(પીટીઆઇ) મુંબઇ, તા. 11 મે, 2019, શનિવાર

છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટના પ્રધાનોએ વિદેશ અને દેશમાં પ્રવાસ પાછળ કુલ ૩૯૩ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે તેમ આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં જણાવવામાં આવ્યું છે. 

મુંબઇના એક આરટીઆઇ કાર્યકર્તાએ વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ) પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ પાંચ વર્ષમાં વિદેશ અને ઘરેલુ પ્રવાસ પાછળ થયેલા ખર્ચની વિગતો માગી હતી. 

જો કે ડિસેમ્બર, ૨૦૧૮માં રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં મોદી સરકારે જણાવ્યું હતું કે જૂન, ૨૦૧૪થી અત્યાર સુધી મોદીના વિદેશ પ્રવાસ હેઠળ ચાર્ટડ ફલાઇટ, એરક્રાફ્ટની દેખભાળ અને હોટલાઇન સુવિધા પાછળ ૨૦૨૧ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

મુંબઇના આરટીઆઇ કાર્યકરે પૂછેલા પ્રશ્રના જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે મોદી અને તેમના કેબિનેટ પ્રધાનોના વિદેશ પ્રવાસ પાછળ ૨૬૩ કરોડ રૃપિયા અને ડોમેસ્ટિક પ્રવાસ પાછળ ૪૮ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

રાજ્ય કક્ષાના પ્રધાનોની વાત કરવામાં આવે તો તેેમના વિદેશ પ્રવાસ પાછળ ૨૯ કરોડ રૃપિયા જ્યારે ડોમેસ્ટિક પ્રવાસ પાછળ ૫૩ કરોડ રૃપિયાનો ખર્ચ થયો હતો. આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા આ પ્રશ્રનો જવાબ કેબિનેટ બાબતોની પે એન્ડ એકાઉન્ટ ઓફિસના સિનિયર એકાઉન્ટ ઓફિસર સતિષ ગોયલે આપ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WAUmX3
via Latest Gujarati News