બજારની તેજી-મંદીની જેમ જ FII-DIIના બેઉતરફી કામકાજ

અમદાવાદ, તા. 13 મે, 2019, સોમવાર

૨૦૧૯ના કેલેન્ડર વર્ષના પ્રારંભથી અત્યાર સુધી વિવિધ સાનુકૂળ- પ્રતિકૂળ પરિબળોનાના પગલે બજારમાં ભારે વોલેટીલીટી, (તેજી-મંદીનો માહોલ) જોવા મળ્યો છે. આ માહોલની જેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના કામકાજ પણ વોલેટાલિટી સભર રહ્યા હતા. વર્ષના પ્રારંભિક તબક્કામાં વિદેશી રોકાણકારોએ જંગી ભંડોળ ઠાલવ્યું હતું. તો બીજી તરફ સ્થાનિક રોકાણકારોએ વેચવાલી હાથ ધરી હતી.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ૨૦૧૯ના વર્ષના કામકાજ પર એક નજર કરીએ તો, લોકસભાની ચૂંટણીમાં હાલની એનડીએ સરકાર પુન: બહુમતીથી ચૂંટાઈ આવશે તેવા આશાવાદ પાછળ વૈશ્વિક રોકાણકારો દ્વારા વર્ષના પ્રથમ ચાર માસમાં ભારતીય ઇક્વિટી બજારમાં મોટાપાયે નવી લેવાલી હાથ ધરાઈ હતી.

વિદેશી રોકાણકારો દ્વારા જાન્યુ.-૧૯માં ૧૨૭.૬૭ કરોડ, ફેબુ્ર.-૧૯માં રૂા. ૧૩,૫૬૪.૫૭ કરોડ, માર્ચ- ૧૯માં રૂા. ૩૨,૩૭૧.૪૩ કરોડ અને એપ્રિલ-૧૯માં રૂા. ૧૨૭૪૯.૫૫ કરોડનું રોકાણ થયું હતું.

બીજી તરફ આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાઓ મોટા પાયે નફો બુક કરીને કમાણી કરાઈ હતી. ઉપલબ્ધ ડેટા મુજબ સ્થાનિક સંસ્થાઓએ જાન્યુ.- ૧૯માં રૂા. ૨૧૪૬.૮૭ કરોડની ખરીદી બાદ ફેબુ્ર.-૧૯માં રૂા. ૫૬૫.૮૯ કરોડ, માર્ચ-૧૯માં રૂા. ૧૩૯૩૦.૨૫ કરોડ અને એપ્રિલ- ૧૯માં રૂા. ૪૨૧૯.૪૬ કરોડની વેચવાલી હાથ ધરી હતી.

જો કે, વિવિધ રાજ્યોમાં ચૂંટણી કામગીરી પૂરી થયા બાદ ઉદ્ભવેલ માહોલને જોતાં હાલની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી મળવા અંગે આશંકા ઉદ્ભવતા વિદેશી રોકાણકારોએ ચાલુ મે માસમાં એકધારી વેચવાલી હાથ ધરી છે. ઉપલબ્ધ ડેટા મુજબ ચાલુ માસમાં તા. ૨થી ૧૦ મે સુધીમાં સાત ટ્રેડિંગ સત્રમાં તેઓએ રૂા. ૩૯૯૮.૭૭ કરોડની વેચવાલી હાથ ધરી છે.

બીજી તરફ આ સાત ટ્રેડિંગ સત્ર દરમિયાન બજારમાં ઉદ્ભવેલ મંદીના તબક્કામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા નીચા મથાળે રૂા. ૨૧૪૨.૩૯ કરોડની નવી લેવાલી હાથ ધરાઈ હતી.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વિદેશી રોકાણકારોની ધૂમ લેવાલીના પગલે સેન્સેક્સે ૩૯૪૮૭.૪૫ અને નિફ્ટીએ ૧૧૮૫૬.૧૫ની વિક્રમી સપાટી હાંસલ કરી હતી. પરંતુ મે માસના પ્રારંભથી સ્થિર સરકારનો આશાવાદ નરમ બનતા એકધારી વેચવાલીના દબાણે હાલ સેન્સેક્સ તૂટીને ૩૭૦૯૦.૮૨ અને નિફ્ટી ૧૧૧૪૮ના તળિયે ઉતરી આવેલ છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vXw124
via Latest Gujarati News

Post a Comment

0 Comments