છેલ્લી ઘડીમાં ગાબડાં : સેન્સેક્સ ઈન્ટ્રા-ડે 36999 તળીયું બનાવી અંતે 372 પોઈન્ટ તૂટીને 37091

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,તા. 13 મે, 2019, સોમવાર

અમેરિકાએ ચાઈનાની વધુ ૧૦૦ અબજ ડોલરની આયાતો પર ટેરિફ લાદતાં અને ૨૦૦ અબજ ડોલરની આયાતો પરની ટેરિફ વધારીને ૨૫ ટકા કર્યાની વૈશ્વિક વેપાર સાથે બજારો પર સતત નેગેટીવ અસર સાથે અમેરિકા હવે ચાઈના બાદ ભારતને ટ્રેડ વોરમાં ટાર્ગેટ કરે એવી શકયતાં  તેમ જ ઘર આંગણે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ગઈકાલે પૂરું થઈ ગયા બાદ હવે ૧૯,મે ૨૦૧૯ના થનારા અંતિમ તબક્કાના મતદાન પૂર્વે અનિશ્ચિતતાનો દોર કાયમ હોઈ ફોરેન ફંડોની ભારતીય શેર બજારોમાંથી ઈન્ડિયા એક્ઝિટ સતત રહી હતી. ફોરેન ફંડોના ગત સપ્તાહમાં જ શેરોમાં મોટાપાયે ઓફલોડિંગના પરિણામે શેરોમાં જંગી વેચવાલી બાદ આજે અમેરિકી ડોલર સામે રૂપિયાનું ફરી પતન ૬૨ પૈસા તૂટીને ૭૦.૫૩ થઈ જતાં અને અમેરિકા દ્વારા ભારતીય ફાર્મા કંપનીઓને પણ ટેરિફ વોરમાં ટાર્ગેટ કરવામાં આવી શકે એવા ફફડાટમાં ફંડોની આજે ફાર્મા શેરોમાં મોટી વેચવાલી નીકળી હતી. ટ્રેડીંગની આરંભિક કલાકોમાં ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટ જોવાયા બાદ એકાએક છેલ્લા અડધા કલાકમાં ફંડો ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, પાવર-કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં મોટું ઓફલોડિંગ કરતાં સેન્સેક્સે એક તબક્કે ૩૭૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૩૬૯૯૯.૮૪ સુધી આવી અંતે ૩૭૨.૧૭ પોઈન્ટ ઘટીને ૩૭૦૯૦.૮૨ અને નિફટી સ્પોટ ૧૩૦.૭૦ પોઈન્ટ તૂટીને ૧૧૧૪૮.૨૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૩૭૦૦૦ની સપાટી ગુમાવી : નીચામાં ૩૬૯૯૯ સુધી પટકાઈ અંતે ૩૭૨ પોઈન્ટ તૂટીને ૩૭૦૯૧

ટ્રેડીંગની શરૂઆત આજે સાંકડી વધઘટે થઈ હતી. સેન્સેક્સ ૩૭૪૬૨.૯૯ સામે ૩૭૪૯૧.૩૦ મથાળે ખુલીને લાંબો સમય બે-તરફી સાંકડી વધઘટ બતાવી હતી. હાઉસીંગ ફાઈનાન્સ જાયન્ટ એચડીએફસી લિમિટેડના પરિણામે આરંભિક મજબૂતી સાથે અન્ય પસંદગીના શેરોમાં ફંડોનું આકર્ષણ રહેતાં સેન્સેક્સ એક સમયે ૧૨૦.૫૮  પોઈન્ટ વધીને ઉપરમાં ૩૭૫૮૩.૫૭ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને સાંકડી વધઘટે લાંબો સમય અથડાતો રહ્યા બાદ છેલ્લા અડધા કલાકમાં ફાર્મા જાયન્ટ સન ફાર્મામાં  ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક, એચડીએફસી બેંક સહિતમાં વેચવાલી સાથે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં ઓફલોડિંગ થતાં તેમ જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં અને ઓટોમોબાઈલ શેરો ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી સાથે ટાટા સ્ટીલ  સહિતના મેટલ-માઈનીંગ શેરો અને આઈટીસી, ભારતી એરટેલ સહિતમાં નરમાઈએ એક તબક્કે ૩૭૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૩૬૯૯૯.૮૪ સુધી આવી અંતે ૩૭૨.૧૭ પોઈન્ટ તૂટીને ૩૭૦૯૦.૮૨ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ૧૧૨૭૮ થી તૂટીને ૧૧૧૨૫ સુધી ખાબકી અંતે ૧૩૧ પોઈન્ટ ગબડીને ૧૧૧૪૮

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૨૭૮.૯૦ સામે ૧૧૨૫૮.૭૦ મથાળે ખુલીને આરંભિક સાંકડી વધઘટ બાદ એચડીએફસી લિમિટેડ સહિતના પસંદગીના શેરોમાં આકર્ષણે વધીને ૧૧૩૦૦.૨૦ સુધી પહોંચ્યો હતો. જે લાંબો સમય સાંકડી વધઘટે અથડાતો રહ્યા બાદ છેલ્લા અડધા કલાકમાં સન ફાર્મા, ડો.રેડ્ડીઝ  લેબોરેટરીઝ, સિપ્લા સહિતમાં ઓફલોડિંગ થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી, બીપીસીએલ,  ગેઈલ  ઈન્ડિયા, ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરો અને મેટલ-માઈનીંગ શેરો ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં ઓફલોડિંગ સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક સહિતમાં વેચવાલીએ નીચામાં ૩૬૯૯૯.૮૪ સુધી ખાબકી અંતે ૩૭૨.૧૭ પોઈન્ટ તૂટીને ૩૭૦૯૦.૮૨ બંધ રહ્યો હતો. 

બેંક નિફટી ફયુચર ૨૯,૦૮૮ થી તૂટીને ૨૮,૭૬૮ : નિફટી ફયુચર ૧૧૩૦૭ થી ઘટીને ૧૧૧૮૫

બેંક નિફટી મે ફયુચર ૧,૨૧,૬૦૭ કોન્ટ્રેકટસમાં રૂ.૭૦૪૦.૦૩ કરોડના કામકાજે ૨૯,૦૮૮.૧૫ સામે ૨૯,૦૨૯.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૯,૦૮૦ થી જ તૂટીને નીચામાં ૨૮,૭૧૨.૪૦ સુધી જઈ અંતે ૨૮,૭૬૮ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧,૨૨,૮૯૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૩૭૪.૫૩ કરોડના કામકાજે ૧૧,૩૦૭.૨૦ સામે ૧૧,૨૭૦.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૩૨૮ સુધી જઈ નીચામાં ૧૧,૧૫૩.૬૫ સુધી પટકાઈ અંતે ૧૧,૧૮૫.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૨૪.૩૫ સામે ૨૯ મથાળે ખુલીને નીચામાં ૧૫.૨૦ સુધી આવી વધીને ૩૬.૧૫ સુધી જઈ અંતે ૨૮ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં ગાબડાં : સન ફાર્મા વિરૂધ્ધ અમેરિકામાં વધુ જીનેરિક ડ્રગના કૃત્રિમ રીતે ઊંચા ભાવ લેવા મામલે કેસ થતાં શેર ઈન્ટ્રા-ડે ૨૧ ટકા રૂ.૩૫૦ સુધી તૂટયો :

ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે સન ફાર્મા પાછળ ગાબડાં પડયા હતા. સન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા અમેરિકામાં જીનેરિક ડ્રગ્ઝના કૃત્રિમ રીતે ઊંચા ભાવો  લેવા મામલે ૪૦થી વધુ સ્ટેટ દ્વારા કેસ ફાઈલ કરવામાં આવતાં ફંડોના હેમરીંગે શેર રૂ.૪૧.૧૫ એટલે કે ૯.૩૯ ટકા તૂટીને રૂ.૪૩૭.૯૦ રહ્યો હતો. જે એક તબક્કે ૨૧ ટકા જેટલો એટલે કે રૂ.૩૫૦.૪૦ સુધી ખાબકી ગયો હતો. અન્ય ફાર્મા શેરોમાં સન ફાર્મા એડવાન્સ રૂ.૧૦ તૂટીને રૂ.૧૪૬.૯૫, સ્ટ્રાઈડ રૂ.૪૭.૮૦ તૂટીને રૂ.૪૩૭.૯૦, કેડિલા હેલ્થકેર રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૨૬૮.૯૦, વોખાર્ટ રૂ.૨૧.૨૦ ઘટીને રૂ.૩૫૯.૨૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૩૧.૯૫ ઘટીને રૂ.૭૧૭.૩૦, લુપીન રૂ.૩૫.૫૦ ઘટીને રૂ.૮૦૧.૩૫, ગ્લેનમાર્ક રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૫૯૧.૬૫, આરતી ડ્રગ્ઝ રૂ.૨૪.૧૫ ઘટીને રૂ.૫૯૦.૭૦, પિરામલ એન્ટરપ્રાઈસ રૂ.૭૮.૧૫ ઘટીને રૂ.૨૧૧૭.૨૫, બાયોકોન રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૫૨૫.૪૫, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૭૨.૦૫ ઘટીને રૂ.૨૮૦૪.૯૫, ટોરન્ટ ફાર્મા રૂ.૩૮.૧૫ ઘટીને રૂ.૧૬૪૮.૭૫, નોવાર્ટિસ રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૬૭૧.૨૦, દિવીઝ લેબ રૂ.૨૭.૮૫ ઘટીને રૂ.૧૬૨૩.૩૫, સિપ્લા રૂ.૧૦ ઘટીને રૂ.૫૪૪.૩૦, અજન્તા ફાર્મા રૂ.૨૩.૭૫ ઘટીને રૂ.૧૦૪૫.૭૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૬.૮૩ પોઈન્ટ તૂટીને ૧૩૩૧૦.૪૭ બંધ રહ્યો હતો. 

પાવર શેરોમાં ગાબડાં : સુઝલોન, એનબીસીસી, સીજી પાવર, ભેલ, ગ્રેફાઈટ, લાર્સન, એલજી ઈક્વિપમેન્ટ, એચઈજી ઘટયા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની ઓલ રાઉન્ડ વેચવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રોના ગત સપ્તાહમાં જાહેર થયેલા ત્રિમાસિક પરિણામ સાધારણ નીવડતાં  શેરમાં વેચવાલીએ રૂ.૩૮.૦૫ તૂટીને રૂ.૧૩૧૭.૨૦ રહ્યો હતો. સુઝલોન ૮૦ પૈસા ઘટીને રૂ.૫.૬૦, એનબીસીસી રૂ.૩.૧૫ ઘટીને રૂ.૫૨.૬૦, સીજી પાવર રૂ.૧.૯૫ ઘટીને રૂ.૩૫.૨૫, ભેલ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૫૯.૯૦, ગ્રેફાઈટ રૂ.૧૮.૪૦ ઘટીને રૂ.૩૪૫.૬૦, એચઈજી રૂ.૫૧.૭૫ ઘટીને રૂ.૧૬૦૬, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૧.૭૫ ઘટીને રૂ.૪૧૬.૦૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૫૨.૭૦, એબીબી રૂ.૩૦.૪૦ ઘટીને રૂ.૧૩૪૬.૫૫,  હવેલ્સ ઈન્ડિયા રૂ.૬ ઘટીને રૂ.૭૩૨.૧૦, સિમેન્સ રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૧૦૫૧.૧૫, અદાણી પાવર રૂ.૨.૯૦ ઘટીને રૂ.૩૮.૪૫, એનટીપીસી રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૨૩.૬૫, એબીબી રૂ.૩૦.૪૦ ઘટીને રૂ.૧૩૪૬.૫૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૮૨.૪૫, કેઈસી રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૮૨.૭૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૪૭.૦૧ પોઈન્ટ તૂટીને ૧૭૨૯૨.૩૬ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં સતત ગાબડાં :  જિન્દાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, સેઈલ, નાલ્કો, હિન્દાલ્કો ઘટયા

અમેરિકા-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ વોર શરૂ થતાં અને અમેરિકાએ ચાઈનાની ચીજો પર આકરી આયાત ડયુટી લાદ્યા બાદ હવે ચાઈનાએ પણ અમેરિકાની ૬૦ અબજ ડોલરની ચીજો પર આયાત ડયુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ કરવાનું જાહેર કરતાં મેટલ-માઈનીંગ શેરો પર નેગેટીવ અસર જોવાઈ હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૮.૬૫ ઘટીને રૂ.૧૫૪.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૨૭૭.૫૦, ટાટા સ્ટીલ રૂ.૧૫.૭૦ ઘટીને રૂ.૪૭૧.૬૦, સેઈલ રૂ.૧.૬૫ ઘટીને રૂ.૫૦.૮૦, નાલ્કો રૂ.૧.૨૦ ઘટીને રૂ.૪૮.૪૦, હિન્દાલ્કો રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૯૨.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૯૫ ઘટીને રૂ.૨૫૭.૩૦, વેદાન્તા રૂ.૧.૬૫ ઘટીને રૂ.૧૫૪.૨૫ રહ્યા હતા. 

આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા,  યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, રિલાયન્સ કેપિટલ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત વેચવાલી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૭.૯૦ ઘટીને રૂ.૧૦૫.૮૫, યશ બેંક રૂ.૯.૧૫ ઘટીને રૂ.૧૫૪.૮૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૬.૧૦ ઘટીને રૂ.૧૩૯૪.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૬૦ ઘટીને રૂ.૩૭૬.૨૦, કોટક બેંક રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૩૮૯.૯૫, એચડીએફસી બેંક રૂ.૭.૩૫ ઘટીને રૂ.૨૨૮૯.૪૦, એક્સીસ બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૭૩૨.૩૫, આઈડીએફસી ફસ્ટ બેંક સરૂ.૬.૩૦ તૂટીને રૂ.૪૨.૯૫, રિલાયન્સ હોમ ફાઈનાન્સ રૂ.૨ તૂટીને રૂ.૧૮.૬૦, યુનિયન બેંક રૂ.૭.૯૦ ઘટીને રૂ.૭૬.૦૫, સિન્ડિકેટ બેંક રૂ.૩.૫૫ ઘટીને રૂ.૩૪.૩૫, રિલાયન્સ કેપિટલ રૂ.૧૦.૪૫ ઘટીને રૂ.૧૦૭.૪૫, આઈડીએફસી લિમિટેડ રૂ.૩.૨૫ ઘટીને રૂ.૩૪.૭૫, પીએનબી રૂ.૬.૪૦ ઘટીને રૂ.૭૯.૮૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફરી વેચવાલી : આઈશર મોટર્સ,  મધરસન સુમી,  અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, અપોલો ઘટયા

 ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઈરાન મામલે ગલ્ફ વોરના ભયના પરિણામે વધીને બ્રેન્ટ ક્રુડ ૭૨ ડોલરની સપાટી કુદાવી ૭૨.૫૦ ડોલર થઈ જતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૬૨ પૈસા ઉછળીને રૂ.૭૦.૫૩ થઈ જતાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોળાતાં વધારાએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી નીકળી હતી. આઈશર મોટર્સ રૂ.૧૫૬૨.૯૦ તૂટીને રૂ.૧૮,૭૬૬.૩૫, મધરસન સુમી રૂ.૫.૭૦ ઘટીને રૂ.૧૨૨.૨૫, અશોક લેલેન્ડ રૂ.૨.૬૫ ઘટીને રૂ.૮૩.૧૦, ટાટા મોટર્સ રૂ.૫.૭૫ ઘટીને રૂ.૧૮૦.૨૫, બાલક્રિષ્ન  ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૭૫ ઘટીને રૂ.૮૧૫.૨૦, અપોલો ટાયર રૂ.૫.૩૦ ઘટીને રૂ.૧૮૫.૭૫, ટીવીએસ મોટર રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૪૬૬.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૬૧૮.૬૦, એમઆરએફ રૂ.૮૪૭.૪૦ ઘટીને રૂ.૫૩,૦૨૧.૪૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૬૮૯.૩૦ રહ્યા હતા. 

ક્રુડ બ્રેન્ટ વધીને ૭૨ ડોલર પાર : રૂપિયો ૬૨ પૈસા તૂટીને રૂ.૭૦.૫૩ ડોલર : રિલાયન્સ, એચપીસીએલ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે વધીને બ્રેન્ટ ક્રુડ ૭૨ ડોલરની સપાટી પાર કરીને ૭૨.૫૦ ડોલર થઈ જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૬૨ પૈસા તૂટીને ૭૦.૫૩ થઈ જતાં ફંડોની ઓઈલ શેરોમાં વેચવાલી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૨૯૬.૧૫, એચપીસીએલ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૨૬૨.૭૫, આઈઓસી રૂ.૪.૯૫ ઘટીને રૂ.૧૪૨.૮૫, ગેઈલ રૂ.૯ ઘટીને રૂ.૩૩૧.૮૫, બીપીસીએલ રૂ.૮.૧૦ ઘટીને રૂ.૩૫૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯.૬૫ ઘટીને રૂ.૧૨૩૦.૮૫ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં અસાધારણ  ગાબડાં : ૧૮૮૯ શેરો નેગેટીવ બંધ : ૨૩૩ શેરોમાં મંદીની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે વ્યાપક વેચવાલી સાથે અનેક શેરોમાં ઓછા વોલ્યુમે સતત ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૮૯ અને વધનારની સંખ્યા ૫૭૫ રહી હતી. ૨૩૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

FIIની કેશમાં રૂ.૧૦૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૧૦૫૮ કરોડની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-સોમવારે કેશમાં વધુ રૂ.૧૦૫૬.૦૧ કરોડની શેરોની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૯૭૨.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૦૨૮.૨૩ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૩૭.૬૮ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૮૬.૩૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જયારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૦૫૭.૯૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૮૪૭.૫૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૭૮૯.૬૩ કરોડની વેચવાલી થઈ હતી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vXw1iA
via Latest Gujarati News

Post a Comment

0 Comments