
ફાની વાવાઝોડા અંગે મે બે વખત રિપોર્ટ માગ્યો પણ ઘમંડમાં આવી ગયેલા મમતાએ જવાબ ન આપ્યો : મોદીનો આરોપ
નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અંગે એક નિવેદન કર્યું હતું જેને પગલે ભારે વિવાદ થયો હતો, મોદીએ કહ્યું હતુ કે રાહુલ ગાંધી તમારા પિતા રાજીવ ગાંધીનું મોત એક ભ્રષ્ટાચારી તરીકે થયું હતું.
મોદીના આ નિવેદનની કોંગ્રેસ સહીતના વિપક્ષના નેતાઓએ ભારે ટીકા કરી હતી. ત્યારે હવે ફરી તેઓએ રાજીવ ગાંધી અંગે નિવેદન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસમાં હિમ્મત હોય તો હવે બાકીના જે બે તબક્કા બચ્યા છે તેની ચૂંટણી રાજીવ ગાંધીના માન અને સમ્માન પર લડી બતાવે.
મોદીએ ઝારખંડમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે જો કોંગ્રેસમાં હિમ્મત હોય તો બાકીના બન્ને તબક્કા અને દિલ્હીની ચૂંટણી તમે જે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પાછળ મોટા મોટા આંસુ વહાવી રહ્યા છો તેના માન સમ્માન પર લડી બતાવો.
હું જોઉ છું કે મિલાવટી લોકો મારા આ પડકારને સ્વીકારે છે કે નહીં. સાથે મોદીએ દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર પર કોઇ જ દાગ નથી લાગ્યો જેને પગલે વિપક્ષ ડઘાઇ ગયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળને લઇને મોદીએ મમતા બેનરજી પર કેટલાક આરોપો લગાવ્યા હતા.
મોદીએ દાવો કર્યો હતો કે મે ફાની વાવાઝોડા અંગે પશ્ચિમ બંગાળની સરકારને ફોન કર્યો હતો અને તેની પાસેથી રિપોર્ટ માગ્યો હતો. જોકે મમતા બેનરજીની સરકારે મને કોઇ જ જવાબ નહોતો આપ્યો. સ્પીડબ્રેકર મમતા દીદી હવે વાવાઝોડા પર પણ રાજનીતી કરવા માગે છે. મોદીએ આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજી બહુ જ ઘમંડી છે જેને પગલે તેમણે મારા ફોનનો પણ યોગ્ય રીતે જવાબ નહોતો આપ્યો.
સ્પીડબ્રેકર દીદી હવે વાવાઝોડા જેવી બાબતોમાં પણ રાજનીતી કરવા લાગ્યા છે. મોદીએ સાથે જણાવ્યું હતું કે હું જય શ્રી રામ બોલીશ મારી ધરપકડ કરીને બતાવે. મોદીએ આરોપ લગાવ્યો હતો કે મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં જે લોકો જય શ્રી રામ બોલે છે તેને જેલમાં મોકલી દે છે. હું તેમને ચેલેંજ કરુ છું કે મારી ધરપકડ કરી બતાવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LrPrqy
via Latest Gujarati News
0 Comments