ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને જાતીય સતામણીના કેસમાં ક્લીન ચીટ


સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારીએ 19 એપ્રિલ, 2019ના રોજ સીજેઆઇ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇને જાતીય સતામણીના કેસમાં સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ ઇન્કવાયરી કમિટીને સીજેઆઇ વિરુદ્ધ કોઇ પુરાવા ન મળતા તેમને ક્લીન ચીટ આપી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એક પૂર્વ મહિલા કર્મચારીએ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. 

ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ વિરુદ્ધના આરોપની તપાસ ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ ઇન્દુ મલહોત્રા અને ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જીની બનેલી સમિતિએ કરી હતી. આ સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ બોબડે હતાં.

જો કે સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલની ઓફિસ દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ૨૦૦૩ના ચુકાદા મુજબ આ તપાસનો અહેવાલ જાહેર કરી શકાય તેમ નથી. 

ન્યાયમૂર્તિ ગોગોઇ ૧ મેના રોજ સમિતિ સમક્ષ હાજર થયા હતા અને પોતાનું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે નોટીસ જારી કરી જણાવ્યું છે કે ઇન હાઉસ કમિટીને સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારીએ ૧૯ એપ્રિલ, ૨૦૧૯ના રોજ કરેલી ફરિયાદમાં કરેલા આરોપ અંગે કોઇ પુરાવા મળ્યા નથી. 

આ નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સમિતિએ પાંચ મેના રોજ આ તપાસનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપ્રત કરી દીધો હતો. ૧૯ એપ્રિલ, ૨૦૧૯ની ફરિયાદને પગલે ૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LqHsdi
via Latest Gujarati News

Post a Comment

0 Comments