(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,તા. 11 મે, 2019, શનિવાર
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન બાદ હવે આવતીકાલે ૧૨,મે ૨૦૧૯ના યોજાનાર હોઈ ચૂંટણીના આ ઘમાસાનમાં કોઈ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળશે કે એની અનિશ્ચિતતા વધવા માંડી હોઈ આ અનિશ્ચિતતામાં બજારમાં નવા રોકાણને બદલે ફોરેન ફંડોનું રોકાણ પાછું ખેંચવાના ચિંતાજનક આંકડા આવવા લાગ્યા છે. અલબત ચૂંટણીથી વિશેષ ગત સપ્તાહમાં અમેરિકા અને ચાઈના વચ્ચેની ટ્રેડ વાટાઘાટ પડી ભાંગતા અમેરિકી પ્રમુખે ચાઈનાની ૨૦૦ અબજ ડોલરની આયાતો પર ટેરિફ વધારીને ૨૫ ટકા કરવાના નિર્ણયની વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારો પર નેગેટીવ અસર જોવાઈ છે.
ચાઈનાને ભીંસમાં મૂકનાર અમેરિકી પ્રમુખ હવે પછી ભારતને ટાર્ગેટ કરશે એવી શકયતાના અહેવાલે ફોરેન ફંડોએ સાવચેતીમાં જ છેલ્લા ત્રણ ટ્રેડીંગ દિવસમાં કેશ અને ફયુચર્સમાં મળીને રૂ.૮૫૦૦ કરોડ જેટલું સેલીંગ કરી દીધું છે. ચૂંટણીની અનિશ્ચિતતા સાથે જો અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ઉકેલ નહીં આવે તો પરિસ્થિતિ વણસવાની અને વૈશ્વિક અર્થતંત્ર પર પણ માઠી અસરની બતાવાતી શકયતાને જોતાં શેરોમાં ફંડોનું ઓફલોડિંગ આગામી દિવસોમાં પણ વધવાની શકયતા રહેશે. જેથી આગામી સપ્તાહમાં બજારમાં નરમાઈ આગળ વધી શકે છે.
લોકસભા ચૂંટણી, અમેરિકા-ચાઈનાનું ટ્રેડ વોર, ફુગાવાના એપ્રિલના આંક, ક્રુડના ભાવ, રૂપિયા-ડોલરના મૂલ્ય પર નજર
આગામી સપ્તાહમાં એક તરફ ચૂંટણીમાં રવિવારે થનારા છઠ્ઠા તબક્કાના થનારા મતદાન પર સૌ કોઈની નજર સાથે વધતી અનિશ્ચિતતાએ બજારમાં અફડાતફડી જોવાય એવી શકયતા છે. આ સાથે ખાસ અમેરિકા દ્વારા ચાઈનાની આયાતો પર ઊંચા ટેરિફ લાગુ કરવાના નિર્ણયમાં વાટાઘાટ થકી કોઈ ફેરફાર આવે છે કે નહીં અને ચાઈના વળતાં પ્રહારમાં અમેરિકી ચીજોની આયાતો પર ફરી ટેરિફ વધારવાનો નિર્ણય લેશે કે એના પર વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોમાં ઉથલપાથલ સર્જાઈ શકે છે. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન પર અમેરિકાના પ્રતિબંધો છતાં વધતાં અટકીને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૭૦ ડોલર નજીક ચાલી રહ્યા છે, એમાં ઈરાન પર વધુ અંકુશની પરિસ્થિતિમાં ક્રુડના ભાવ પર નજર રહેશે.
આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં તાજેતરના દિવસોમાં ફરી ડોલર મજબૂત બની રહ્યો હોઈ ડોલરના મૂલ્ય પર નજર રહેશે. જ્યારે આગામી સપ્તાહમાં સોમવારે ૧૩,મે ૨૦૧૯ના એપ્રિલ ૨૦૧૯ મહિના માટેના કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) રીટેલ ફુગાવાના જાહેર થનારા આંક અને મંગળવારે ૧૪,મે ૨૦૧૯ના જાહેર થનારા હોલસેલ ફુગાવાના આંક(ડબલ્યુપીઆઈ) પર નજર રહેશે.
આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનાના એપ્રિલ મહિના માટેના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના ૧૩,મે ૨૦૧૯ના સોમવારે જાહેરથનારા આંક, ઔદ્યોગિક ઉત્પાદનના એપ્રિલ મહિના માટેના બુધવારે ૧૫,મે ૨૦૧૯ના જાહેર થનારા આંક તેમ જ અમેરિકાના એપ્રિલ મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદનના મંગળવારે ૧૪,મે ૨૦૧૯ના જાહેર થનારા આંક પર નજર રહેશે.
કોર્પોરેટ પરિણામોમાં હવે આઈટીસી, એચડીએફસી લિ., બજાજ ઓટો, ડો.રેડ્ડીઝ, બજાજ ફાઈ., લુપીન, આઈઓસી પર નજર
કોર્પોરેટ પરિણામોની જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૯ના ચોથા ત્રિમાસિકની સીઝન એકંદર સાધારણ થી નબળા પરિણામોની નીવડી રહી છે, ત્યારે આગામી સપ્તાહમાં જાહેર થનારા પરિણામોમાં હવે ૧૩,મે ૨૦૧૯ના આઈટીસી, એચડીએફસી લિમિટેડ અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ, ૧૪,મે ૨૦૧૯ના નેસ્લે ઈન્ડિયા, ૧૫,મે ૨૦૧૯ના લુપીન, ૧૬,મે ૨૦૧૯ના બજાજ ફાઈનાન્સ અને હિન્દાલ્કોના રિઝલ્ટ પર નજર રહેશે. જ્યારે ૧૭,મે ૨૦૧૯ના ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, બજાજ ઓટો, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન-આઈઓસી અને યુપીએલના પરિણામો પર નજર રહેશે. આમ આગામી સપ્તાહમાં અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોરના ડેવલપમેન્ટ, ભારતમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન, ક્રુડ ઓઈલના ભાવ, રૂપિયા-ડોલરના મૂલ્યમાં વધઘટ, ફુગાવાના એપ્રિલ મહિનાના આંક, ચાઈનાના આંકડા પર બજારોની નજર રહેશે. જે પરિબળો વચ્ચે સેન્સેક્સ ૩૭૧૧૧ તૂટતાં ૩૬૭૭૭ અને નિફટી ૧૧૧૬૬ તૂટતાં ૧૧૦૫૫ જોવાશે.
ડાર્ક હોર્સ : RITES LTD.
બીએસઈ(૫૪૧૫૫૬), એનએસઈ(RITES) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૭૪માં ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલી રાઈટ્સ(RITES LTD.) ( અગાઉ રેઈલ ઈડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસિઝ લિ. તરીખે ઓળખાતી) સરકારની સંપૂર્ણ માલિકીની કંપની, મીનિ રત્ન(કેટેગરી-૧) શિડયુલ એ, જાહેર સાહસ અને ટ્રાન્સપોર્ટ કન્સલ્ટન્સી અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં ભારતમાં વૈવિધ્યિકૃત અને સર્વાંગી સર્વિસિઝ પૂરી પાડતી અગ્રણી કંપની છે.
રાઈટ્સ ૪૩ વર્ષના અનુભવ અને એશીયા, આફ્રિકા, લેટીન અમેરિકા, સાઉથ અમેરિકા અને મિડલ ઈસ્ટ સહિતમાં ૫૫ થી વધુ દેશોમાં પ્રોજેક્ટો હાથ ધરવાનો બહોળો અનુભવ ધરાવે છે. કંપનીએ શેર દીઠ રૂ.૧૮૫ ભાવે ઓફર ફોર સેલ લાવી હતી અને ભારત સરકાર હસ્તક કંપનીની કુલ ભરપાઈ શેર મૂડીના ૮૭.૪ ટકા હોલ્ડિંગ છે.
કંપની માટે ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રેલવેઝ, શહેરી ટ્રાન્સપોર્ટ, રોડ્સ અને હાઈવેઝ, પોર્ટસ, ઈનલેન્ડ વોટરવેઝ, એરપોર્ટસ અને રોપવેઝ પર ફોક્સ સાથે ડિઝાઈન, એન્જિનિયરીંગ અને કન્સલ્ટન્સી સર્વિસિઝ સહિતમાં સારી તકો હોવા સાથે લીઝિંગ, નિકાસ, મેઈન્ટેનન્સ અને લોકોમોટીવ અને રોલિંગ સ્ટોકના રીહેબિલિટેશન, રેલવે લાઈન, ટ્રેડ ડબલિંગ, ત્રીજી લાઈન, રેલવે ઈલેક્ટ્રિફિકેશન, વેગન મેન્યુફેકચરીંગ માટે એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન પરના ટર્નકી પ્રોજેક્ટો હાથ ધરવા, ભારતીય રેલવે માટે રીન્યુએબલ એનજીૅ ઉત્પાદન અને પાવર પ્રોક્યોરમેન્ટ સંયુક્ત સાહસ સગવડો, સબસીડિયરીઓ અથવા કોન્સોર્શિયમ એરેન્જમેન્ટ વગેરે થકી કરવાનો સમાવેશ છે. રાઈટ્સનું રેલવે ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર કન્સલ્ટન્સીએકમ તરીકે સારૂ અસ્તિત્વ છે. જ્યારે થાઈલેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયા સિવાય વિદેશોમાં રોલીંગ સ્ટોક પૂરા પાડવા માટે ભારતીય રેલવેઝનું એકમાત્ર નિકાસ એકમ છે. જો કે તેઓ અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચર અને એનજીૅ માર્કેટ ક્ષેત્રો શહેરી ટ્રાન્સપોર્ટ, રોડ્સ અને હાઈવેઝ, પોર્ટસ, ઈનલેન્ડ વોટરવેઝ, એરપોર્ટસ, ઈન્સ્ટીટયુશનલ બિલ્ડિંગ્સ, રોપવેઝ, પાવર પ્રોક્યોરમેન્ટ અને રીન્યુએબલ એનજીૅ માટે કન્સલ્ટન્સી સર્વિસ પૂરી પાડે છે.
રાઈટ્સનો ઉદેશ મેટ્રો અને એરપોર્ટ પ્રોજેક્ટો વગેરે માટે ટર્નકી પ્રોજેક્ટો અને સર્વિસિઝના વિસ્તરણ થકી રેલવે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં કામગીરીનું કદ વધારવાનો છે. કંપની રેલવે એનજીૅ મેનેજમેન્ટ કંપની લિમિટેડ નામે આઈઆર-ઈન્ડિયન રેલવેઝ સાથે કોલોબ્રેશનમાં સબસીડિયરી ધરાવે છે. જે રીન્યુએબલ એનજીૅ થકી સહિત પાવર પ્રોક્યોરમેન્ટ માટે છે. કંપનીએ વેગન્સના મેન્યુફેકચરીંગ માટે સેઈલ સાથે સંયુક્ત સાહસ કંપની સ્થાપી છે. જે હાઈ એન્ડ સ્પેશ્યલાઈઝડ વેગનો ભારતીય રેલવેઝ માટે અને અન્ય સ્થાનિક તેમ જ વિદેશી ગ્રાહકો માટે તેમ જ મેન્યુફેકચરીંગ એનસિલીયરી યુનિટો માટે બનાવશે.
કંપનીના પ્રમુખ ગ્રાહકોની યાદીમાં ભારત અને વિદેશોમાં વિવિધ જાહેર સાહસો, સરકારી એજન્સીઓ અને મોટા ખાનગી ક્ષેત્રના કોર્પોરેશનોનો સમાવેશ છે. કેટલાક નોંધનીય ગ્રાહકોમાં ઈન્ડિયન રેલવેઝ, એનટીપીસી, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, હાઈ સ્પિડ રેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ, ડીએમઆરસી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ, રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ભારત કોકિંગ કોલ લિમિટેડ, મેટ્રો લિન્ક એક્સપ્રેસ-ગાંધીનગર અને અમદાવાદ(એમઈજીએ) કંપની, ઈન્ડિયન પોર્ટ રેલ કોર્પોરેશન લિમિટેડ, એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સહિતનો સમાવેશ છે.
કંપની વિવિધ મોટા ખાનગી કોર્પોરેશન જેમ કે એલ એન્ડ ટી મેટ્રો રેલ(હૈદરાબાદ) લિમિટેડ, કાંતિ બિજલી ઉત્તપડન નિગમ લિમિટેડ(કેબીયુએનએલ), સિમકો લિમિટેડ, ટીટાગ્રહ વેગન્સ લિમિટેડ, સ્નોમેક્સ એન્જિનિયર્સ લિમિટેડ, યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડ, રાજદિપ બિલ્ડકોન પ્રાઈવેટ લિમિટેડ, મહાલ્સા કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ, મેરીમાથ કન્સ્ટ્રકશન લિમિટેડ, એફકોન ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈનકેપ, એઆરકે સર્વિસિઝ, એમએનઈસી કન્સલ્ટન્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડિયન જીઓટેકનિકલ સર્વિસિઝ લિમિટેડ, જીઓકનો ઈન્ડિયા લિમિટેડ સહિત સાથે સંકળાયેલી છે.
કંપની કુલ વેચાણના ૧૫ ટકા જેટલું નિકાસોમાંથી મેળવે છે. રાઈટ્સની મોરિશિયસ સરકાર દ્વારા તેના લાઈટ રેલ પ્રોજેક્ટને અમલી બનાવવા માટે કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક થયેલી છે. આ સિવાય કંપની નેપાળમાં બે ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ્સ પર કામ કરી રહી છે. આ સાથે મ્યાનમારમાં ૧૮ મીટર ગેજ લોકોમોટીવ્ઝનો નિકાસ કોન્ટ્રેકટ પર કામ કરી રહી છે. બાંગ્લાદેશને ૧૨૦ બ્રોડ ગેજ પેસેન્જર સર્વિસિઝ કોચીઝ સફળતાપૂર્વક નિકાસ કરાયા છે. શ્રીલંકામાં પણ રવાન્ડા ખાતે એરપોર્ટ અને પોર્ટસ પ્રોજેકટ માટે વિગતે પ્રોજેક્ટ રીપોર્ટ સફળતાપૂર્વક પૂરો કર્યો છે.
રાઈટ્સની નાણાકીય વર્ષ ૨૦૧૮માં ઓર્ડર બુક માર્ચ ૨૦૧૮ના રૂ.૪૮૧૮ કરોડની હતી, એ વધીને ૩૧,માર્ચ ૨૦૧૯ના રૂ.૬૧૪૨ કરોડની થઈ છે. રાઈટ્સ દ્વારા તાજેતરમાં ઈન્ડિયન રેલવેઝ સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનને પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પૂરી પાડવાના કામ માટે રૂ.૮૧.૨ કરોડની ફી મળી છે. આ ઉપરાંત નોર્થન રેલવે પાસેથી વર્કશોપના આધુનિકીકરણ માટે ટર્નકી ઓર્ડર રૂ.૫૩ કરોડનો મળ્યો છે. કંપનીએ શ્રીલંકામાં પ્રથમ લોકોમોટીવ અને ડીએમયુ સેટનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂરું કર્યું છે. કંપની વધુ એક ડીએમયુ સેટ અને લોકોમોટીવની પણ નિકાસ કરી છે. માર્ચ ૨૦૧૯ના કંપનીની નિકાસ ઓર્ડર બુક રૂ.૧૦૮૬ કરોડની છે.
શેર હોલ્ડિંગ પેટર્ન :
પ્રમોટર ભારત સરકાર હસ્તક ૮૭.૪૦ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૪ ટકા પૈકી એચડીએફસી ટ્રસ્ટી કંપની પાસે ૨.૦૫ ટકા, રિલાયન્સ કેપિટલ ટ્રસ્ટી પાસે ૧.૨૨ ટકા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈ પાસે ૧.૨૮ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૧.૮૧ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેર મૂડી ધારકો પાસે ૩.૭૭ ટકા છે.
બુક વેલ્યુ :
માર્ચ ૨૦૧૪ના રૂ.૧૪૧.૯૪, માર્ચ ૨૦૧૫ના રૂ.૧૬૬.૯૮, માર્ચ ૨૦૧૬ના રૂ.૧૮૭.૮૦, માર્ચ ૨૦૧૭ના રૂ.૧૦૧.૭૭, માર્ચ ૨૦૧૮ના રૂ.૧૦૯.૫૮, અપેક્ષિત માર્ચ ૨૦૧૯ના રૂ.૧૩૦.૭૨
નાણાકીય પરિણામો :
(૧) સંપૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૧૨૯૯.૩૫ કરોડની તુલનાએ વધીને રૂ.૧૪૩૯.૨૪ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૩૩૦.૯૩ કરોડની તુલનાએ વધીને રૂ.૩૩૬.૮૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૪.૧ થી વધીને રૂ.૧૬ હાંસલ કરી હતી.
(૨)ત્રીજા ત્રિમાસિક ઓકટોબર થી ડિસેમ્બર ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૫૧૧.૩૫ કરોડ મેળવીને એનપીએમ ૨૨.૯૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧૭.૪૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૫.૮૭ હાંસલ કરી છે.
(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૧૮ :
ચોખ્ખી આવક રૂ.૧૨૫૪.૬૫ કરોડ મેળવીને એનપીએમ ૨૫.૪૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૧૬.૨૭ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક રૂ.૧૫.૮૧ હાંસલ કરી લીધી છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૭૬૮.૪૦ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૪૨૨.૯૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨૧.૧૪ અપેક્ષિત છે.
વેલ્યુએશન : સિંગલ B :
વૈવિધ્યિકૃત ઉદ્યોગના સરેરાશ ૧૭.૪ના પી/ઈ સામે કંપનીને મર્યાદિત રહીને ૧૩નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૨૭૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B. જે શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૨૩૭.૮૫ ભાવે અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૧૮-૧૯ની શેર દીઠ આવક રૂ.૨૧.૧૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૩૦.૭૨ સામે ૧૧.૨૫ના પી/ઇએ ઉપલબ્ધ છે.
મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ (SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે : ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી : (૧)લેખક ઉપરોકત કંપનીઓના શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E2swvD
via Latest Gujarati News
0 Comments