
(પીટીઆઈ) પણજી, તા.23 મે, 2019, ગુરૂવાર
ગોવાની પણજી વિધાનસભા બેઠકને બચાવવામાં ભાજપ અસફળ રહ્યું છે અને ૨૫ વર્ષ બાદ કોંગ્રેસ તે બેઠક પરથી ચૂંટાઈ આવી છે. દિવંગત મુખ્યમંત્રી મનોહર પાર્રિકરની પરંપરાગત પણજી બેઠક પર ૨૫ વર્ષ બાદ ભાજપ હાર્યું છે. પાર્રિકરના નિધન બાદ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અતાનાસિયો મોન્સેરાત ઉર્ફે બાબુશ મોન્સેરાતે ભાજપના ઉમેદવાર સિદ્ધાર્થ કુનકાલેંકરને ૧,૭૫૮ મતોથી હરાવ્યા છે.
વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મોન્સેરાતને ૮,૭૪૮ મત મળ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર ૬,૯૯૦ મત સાથે બીજા ક્રમે છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વાલ્મિકી નાઈક અને ગોવા સુરક્ષા મંચના ઉમેદવાર સુભાષ વેલિંગ્કરને ક્રમશ: ૨૩૬ અને ૫૧૬ મત મળ્યા છે.
રાજ્યની શિરોડા વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુભાષ શિરોડકર, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના દીપક ધવાલિકરને ૬૬ મતથી હરાવવામાં સફળ રહ્યા છે. વિજય પ્રાપ્તિ બાદ મોન્સેરાતે જણાવ્યું કે, 'આ કોંગ્રેસ પાર્ટી અને વિકાસ માટેના મતદાનનો વિજય છે.
પણજી છેલ્લા ઘણા વર્ષોથી વિકાસથી વંચિત રહ્યું છે.' મનોહર પાર્રિકર ૧૯૯૪માં પ્રથમ વખત આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં સામેલ થયા ત્યાં સુધી ત્યાંના ધારાસભ્ય રહ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZAdxN
via Latest Gujarati News
0 Comments