અરવિંદ કેજરીવાલના પડકાર બાદ 'આપ'ના વધુ એક ધારાસભ્યે ભાજપનો ખેસ પહેર્યો


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ સહરાવતે સોમવારે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ છેલ્લા એક સપ્તાહની અંદર જ પાર્ટીના વધુ એક ધારાસભ્યે પક્ષ પલટો કર્યો છે. તાજેતરમાં જ દિલ્હીની ગાંધીનગર બેઠકના આપના ધારાસભ્ય અનિલ બાજપાઈએ પક્ષ સાથે છેડો ફાડીને કમળ ધારણ કર્યું હતું. 

દિલ્હીની બિજવાસન વિધાનસભા બેઠકના આપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહે સતત અપમાન સહેવું પડતું હોવાની ફરિયાદ સાથે પક્ષ સાથેનો છેડો ફાડયો હતો અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 

નિવૃત્ત કર્નલ સહરાવતે ફરિયાદના સૂરમાં કહ્યું કે, તેઓ પાર્ટીના સ્થાપક સભ્યો પૈકીના એક હોવા છતા છેલ્લા ત્રણેક વર્ષથી અપમાન સહી રહ્યા હતા અને તેમના મતદાર ક્ષેત્રની જરુરિયાતોની અવગણના કરવામાં આવી રહી હતી. તેમણે પાર્ટી સામે અપમાન અને હાંસિયામાં ધકેલી દેવાની ફરિયાદ ઉપરાંત તેમને કાર્યક્રમોમાં પણ આમંત્રિત કરવામાં નહોતા આવતા તેમ જણાવ્યું. ૨૦૧૬માં પક્ષવિરોધી ગતિવિધિઓને લઈને પાર્ટીએ તેમને નિલંબિત કર્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J5qoaA
via Latest Gujarati News

Post a Comment

0 Comments