ આવ્યાની ચર્ચા સંભળાઈ હતી.

મુંબઈ ઝવેરીબજારમાં આજે કિંમતી ધાતુઓ ઉંચકાઈ આવી હતી. કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં તેની અસર ઝવેરીબજાર પર દેખાઈ હતી. ડોલર મોંઘો થતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચી ગઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વબજારના સમાચાર જોકે કિંમતી ધાતુઓમાં ઉછાળે ફંડવાળા વેચી રહ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં પણ વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચા ગયાના સમાચાર હતા. ચીનની કરન્સી યુઆનના ભાવ આજે ડોલર સામે ૦.૧૦થી ૦.૧૫ ટકા માઈનસમાં રહ્યા હતા. 

દરમિયાન, મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૮૭૫થી ૩૧૯૦૦ વાળા રૂ.૩૧૯૬૮ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૦૨૫થી ૩૨૦૫૦ વાળા આજે રૂ.૩૨૦૯૭ બંધ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૦૫૦ વાળા રૂ.૩૬૯૨૦ થઈ રૂ.૩૬૯૬૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૬૯૫૦થી ૩૭૦૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવ જીએસટી સાથે આ ભાવથી આશરે રૂ.૧૨૦૦થી ૧૨૫૦ ઉંચા રહ્યા હતા. ચાંદી આજે સૂસ્ત હતી. બજારના જાણકારોના જણાવ્યા મુજબ હાલના સંજોગોમાં સોનું વેંચી ચાંદી ખરીદનાર વર્ગને ખાસ્સો લાભ થઈ શકે તેમ છે.

વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૮૨.૧૦ ડોલર તથા ઉંચામાં ૧૨૮૯.૩૦ થઈ સાંજે ભાવ ૧૨૮૭.૫૦ ડોલર રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ ઉંચામાં ૧૪.૭૮ ડોલર થયા પછી ભાવ ઘટી સાંજે ૧૪.૬૨થી ૧૪.૬૩ ડોલર રહ્યાના વાવડ હતા. દરમિયાન, વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ વધ્યા ભાવથી ગબડી હતી.

જોકે ચીને અમેરિકાની ચીજો પર જૂનથી ડયુટી જાહેર કરતાં વિશ્વબજારમાં મોડી સાંજે સોનાના ભાવ ફરી ઉછળી ૧૨૯૪.૮૦થી ૧૨૯૪.૯૦ ડોલર રહ્યા હતા. ઉપરાંત ચાંદીના ભાવ પણ ફરી વધી મોડી સાંજે ૧૪.૭૫થી ૧૪.૭૬ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ સાંજે ૮૬૨.૫૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ૧૩૩૧થી ૧૩૩૧.૧૦ ડોલર રહ્યાના સમાચાર હતા. ન્યુયોર્ક કોપર બજારમાં આજે સાંજે વાયદાના ભાવ ઘટી ૧.૬૦થી ૧.૬૫ ટકા નીચા બોલાઈ રહ્યા હતા. ક્રુડતેલ ઉછળતાં તેની અસર પણ આજે સોનાના ભાવ પર દેખાઈ હતી. બ્રેન્ટ ક્રુડના ભાવ આજે ૧.૮૦થી ૧.૮૫ ટકા વધી સાંજે બેરલદીઠ ૭૧.૯૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૬૨.૫૫થી ૬૨.૬૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

સાઉદી અરેબીયાના બે ઓઈલ ટેન્કરો પર પર્શિયન ગલ્ફના દરીયામાં હુમલો થયાના સમાચાર હતા અને તેની અસર આજે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ પર જોવા મળી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં મોડી સાંજે બ્રેન્ટ ક્રુડ વધી ૭૨.૪૫થી ૭૨.૫૦ ડોલર તથા ન્યુયોર્કના ભાવ ૬૩.૨૦થી ૬૩.૨૫ ડોલર બોલાતા થયાના સમાચાર મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vXw5Pm
via Latest Gujarati News

Post a Comment

0 Comments