ઓડિશામાં ફાનીનો મૃત્યુઆંક વધીને 43 પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોનો ચક્કાજામ


(પીટીઆઈ) ભુવનેશ્વર, તા. 11 મે, 2019, શનિવાર

ઓડિશામાં વિનાશક ફાની ચક્રવાતના કારણે મૃતક આંક વધીને ૪૩ થયો છે. ૨૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા પવને ભારે વિનાશ વેર્યો હતોે અને તેના એક સપ્તાહ બાદ પણ લોકો પીવાના શુદ્ધ પાણી, વીજળી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

સરકાર દ્વારા યુદ્ધની ગતિએ લોકોના પુન:નિવાસ માટે કામગીરી હાથ ધરાઈ હોવા છતા પણ લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. રાજધાની ભુવનેશ્વરમાં વાવાઝોડાના કારણે ૧.૫૬ લાખ વીજળીના થાંભલાઓ પડી ગયા હતા.

એક સપ્તાહ બાદ પણ ભુવનેશ્વરના અડધા એટલે કે ૪.૫ લાખ જેટલા લોકો સુધી જ વીજળીની સેવા પહોંચાડી શકાઈ હોવાના કારણે લોકોએ ગેરેજ ચોક વિસ્તાર, ભુવનેશ્વરથી પુરી સુધીના માર્ગ પર તથા અન્ય વિસ્તારોમાં રસ્તાઓ જામ કર્યા હતા. આ ઉપરાંત રોષે ભરાયેલા લોકોએ કેન્દ્રીય વીજ પુરવઠા યુનિટની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો જેથી પોલીસ બોલાવવી પડી હતી.

પીવાના શુદ્ધ પાણી અને વીજળીને અભાવે વાવાઝોડાથી સૌથી વધારે અસરગ્રસ્ત યાત્રાધામ પુરીના લોકો કામચલાઉરુપે અન્ય વિસ્તારોમાં સ્થળાંતરણ કરી રહ્યા છે.

લોકોની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવીને હોટેલ્સ અને ગેસ્ટ હાઉસના માલિકો તેમના પાસેથી ખૂબ વધારે ભાડું માંગી રહ્યા છે. જાઝપુર જિલ્લાના બિન્ઝરપુર વિસ્તારના લોકોએ રાજ્ય સરકારે જાહેર કરેલી રાહતો મળી ન હોવાથી ઉશ્કેરાઈને મહેસૂલ વિભાગના અધિકારી પર હુમલો કરી દીધો હતો.

તે વિસ્તારના રાહત અધિકારીએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રાહત સામગ્રી અને રોકડનું ત્વરીત વિતરણ કરવા આદેશ આપ્યા છે સાથે જ હુમલો કરનારા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં વીજળીની સેવા ફરીથી કાર્યરત કરવા માટે ૫૦ જેટલી ટીમમાં એનડીઆરએફના જવાનો શામેલ કરવામાં આવ્યા છે. 

ટૂંક સમયમાં જ ભુવનેશ્વર, પુરી, કટક સહિતના વિસ્તારોમાં વીજળીની સેવા કાર્યરત થઈ જશે પરંતુ દૂરસંચાર સેવાઓ ફરીથી કાર્યરત થવામાં વધારે સમય લાગી શકે છે.

આ કારણે અનેક વિસ્તારોમાં 'સેલ ઓન વ્હીલ' સેવા શરુ કરવામાં આવી છે જેથી લોકો એકબીજા સાથે જોડાયેલા રહી શકે. રાહત અને પુન:સ્થાપન કામગીરીને વેગ આપવા માટે સૌથી વધારે અસરગ્રસ્ત પુરી, ખુરદા, કટક, જગતસિંહપુર અને કેન્દરપારા જિલ્લાઓમાં શનિવારે અને રવિવારે પણ સરકારી કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે.

અસરગ્રસ્તોને રાહત આપવા માટે વીમાલક્ષી કામગીરી સરળ બનાવવામાં આવશે અને લોન ક્ષેત્રે પણ રાહત આપવામાં આવશે. લોકોને નાણાંકીય અગવડ ન વેઠવી પડે તે માટે પુરીમાં ૧૦ મોબાઈલ એટીએમ શરુ કરવામાં આવ્યા છે અને ઈંધણનો પુરવઠો પણ પુરો પાડવામાં આવી રહ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VmXfcY
via Latest Gujarati News

Post a Comment

0 Comments