આજે મધર્સ ડે પર વાત કરીએ એવી જ માતાઓની જેઓએ ઘરના અંધારાને પ્રેમ અને વિશ્વાસથી પ્રકાશિત કર્યા અને સંતાનોના જીવનને આપી ઊંચી ઉડાન...
માતા વિના બાળક અધૂરું છે, બાળક જ્યારે શાળામાં જવા માંડે ત્યારે તેને હિમ્મત આપનાર માતા છે. આપણી આસપાસ એવા અનેક દાખલાઓ જોવા મળશે કે માતા-પિતાએ સંઘર્ષ કરીને સંતાનોને સારું ભવિષ્ય આપ્યું હોય. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે પિતાના અકાળે અવસાનથી બાળકો, પરિવાર અને સામાજિક જવાબદારી માતાના ખભે આવી જાય છે. આ પરિસ્થિતિનો માતા સહજતા અને હિમ્મતથી સામનો કરી સમાજને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડે છે. કવિ અનિલ ચાવડાએ લખ્યું છે,
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે. દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે, સ્હેજ અડતાંમાં જ દુઃખો સમાટાં થઇ જાય છે ગાયબ, મા હથેળીમાં સતત જાદૂઇ એવો સ્પર્શ રાખે છે, આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં, મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
૨૬ વર્ષે વિધવા બનેલા વિલાસબહેને ૩૦ વર્ષ નોકરી કરી, આજે સંતાનો બિઝનેસ કરે છે
પહેલાં ખોળે દિકરો અને બીજા ખોળે પણ દિકરો અવતરે એટલે ઘરમાં ખુશીનો માહોલ હોય. એ દિકરો હજુ પિતાને બરાબર ઓળખતા શીખે ત્યાં ટૂંકી બીમારીમાં પિતાનું અવસાન થાય એટલે સ્થિતિ કેટલી કરુણ સર્જાય તેનું વર્ણન કરવું અશક્ય છે. ૨૯ વર્ષે રાજેશભાઇ મકવાણાને કમળામાંથી કમળી થતાં તેમનું મૃત્યુ થયું અને પત્ની વિલાસબહેન ફક્ત ૨૬ વર્ષે વિધવા બન્યા. ગોતા વિસ્તારમાં રહેતા વિલાસબહેન કહે છે,' એ વખતે અત્યારની જેમ ઘરની સ્ત્રી બહાર જલ્દી કમાવવા જતી નહોતી. સંતાનોનો સારી રીતે ઉછેર કરી શકું એ માટે મેં સ્કૂલમાં તેડાઘરમાં નોકરી કરવાનું શરૃ કર્યું. સ્કૂલ પ્રાઇવેટ હતી એટલે પગાર ઠીકઠીક મળતો પણ ટ્રસ્ટીએ મારા બંને બાળકોની ફી માફી કરી આપી હતી. સાથે હું ઘરે ટયુશન પણ કરતી. અમે જોઇન્ટ પરિવારમાં રહેતાં હતાં એટલે મારા બંને બાળકો સચવાઇ ગયાં. નાની ઉંમરે વિધવા થયા હોઇએ એટલે બાળકોના ઉછેરમાં સંઘર્ષ તો કરવો જ પડે. મેં ૩૦ વર્ષ સુધી નોકરી કરી. હવે સંતાનો પોતાનો બિઝનેસ કરે છે. ભગવાનની દયાથી સ્થિતિ બહુ સારી છે.'
ટીબીથી પતિનું અવસાન થયું, ચંચળબહેને લોકોના ઘરે કામ કરીને દિકરાને એન્જિનિયર બનાવ્યો
મૂળ રાજસ્થાનના સિરોહી ગામના ચંચળબહેન સિંઘલના લગ્ન નાની ઉંમરે થઇ ગયાં અને એક પછી એક એમ ત્રણ સંતાનને જન્મ આપ્યો. પરિવાર વધતાં વધુ કમાવવાની આશાએ પતિ સાથે અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવીને વસ્યો. ચંચળબહેન કહે છે, મારા પતિને ટીબી થઇ જતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. પાંચ વર્ષ બીમાર રહ્યાં અંતે મૃત્યુ પામ્યા. હું નાની ઉંમરે વિધવા બની. તેમની બીમારી પાછળ મેં મારા તમામ દાગીના વેંચી દીધા. અમારા પર બહુ દેવું થઇ ગયું. મને વાંચતા લખતા આવડતું નહીં, મેં ક્યારેય કોઇ કામ કર્યું નહોતું. તેથી સંતાનોનું ભરણપોષણ કરવું મારા માટે મુશ્કેલ હતું એટલે સંતાનો સાથે સાસરે આવી ગઇ, ત્યાં અમારું મકાન, જમીન બધું હતું. છતાં તેમણે અમને કાઢી મૂક્યાં. મારા પર તો આભ તૂટી પડયું. જવું તો ક્યાં જવું, રહેવા માટે છત પણ નહોતી. છેવટે અમદાવાદ પરત ફરી. મેં લોકોના ઘરે વાસણ, કપડાં ધોવાનું કામ કર્યું. મોટા બંને દિકરા હવે કમાવવા લાગ્યા છે. નાનો દીકરો મહેન્દ્ર બી.ઇ. ઇલેક્ટ્રિક એન્જિનિયરનો ભણી રહ્યો છે.'
ચંચળબહેનના દિકરા કહે છે, 'શરૃઆતમાં બે ટંક ખાવાના પણ વાંધા હતા, લોકોના ઘરનું વધેલું ખાઇને અમે મોટા થયા. મમ્મીએ અમારી પાછળ બહુ મહેનત કરી છે. હવે સ્થિતિ ઘણી સારી છે.'
પિતા અને પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ સોનાલીબહેને પગભર થઇ સંતાનોને ઉછેર્યા
એક દીકરી પિતાની છત્રછાયા ગુમાવ્યાના આઘાતમાંથી હજુ બહાર આવી ન હોય ત્યાં જેની સાથે પ્રેમ લગ્ન કરી લગ્નગ્રંથિથી જોડાઇ હોય તેની સ્થિતિ કથળવા લાગે અને તે કંઇ સમજે વિચારે એ પહેલાં પતિ મૃત્યુ પામે ત્યારે જે વ્રજઘાત થાય એ તો જેણે અનુભવ્યું હોય એ જ સમજી શકે. આ કપરી સ્થિતિમાંથી સોનાલીબહેન ઉપાધ્યાય પસાર થઇ ચૂક્યાં છે. વાસણા વિસ્તારમાં રહેતા સોનાલીબહેન કહે છે, 'પપ્પાના મૃત્યુ બાદ હસબન્ડ રાકેશ બીમાર રહેવા લાગ્યાં. તપાસ કરતાં ખબર પડી કે તેમના વાઇટ સેલ ઘટી ગયાં છે. હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યાં. અમે કંઇ સમજીએ એ પહેલાં તો એ મૃત્યુ પામ્યા. દિકરો અને દીકરી ટ્વીન્સ છે. તેઓ ત્યારે પાંચમાં ધોરણમાં હતાં. અમારી એવી ઇચ્છા હતી કે સંતાનો સારું એજ્યુકેશન મેળવે તેથી તેમને અંગ્રેજી માધ્યમમાં મૂક્યાં હતા. પતિ વગર બાળકોને ઉછેરવા અને કમાવવામાં બહુ સંઘર્ષ કરવો પડે છે. આજે પણ કરી રહી છું. દીકરો ધૈર્ય એરપોર્ટ મેનેજમેન્ટનું પૂર્ણ થવા આવ્યું છે અને દીકરી કોલેજ કરી રહી છે. તેનો આનંદ છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2He5zHT
via Latest Gujarati News
0 Comments