પંજાબમાં આચાર સંહિતા લાગુ થયા બાદ 275 કરોડની રોકડ, દારુ, ડ્રગ્સ ઝડપાયા


(પીટીઆઈ) ચંદીગઢ, તા. 6 મે, 2019, સોમવાર

આગામી ૧૯મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં પંજાબની ૧૩ બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ચૂંટણીને અનુસંધાને આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ ૨૭૫ કરોડ રુપિયાનું મૂલ્ય ધરાવતો દારુ, ડ્રગ્સ અને બેહિસાબી રોકડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. કરુણા રાજુએ જણાવ્યું કે ૧૦મી માર્ચથી પાંચમી મે સુધીમાં રાજ્યમાંથી ૨૭૫ કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં ૨૧૨ કરોડ રુપિયાના ડ્રગ્સ પણ શામેલ છે. તેમણે રાજ્યભરમાંથી ૧૨.૨૮ લાખ લિટર દારુનો જથ્થો અને ૭.૬૦ ટન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું જણાવ્યું. જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સમાં ઓપિયમ, પોપ્પી હસ્ક અને અન્ય નશાયુક્ત વ્યસની પદાર્થોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજ્યભરમાંથી ૩૦.૯૯ કરોડ રુપિયા રોકડા અને ૨૧.૯૫ કરોડ રુપિયાનું મૂલ્ય ધરાવતી સોના સહિતની મોંઘી ધાતુઓ જપ્ત કરવામાં આવી છે.  પંજાબના ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન દારુ અને રોકડ સહિતની વસ્તુઓની હેરાફેરી પર ચૂંટણી પંચ નજર રાખી રહ્યું હોવાની ખાતરી આપી છે.

આ ઉપરાંત રાજ્યમાં લોકોને વ્યસની બનાવતા ડ્રગ્સના પુરવઠા વગેરે પર નજર રાખવા માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. ટ્રામાડોલ જે એક પ્રકારની દર્દનાશક દવા છે તેનું વેચાણ કરતી ચાર દુકાનોના લાઈસન્સ નિલંબિત કરવામાં આવ્યા છે તથા અન્ય ૧૭ દુકાનોને કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી છે.

પંજાબમાં ચૂંટણીલક્ષી ભાષણો દરમિયાન ધ્વનિ પ્રદૂષણની માત્રા તપાસવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને નિશ્ચિત ધોરણથી વધારે અવાજ કરનારાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.  પંજાબમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે એક ખાસ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારોએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછી ત્રણ વખત ટેલિવિઝન અને પ્રિન્ટ મીડિયામાં પોતાના ગુનાહિત ઈતિહાસની જાહેરાત આપવાની રહેશે.

ઉમેદવાર કોઈ કેસમાં દોષી જાહેર થયેલો હોય અથવા તેના પર કોઈ ક્રીમીનલ કેસ પેન્ડિંગ હોય તો તેણે માધ્યમો દ્વારા તેની જાહેરાત કરવી પડશે. રાજ્યની ૧૩ લોકસભા બેઠક માટે કુલ ૨૭૮ ઉમેદવારો મેદાનમાં છે અને લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં તેમનું ભાવિ ઘડાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JkGcFN
via Latest Gujarati News

Post a Comment

0 Comments