મુંબઈ, તા. 28 મે, 2019, મંગળવાર
માર્ચ ૨૦૧૯ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર મંદ પડીને ૬.૧૦ ટકાથી ૫.૯૦ ટકા આસપાસ રહેવા ધારણાં છે, જેને કારણે ૨૦૧૮-૧૯ના સંપૂર્ણ નાણાં વર્ષ માટેનો આર્થિક વિકાસ દર ઘટીને ૭ ટકાથી નીચે જઈ શકે છે એમ એસબીઆઈના એક રિપોર્ટમાં જણાવાયું છે.
આર્થિક વિકાસ દરમાં ઘટાડાને કારણે આરબીઆઈને અર્થતંત્રને વેગ આપવા નાણાં નીતિની આગામી સમીક્ષા બેઠકમાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરવાની ફરજ પડશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
માર્ચ ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ૬.૧૦ -૫.૯૦ ટકા આસપાસ આવી શકે છે જેને કારણે આખા વર્ષનો વિકાસ દર ૬.૯૦ ટકા રહેશે. જીડીપીના આંકડા ગુરુવારે જાહેર થનાર છે.
વચગાળાના સમયમાં જો યોગ્ય નીતિઓ અપનાવવામાં આવશે તો, હાલની મંદી કામચલાઉ નીવડી શકે છે. ઊંચા વ્યાજ દરો ઈન્વેસ્ટમેન્ટ સામે રુકાવટ બની રહ્યા હોવાનું જણાવી રિપોર્ટમાં રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં ૦.૩૫ થી ૦.૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી ધારણાં મૂકવામાં આવી છે.
રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાત ત્યારે જ અસરકારક બની રહેશે જ્યારે આ કપાત પ્રમાણે બેન્કો પણ તેમના ધિરાણ દરમાં ઘટાડો કરશે. નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ની નાણાં નીતિની બીજી સમીક્ષા આરબીઆઈ ૬ જુનના હાથ ધરશે. આ બેઠકમાં રિઝર્વ બેન્કે નાણાં વ્યવસ્થામાં પૂરતી લિક્વિડિટી રહે તેની ખાતરી રાખવાની રહેશે.
રિઝર્વ બેન્ક જો કેશ રિઝર્વ રેશિયોમાં એક ટકાનો ઘટાડો કરે તો, તેનાથી નાણાં વ્યવસ્થામાં રૂપિયા ૧.૨૮ લાખ કરોડ છૂટા થશે અને ધિરાણ દરમાં ૦.૧૫ ટકાનો ઘટાડો થવા સાથે બેન્કોની નફાશક્તિમાં વાર્ષિક રૂપિયા ૧૨૦૦૦ કરોડ જેટલો વધારો કરાવશે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે જો કે રિઝર્વ બેન્ક કેશ રિઝર્વ રેશિયો ઘટાડે તેવી શકયતા ઓછી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XaMc8r
via Latest Gujarati News
0 Comments