દિલ્હી એરપોર્ટ પર એક જ દિવસમાં રૂ. 5.5 કરોડનું સોનું અને વિદેશી ચલણ જપ્ત


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

એક જ દિવસમાં દિલ્હી એરપોર્ટ પરથી ૫.૫ કરોડ રૂપિયાનું સોનું અને વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પરના ક્સ્ટમ વિભાગના કમિશનર મનીષકુમારે જણાવ્યું છે કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કસ્ટમ્સ ઇન્ટેલિજન્સ એન્ડ પ્રિવેન્ટિવ વિભાગ દાણચોરીને રોકવા માટે હંમેશા સચેત રહે છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫.૫ કરોડ રૂપિયાની દાણચોરી પકડવામાં આવી છે. 

કસ્ટમ વિભાગે જણાવ્યું છે કે હોંગકોંગથી આવેલા જાપાનના નાગરિકની અટકાયત કરવામાં આવી હતી. તેની અને તેના બેગની તપાસ કરતા તેમાંથી સાત કિલો સોનું મળી આવ્યું હતું. 

હાલના ભાવ મુજબ આ સોનાની કીંમત ૨.૨૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સોનું જપ્ત કર્યા પછી જાપાનના નાગરિકની ધરપકડ કરી લેવામાં આવી છે. સોનાના દાણચોરી માટે લાંબા સમય પછી કોઇ જાપાનના નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ઓટો પાર્ટસની અંદર સોનું સંતાડી દીધું હતું. 

અન્ય એક કેસમાં હોંગકોંગ જઇ રહેલા ત્રણ ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય શખ્શોની તપાસ કરતા તેમની બેગમાંથી અમેરિકન ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલર, યુરો, ન્યૂઝીલેન્ડ ડોલર, યુએઇ દિરહામ, બેહરિન દિનાર અને હોંગકોૅગના ડોલર મળી આવ્યા હતાં. આ તમામ વિદેશી ચલણની કુલ કીંમત ૨.૩ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે અને વિદેશી ચલણ જપ્ત કરી લેવામાં આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ રવિવારે પણ ત્રણ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આમ છેલ્લા ત્રણ દિવસમાં કુલ દસ કિલો સોનું અને વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ersxtr
via Latest Gujarati News

Post a Comment

0 Comments