56 ઇંચની છાતિવાળા 'બોક્સર મોદી'એ કોચ અડવાણીને જ પંચ માર્યા : રાહુલ


બોક્સર મોદીએ ખરેખર તો ગરીબી જેવી સમસ્યાને પંચ મારવાના હતા પણ ફટકાર્યા નાગરિકો, ગરીબો, ખેડૂતો, વ્યાપારીઓને  !

નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો માર્યો હતો. ભારતમાં સૌથી વધુ બોક્સિંગ ખેલાડીઓ માટે જાણીતા હરિયાણાના ભિવાનીમાં રેલીને સંબોધતી વેળાએ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે બોક્સર નરેન્દ્ર મોદી મુળ તો બેરોજગારી દુર કરવા માટે રિંગમાં ઉતર્યા હતા.

પણ થયું એવું કે બેરોજગારીને પંચ મારવાને બદલે બોક્સર મોદીએ પોતાના જ કોચ એલ.કે. અડવાણીને પંચ મારી દીધો અને તેમને સાઇડલાઇન કરી દીધા. રાહુલ જે ભિવાનીમાં રેલીને સંબોધી રહ્યા હતા તે જાણીતા બોક્સર વિજેન્દ્ર સિંહનુ વતન પણ છે, જેઓ દિલ્હીથી કોંગ્રેસની ટીકીટ પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 

સાથે જ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદીએ પોતાના જ ગુરુ અને કોચ અડવાણી પર ધ્યાન ન આપ્યું, ૫૬ ઇંચની છાતીની શેંખી મારતા બોક્સર નરેન્દ્ર મોદી રિંગમાં ઉતર્યા હતા.

બેરોજગારી દુર કરવા માટે પણ થયું એવું કે બેરોજગારી પર પંચ મારવાને બદલે મોદીએ પોતાના જ ગુરુ અડવાણીને પંચ માર્યો, દેશના ગરીબો, ખેડૂતોને પંચ માર્યો. આ બોક્સર મોદીએ દેશના ગરીબો, નબળા વર્ગ અને આમ આદમીને માર્યા છે. બોક્સર મોદી એ ભુલી ગયા કે ખરેખર તેમણે કોની સાથે લડવું જોઇએ. તેઓએ અડવાણી અને ગડકરી જેવા પક્ષના નેતાઓને પણ સાઇડલાઇન કરી દીધા. 

રાહુલે આરોપ લગાવ્યો હતો કે બોક્સર મોદીએ અડવાણી અને ગરીબોને પંચ માર્યા બાદ ગબ્બર સિંઘ ટેક્સ (જીએસટી) લાગુ કરીને આ દેશના આમ નાગરીકો અને નાના વ્યાપારીઓેને પંચ માર્યા.

એટલુ જ નહીં જે ખેડૂતો ટેકાના ભાવ માગી રહ્યા હતા, દેવા માફીની માગણી કરી રહ્યા હતા તેને પણ આ બોક્સર મોદી પંચ માર્યા હતા. રાહુલે રેલીમાં હાજર લોકોને જણાવ્યું હતું કે હું તમને વચન આપુ છુ કે કોંગ્રેસની સરકારમાં કોઇ ખેડૂતની લોન બાબતે ધરપકડ કરવામાં નહીં આવે, તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નહીં થાય.

હું અહી મારા મનની વાત કરવા નહીં પણ જનતાના મનની વાત સાંભળવા માટે આવ્યો છું, સાથે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી સૈન્યનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરી રહ્યા છે, સૈન્યનો ઉપયોગ મત માટે ક્યારેય ન કરાય, હું આવું નથી કરતો અને ભવિષ્યમાં પણ નહીં કરું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H0M1FH
via Latest Gujarati News

Post a Comment

0 Comments