
પરદેશમાંથી ચાર વર્ષે મળે એવી એન્ટેના ઈસરોએ 13 મહિનામાં તૈયાર કરી
(પીટીઆઈ) શ્રીહરિકોટા, તા. 22 મે, 2019, બુધવાર
ભારતે આજે અર્થ ઓબ્ઝર્વેશન અને જાસૂસી કરી શકે એવો ઉપગ્રહ રિસેટ-૨બી સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. ગાઢ વાદળોની આરપાર પણ આ ઉપગ્રહના સાધનો પૃથ્વીનું અવલોકન કરી શકશે. માટે અર્થ ઓબ્ઝર્વેશનની કામગીરી વિના વિઘ્ને ચાલી શકશે.
આ ઉપગ્રહનો બીજો મહત્ત્વનો ઉપયોગ લશ્કરી હેતુ માટેનો છે. માટે તેને સ્પાય (જાસૂસી) સેટેલાઈટ પણ કહેવામાં આવે છે. રિસેટ એ હકીકતે રેડાર ઈમેજિંગ સેટેલાઈટ છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને પણ ઓખળી શકશે.
ભારતના ચેન્નાઈ નજીક આવેલા લૉન્ચિંગ મથક શ્રીહરિકોટાથી આ ઉપગ્રહ સવારે ૫:૩૦ વાગ્યે પીએસએલવી-સી-૪૬ રોકેટમાં સવાર થઈને રવાના થયો હતો.
લૉન્ચિંગની પંદર મિનિટ, ૩૦ સેકન્ડ પછી ૬૧૫ કિલોગ્રામ વજનનો ઉપગ્રહ સફળતાપૂર્વક ૫૫૫ કિલોમીટર ઊંચી લૉ અર્થ ઓરબિટ (નીચલી ભ્રમણકક્ષા)માં ગોઠવાઈ ગયો હતો. ભારતે ૨૦૦૯માં રિસેટ-૨ ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. નવો ઉપગ્રહ રિસેટ-૨નું સ્થાન લેશે.
આ ઉપગ્રહમાં સિન્થેટિક એપેર્ચર રેડાર ફીટ થયેલું હોવાથી એ દિવસ અને રાત બન્ને સમયે ધરતીની તસવીરો લઈ શકશે. ચોમાસામાં જ્યારે વાદળોના થર જામ્યા હોય ત્યારે પણ પૃથ્વીની તસવીરો લેવામાં રિસેટ-૨બીને અવરોધ નહીં નડે.
સાદી ભાષામાં કહીએ તો ફ્લેશવાળો કેમેરા જેમ અંધારામાં પણ કામ આપે એમ આ ઉપગ્રહ ઉપયોગી થશે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ઘણા સમયથી આવા ઉપગ્રહની ડિમાન્ડ કરતી જ હતી. સુરક્ષાની દૃષ્ટિએ ભારતને આવા વધારે ઉપગ્રહોની જરૃર છે.
ઉપગ્રહનું બીજું મહત્ત્વનું પાસું તેની ૩.૬ મિટરની રેડિયલ રિબ એન્ટેના (ડીટીએચની ડીશ જેવી દેખાતી) છે. ઉપગ્રહના કમ્યુનિકેશ માટે એન્ટેના અનિવાર્ય છે.
એમાં ભારતે આ આધુનિક કહી શકાય એવી એન્ટેના વિકસાવી છે, જે ભવિષ્યમાં મહત્ત્વની સાબિત થશે. ભારતના વિજ્ઞાાનીઓએ સ્વદેશમાં જ ૧૩ મહિના મહેનત કરીને એન્ટેના તૈયાર કરી હતી. ઉપગ્રહ લૉન્ચ થયો ત્યારે એન્ટેના ફોલ્ડ કરેલી હતી. ઉપગ્રહ ગોઠવાયા પછી તેને રિમોટ વડે ખોલવામાં આવી હતી.
૭ મિનિટ અને ૨૦ સેકન્ડની મહેનત પછી એ એન્ટેના ખૂલીને ગોઠવાઈ ગઈ હતી. જો ભારતે આ એન્ટેના બનાવાને બદલે પરદેશથી આયાત કરી હોત તો ૩-૪ વર્ષનો સમય લાગી ગયો હોત. હવે ભારતનું આગામી લૉન્ચિંગ અતી મહાત્વાકાંક્ષી છે, કેમ કે એ લૉન્ચિંગ ચંદ્રયાન-૨નું છે. જુલાઈ ૯થી ૧૬ વચ્ચે ભારત ચંદ્રયાન-૨ લૉન્ચ કરવા માંગે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JXfROl
via Latest Gujarati News
0 Comments