લંડનમાં 24 વર્ષીય ભારતીય યુવાનની હત્યા સુપરમાર્કેટમાં સાથે કામ કરતા પાકિસ્તાની પર શંકા


હત્યા અંગે માહિતી ધરાવનારને સંપર્ક કરવા પોલીસની અપીલ 

(પીટીઆઈ) હૈદરાબાદ, તા. 10 મે, 2019, શુક્રવાર

લંડનમાં હૈદરાબાદના ૨૪ વર્ષીય ભારતીય નાગરિકની ચપ્પાના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પીડિતના પરિવારના સંબંધીએ હુમલો કરનાર પણ એશિયાનો જ રહેવાસી હોવાનું જણાવ્યું છે. મૃતક યુવાનનું નામ મોહમ્મદ નદીમુદ્દીન છે અને તે હૈદરાબાદના ઓલ્ડ સિટી વિસ્તારનો રહેવાસી હતો.

બર્કશાયર ખાતે આવેલા ટેસ્કો સુપરમાર્કેટના પાર્કિંગ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓને તેની લાશ મળી આવી હતી અને તે ટેસ્કો સુપરમાર્કેટમાં જ કામ કરતો હતો. નદીમના પારિવારીક મિત્ર ફહીમ કુરેશીએ જણાવ્યા પ્રમાણે મોડી રાત સુધી નદીમ ઘરે પરત ન ફરતા તેની પત્ની અને માતા જેઓ લંડનમાં તેના સાથે રહેતા હતા તેમણે સુપરમાર્કેટના વહીવટકર્તાને ફોન કર્યો હતો. 

સુપરમાર્કેટના કર્મચારીઓએ સુરક્ષા કર્મચારીઓ સાથે મળીને નદીમની શોધખોળ શરુ કરી હતી અને તેમને પાર્કિંગમાંથી તેનું શબ મળી આવ્યું હતું. શુક્રવારે નદીમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોલીસને તેના સાથે જ સુપરમાર્કેટમાં કામ કરતા એક પાકિસ્તાની નાગરિક પર શંકા છે.

હૈદરાબાદની કોલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ નદીમ ૨૦૧૨ની સાલમાં લંડન ગયો હતો અને સુપરમાર્કેટમાં નોકરી શરુ કરી હતી. ત્યાર બાદ તેના માતા-પિતા પણ તેના સાથે રહેવા માટે પહોંચી ગયા હતા.

નદીમની પત્ની અફ્શા એક ડોક્ટર છે અને તે ૨૫ દિવસ પહેલા જ નદીમ સાથે રહેવા માટે લંડન પહોંચી હતી. અફ્શા હાલમાં ગર્ભવતી છે જેથી નિયમાનુસાર તે ભારત પરત નહીં આવી શકે. હાલમાં તે ખૂબ માનસિક આઘાતમાં છે અને તેને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિન્ગ આપવામાં આવી રહ્યું છે. 

કુરેશીએ જણાવ્યા પ્રમાણે નદીમના પરિવારજનો તેના શબને અંતિમ વિધિ માટે હૈદરાબાદ નહીં લાવી શકે અને તેને લંડનમાં જ દફનાવવામાં આવશે. કુરેશી અને અન્ય થોડા પરિવારજનો નદીમની અંતિમ વિધિમાં જોડાવવા માટે લંડન જવાની તૈયારી કરી રહ્યા છે.

તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને તેલંગાણાના ગૃહ મંત્રી મોહમ્મદ મહમૂદ અલીને પત્ર લખીને પરિવારજનોને લંડન જવા મદદ કરવા અપીલ કરી છે. નદીમને બ્રિટનમાં કાયમી નિવાસ મળી ગયા હતા અને આગામી થોડા મહિનાઓમાં જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને બ્રિટીશ નાગરિકતા મળવાની હતી. 

યુકેની પોલીસે નદીમના હત્યા કેસમાં આરોપીને પકડવા માટે તપાસ શરુ કરી છે. થેમ્સ વેલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે નદીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ચપ્પાના ઘા ખૂબ ઉંડા હોવાથી તે મૃત્યુ પામ્યો હતો.

ગુપ્તચર વિભાગના અધીક્ષક ઈઆન હંટરે નદીમના પરિવારની ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવેલા અધિકારીઓ દ્વારા સંભાળ રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું. તેમણે નદીમનો હત્યારો અથવા તો હત્યારાઓ તેને પહેલેથી જ ઓળખતા હોવાની શંકા વ્યક્ત કરી છે અને આ ઘટના અંગે માહિતી ધરાવતા લોકો આગળ વધીને પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LyB6bR
via Latest Gujarati News

Post a Comment

0 Comments