મુંબઈ, નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર
દેશનો રૂપિયા ૨૪ ટ્રિલિયનનો મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ જે ઋણ સાધનોમાં રોકાણની સમશ્યામાં અટવાયેલો છે તેના ઈક્વિટીઝ ઈન્ફલોઝમાં થયેલા ઘટાડાથી તેને વધુ એક ફટકો પડયો છે. ટેકસ સેવિંગ્સ સહિતની ઈક્વિટી સ્કીમ્સમાં એપ્રિલમાં ઈન્ફલોઝની માત્રા માર્ચની સરખામણીએ ૬૦ ટકા ઓછી રહી હતી.
એપ્રિલમાં કુલ રૂપિયા ૪૬૦૮ કરોડનો ઈન્ફલોઝ રહ્યો હતો જે સપ્ટેમ્બર ૨૦૧૬માં રહેલા રૂપિયા ૩૭૪૩ કરોડ બાદ સૌથી નીચો છે. શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ નિફટી૫૦ અને સેન્સેકસ ગયા મહિને રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હોવા છતાં ઈન્ફલોઝમાં ઘટાડો જોવાયો છે. જો કે ત્યારબાદ બને ઈન્ડાઈસિસ પાંચ ટકા જેટલા ઘટયા છે.
બજારની વોલેટિલિટી ઉપરાંત ચૂંટણીને લગતી અનિશ્ચિતતાને કારણે ઈન્ફલોઝમાં ઘટાડો થયો હોવાનું બજારના વિશ્લેષકો જણાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો સુધી રોકાણકારો સાવચેત રહેવા માગતા હોવાથી મેમાં પણ ઈન્ફલોઝ મંદ રહેવા વકી છે.
ઈક્વિટી ફલોઝમાં નબળાઈ ચાલુ રહેશે તો, મ્યુચ્યુઅલ ફન્ડસના ખેલાડીઓની નફાશક્તિ પર અસર થશે કારણ કે સામાન્ય રીતે ઈક્વિટી પ્રોડકટસ ઊંચા વળતર પૂરા પાડે છે. છેલ્લા ૧૨ મહિનાની માસિક રૂપિયા ૯૩૨૧ કરોડની સરેરાશ સામે એપ્રિલનો ઈન્ફલોઝ પચાસ ટકા નીચો રહ્યો હતો. એપ્રિલમાં ઈક્વિટી સ્કીમ્સમાંથી રૂપિયા ૧૨૮૩૦ કરોડનું રિડમ્પશન થયું હતું જ્યારે રૂપિયા ૧૭૦૦૦ કરોડનો ઈન્ફલોઝ રહ્યો હતો.
સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ મારફત આવતા ફલોઝ કરતા નેટ ઈક્વિટી ઈન્ફલોઝ નોંધપાત્ર નીચો છે. માટે જો સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ ન હોત તો, ઈક્વિટી સ્કીમ્સનો ઈન્ફલોઝ કદાચ નેગેટિવ રહ્યો હોત અને તે સારી નીશાની ન કહેવાય એમ વિશ્લેષકે ઉમેર્યું હતું.
એપ્રિલમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ મારફત રૂપિયા ૮૨૦૦ કરોડ ઠલવાયા હતા જે માર્ચની સરખામણીએ બે ટકા વધુ હતા. એસઆઈપી મારફતનો મોટાભાગનો પ્રવાહ ઈક્વિટીઝમાં જ જતો હોવાનું પણ જણાવાયું હતું. ડેબ્ટ સ્કીમ્સના કિસ્સામાં ધિરાણ જોખમ સાથેના ફન્ડસમાં રિડમ્પશનનું દબાણ ચાલુ રહ્યું છે કારણ કે, ડાઉનગ્રેડસનો ભય રહેલો છે. એપ્રિલમાં આ ફન્ડસમાં રૂપિયા ૨૨૪૮ કરોડનું રિડમ્પશન રહ્યું હતું અને નવો ફલોઝ માત્ર રૂપિયા ૯૯૪ કરોડ રહ્યો હતો એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZdZpj
via Latest Gujarati News
0 Comments