
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર કરાયેલી ટિપ્પણી મુદ્દે કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન વચ્ચે સિદ્ધુએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેંકુ કહીને જીવીત વ્યક્તિનું સન્માન ન કરી શકો તો વાંધો નહીં પણ મૃત વ્યક્તિનું સન્માન કરો તેવી સલાહ આપી હતી.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન પર લઈને કહ્યું કે, તેઓ માને છે કે ભારત દેશ ૨૦૧૪ની સાલમાં જ અસ્તિત્વમાં આવ્યું છે અને દેશમાં માત્ર રેલવે સ્ટેશન અને ચા જ છે. સિદ્ધુએ ભાજપ પર શબ્દ પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉંચી દુકાનના ફીકા પકવાનો જેવા છે અને તેઓ ચિત્તાની માફક ગર્જનાઓ કરે છે પરંતુ તેમનું હૃદય ચકલી જેવું નાનું છે.
તેમણે કોંગ્રેસની સરખામણી પાણીદાર અરબી ઘોડા સાથે કરી હતી જ્યારે ભાજપને પ્રિંસ ચાર્લ્સનો દેખાડા માટેનો ઘોડો ગણાવ્યું હતું. સિદ્ધુએ વર્તમાન ચૂંટણીમાં ભાજપ જુઠાણાની લહેર ચલાવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો અને પાંચ વર્ષમાં ગંગા સફાઈ, રોજગાર સહિતના દાવાઓ પોકળ નીકળ્યા હોવાનું કહ્યું હતું.
તેમણે વારાણસીમાં ગંગા નદી ખૂબ જ અશુદ્ધ થઈ ગઈ હોવાનું કહીને મોદી પોતાના જુઠાણાઓની લહેરમાં ડૂબી જશે તેવો દાવો કર્યો હતો. તેમણે મોદી સરકારના રોજગારીના દાવાઓને કાગળ પરનો દેખાડો ગણાવ્યો હતો અને વડાપ્રધાન મોદી માત્ર દર્શન આપે છે તેમ કટાક્ષ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ સતત ભાજપ પર હુમલાઓ કરી રહ્યા છે અને તેઓ માત્ર પંજાબ જ નહીં પરંતુ દેશભરમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પૈકીના એક છે જેની સમગ્ર દેશમાં ખૂબ માંગ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VVbudn
via Latest Gujarati News
0 Comments