ચીન- અમેરિકા વચ્ચે અજંપો વધતાં યુએસના કૃષિ બજારોમાં ભાવ ગબડયા

મુંબઈ,તા. 13 મે, 2019,સોમવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી રહી હતી. વેપારો છૂટાછવાયા હતા. આયાતી ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન હતું. વિશ્વબજારમાં અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન આજે સાંજ ે૩૩થી ૩૪ પોઈન્ટ માઈનસમાં રહ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં સિંગતેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૦૫૦ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૨૫થી ૧૦૩૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૬૪૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૦૫થી ૭૧૦ તથા મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૫૦ વાળા રૂ.૭૫૨ રહ્યા હતા. મુંબઈ બજારમાં પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૯૧ વાળા રૂ.૫૮૦ તથા જેએનપીટીના રૂ.૫૮૫ વાળા રૂ.૫૮૭ રહ્યા હતા જ્યારે ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૬ રહ્યા હતા.

દરમિયાન, મલેશિયામાં આજે પામતેલના વાયદામાં હવામાન મિશ્ર રહ્યું. નજીકનો વાયદો સાત પોઈન્ટ વધ્યો હતો જ્યારે દૂરના વાયદામાં વધઘટ સાંકડી રહી હતી. ત્યાં આજે પામ પ્રોડકટના ભાવ જોકે અઢી ડોલર ગબડયા હતા. ત્યાં ચાલુ મહિનાના પ્રથમ દસ દિવસમાં પામતેલનું ઉત્પાદન આશરે ૧૮થી ૧૯ ટકા ઘટયું હોવાના સમાચાર હતા. ઘરઆંગણે મધ્ય- પ્રદેશ બાજુ આજે બપોરે સોયાબીનની આવકો આશરે ૩૦ હજાર ગુણી આવી હતી તથા ત્યાં ભાવ હાજરમાં રૂ.૩૭૦૦થી ૩૭૭૫ તથા પ્લાન્ટના રૂ.૩૭૭૫થી ૩૮૨૫ રહ્યા હતા.

જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૧૮થી ૭૨૩ તથા રિફાઈન્ડના રૂ.૭૪૮થી ૭૫૦ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં  સનફલાવરના કાચાતેલના ભાવ વધી સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૩૦થી ૭૩૫ ડોલર રહ્યાના સમાચાર હતા. ઘરઆંગણે જેએનપીટી કાચા સનફલાવરના ભાવ યુક્રેનના રેડીના રૂ.૭૦૫ તથા મે મહિનાના ૧૫મી મે પછીની ડિલીવરીના ભાવ રૂ.૭૧૦ બોલાઈ રહ્યા હતા.

મગફળીની આવકો ગોંડલ બાજુ આજે સવારે આશરે સાત હજાર ગુણી નોંધાઈ હતી જ્યારે રાજકોટ બાજુ આશરે ૩૨૦૦ ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૭૫થી ૯૦૦ તથા ઉંચામાં ભાવ રૂ.૯૭૫થી ૧૦૦૦ સુધી બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના રૂ.૬૯૦ તથા રિફાઈન્ડના રૂ.૭૨૩ વાળા રૂ.૭૨૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૦૫ તથા રિફાઈન્ડના રૂ.૭૫૫ જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ તથા કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ વાળા રૂ.૧૧૭૦ રહ્યા હતા. દક્ષિણના સમાચાર વેચવાલી બતાવતા હતા.

દરમિયાન, વાયદા બજારમાં આજે સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૧૭.૫૦ તથા રૂ.૫૨૧ વચ્ચે રમી સાંજે રૂ.૫૨૦.૮૦ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૪૧.૬૦ નીચામાં થયા પછી વધી રૂ.૭૪૭.૮૦ થઈ સાંજે ભાવ રૂ.૭૪૭.૫૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ ૧૦ કિલોના આજે આંચકા પચાવી ફરી રૂ.૧૪ વધી કોમર્શિયલના રૂ.૧૧૯૨ તથા એફએસજીના રૂ.૧૨૦૨ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૭૪૦ વાળા રૂ.૫૮૧૦  બોલાતા હતા.

ડોલર વધતાં તથા રૂપિયો ગબડતાં દિવેલમાં દરીયાપારના વેપારો વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના વધતા અટકી રૂ.૨૫૦ ઘટી રૂ.૨૪૫૦૦ રહ્યા હતા જ્યારે એરંડા ખોળના ભાવ ટનના રૂ.૬૦૦૦ વાળા રૂ.૬૨૫૦ રહ્યા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા.

દરમિયાન, આજે સાંજે વાયદા બજારમાં એરંડા જૂન વાયદાના ભાવ વધી રૂ.૯૪ ઉછળી રૂ.૫૯૦૦ વટાવી રૂ.૫૯૧૨ રહ્યા હતા જ્યારે એરંડા મે વાયદાના ભાવ રૂ.૩૨ વધી રૂ.૫૬૮૬ રહ્યા હતા. દરમિયાન, અમેરિકા- શિકાગો બજારમાં આજે સાંજે પ્રોજેકશનમાં ભાવ સોયાબીન વાયદાના ૬૮૮ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા.

જ્યારે સોયાખોળ વાયદાના ભાવ ૧૨૫ પોઈન્ટ માઈનસમાં રહ્યાના વાવડ હતા. અમેરિકા તથા ચીન વચ્ચે વિવાદ વધતાં અમેરિકાના  કૃષી બજારો દબાણ હેઠળ રહ્યાની ચર્ચા હતી. દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદાના ભાવ પણ આજે સાંજે પ્રોજેકશનમાં ૧૧૦થી ૧૧૫ પોઈન્ટ નરમ રહ્યાના સમાચાર હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q4xjlm
via Latest Gujarati News

Post a Comment

0 Comments