સોનામાં વૈશ્વિક અજંપો વધતાં ભાવ ઉંચકાયા : બ્રિટીશ પાઉન્ડ ઇન્ટ્રા-ડે રૂા. ૯૧ કુદાવી ગયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઇ, નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર

મુંબઇ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચા બોલાઇ રહ્યા હતા જ્યારે ચાંદી નરમ હતી. વિશ્વ બજારના સમાચાર જો કે મજબૂતાઇ બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા ગયા પછી ફરી નીચા આવ્યા હતા. ડોલરના ભાવ રૂા. ૬૯/૯૫ વાળા રૂા. ૭૦/૦૫ ખુલી રૂા. ૭૦/૦૬ રહ્યા પછી નિચામાં ભાવ રૂા. ૬૯/૭૬ થઇ છેલ્લે બંધ રૂા. ૬૯/૯૧ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ચાર પૈસા ઘટયા હતા. બજારમાં ચર્ચાતી વાતો મુજબ કરન્સી બજારમાં આજે ઉછાળે અમુક સરકારી બેંકોએ ડોલર વેંચ્યાની ચર્ચા હતી.

દરમિયાન, બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ઉછળી રૂા. ૯૧ પાર કરી રૂા. ૯૧/૧૯ થયા પછી છેલ્લે બંધ રૂા. ૯૦/૯૫થી ૯૦/૯૬ રહ્યા હતા. પાઉન્ડના ભાવ આજે ૧૩ પૈસા ઉંચકાયા હતા જ્યારે યુરોના ભાવ ૨૩ પૈસા વધી રૂા. ૭૮/૪૯થી ૭૮/૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના વધી સાંજે ૧૨૮૮/૪૦થી ૧૨૮૮/૫૦ ડોલર રહ્યા હતા. મુંબઇ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ૯્રામના જીએસટી વગર ૯૯/૫૦ના રૂા. ૪૪ વધી રૂા. ૩૧૭૮૮ તથા ૯૯/૯૦ના રૂા. ૩૧૯૧૬ બંધ રહ્યા હતા.

જ્યારે જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઇ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂા. ૯૯૯ના જીએસટી વગર કિલોના રૂા. ૩૭૧૦૦ વાળા રૂા. ૩૭૦૧૫ થઇ રૂા. ૩૭૦૯૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂા. ૩૭૦૦૦થી ૩૭૦૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂા. ૧૨૫૦થી ૧૩૦૦ ઉંચા રહ્યા હતાં. 

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ વધી ઔંશના આજે સાંજે ૧૪/૮૩થી ૧૪/૮૪ ડોલર રહ્યા હતા. અમેરિકા અને ચીન ઉપરાંત અમેરિકા તથા ઇરાન અને અમેરિકા તથા નોર્થ કોરીયા વચ્ચે પણ અજંપો વધ્યાના વાવડ હતા. ઇરાન સામે બાથ ભીડવા અમેરિકાએ કતારમાં જેટ ફાઇટર વિમાનો પાઠવ્યાની ચર્ચા આજે વિશ્વ બજારમાં સંભળાઇ હતી.

અમેરિકાના ટેરીફ યુદ્ધમાં ચીને પોતાના અર્થતંત્રને પીઠબળ આપવા સ્ટીમ્યુલ્સ વધારવા વિચારણા શરૂ કર્યાના સમાચાર હતા. આ ઉપરાંત ચીનના શેર બજારને ઘટયા મથાળે ટેકો આપવા સરકારી ફંડો આજે ત્યાં શેર બજારમાં દાખલ થયાના પણ સમાચાર મળ્યા હતા. આના પગલે વિશ્વ બજારમાં આજે ચીનની કરન્સી ચાર મહિનાના તળીયેથી ઉંચકાઇ આવ્યાના નિર્દેશો હતા.

ચીનના આ સમાચારના પગલે વિશ્વ બજારમાં  આજે કોપરના ભાવમાં મંદી અટકી પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો. ક્રૂડ તેલ પણ વધી આવ્યું હતું. બ્રેન્ટક્રૂડના ભાવ આજે  સાંજે બેરલના ૭૦/૭૦થી ૭૦/૭૫ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૬૧/૭૫થી ૬૧/૮૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના જે ૧૩૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તે આજે ફરી ૧૩૦૦ પાર કરી સાંજે ભાવ ૧૩૧૨થી ૧૩૧૨/૧૦ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ પણ વધી ૮૫૦ ડોલર વટાવી સાંજે ભાવ ૮૫૭/૩૦થી ૮૫૭/૪૦ ડોલર રહ્યા હતા.

કોપરના ભાવ વધી લંડન બજારમાં આજે ટનના ત્રણ મહિનાની ડિલીવરીના ૬૧૮૭ ડોલર રહ્યા હતા. ત્યાં કોપરનો સ્ટોક આજે ૬૫૦૦ ટન ઘટયો હતો. ત્યાં ટીનના ભાવ ૧૯૩૮૭ ડોલર, નિકલના ભાવ ૧૨૦૧૨ ડોલર, એલ્યુમિનિયમના ૧૮૧૧ ડોલર, જસતના ૨૬૩૮ ડોલર તથા સીસાના ૧૮૪૩ ડોલર રહ્યાના સમાચાર હતા. ત્યાં આજે ટીનનો સ્ટોક ૨૫ ટન તથા જસતનો ૬૨૫ ટન વધ્યો હતો. જ્યારે નિકલનો સ્ટોક ૮૫૮ ટન, એલ્યુમિનિયમનો ૭૮૭૫ ટન તથા સીસાનો ૧૫૦ ટન ઘટયાના સમાચાર હતા. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vRkykQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments