જીએસટી તથા નોટબંધીની અસર: સૌથી સસ્તા ટેબ્લેટ આકાશના ઉત્પાદન એકમો બંધ કરવાની ફરજ પડી

નવી દિલ્હી, નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર

એન્ડ્રોઈડ આધારિત વિશ્વના સૌથી સસ્તા ટેબ્લેટ આકાશનું ઉત્પાદન કરનાર કંપની ડેટાવિન્ડે ભારતમાં પોતાના બે ઉત્પાદન એકમો બંધ કરી દીધા છે. ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) તથા ડીમોનિટાઈઝેશનની અસરને કારણે આ એકમો બંધ કરી દેવાયા હોવાની કંપનીના એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી. આ એકમો બંધ થઈ જતા ૧૦૦૦ જેટલા લોકોએ રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે.

જીએસટી તથા નોટબંધીના બેવડા પડકારોએ     ૩૫ ડોલરમાં ટેબ્લેટ કોમ્પ્યુટર પૂરા પાડવાના ઉત્પાદકના વ્યૂહને ખોરવી નાખ્યો છે. ભારતમાં માનવ શંસાધનો અને અસરકારક ખર્ચે આ ટેબ્લેટનું હૈદરાબાદ તથા અમૃતસર ખાતે ઉત્પાદન થતું હતું.

જીએસટી તથા નોટબંધીના અમલ બાદ આ બન્ને એકમો ઈન્વેસ્ટમેન્ટ પ્રમાણે વળતર પૂરા પાડતા નહોતા, તેને કારણે આ વ્યવસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. 

માત્ર ૩૫ ડોલરમાં ટેબ્લેટ લોન્ચ કરીને કંપની વિશ્વભરમાં સમાચારોમાં આવી ગઈ હતી. વ્યાપક સંખ્યાના વપરાશકારોને આવરી લેવાના વ્યૂહ સાથે જ આ ટેબ્લેટ લોન્ચ કરાયું હતું, જેમાં કંપનીને સફળતા પણ મળી હતી. કંપનીના આ ટેબ્લેટ મેક ઈન ઈન્ડિયાના ભાગરૂપ હતા. 

પોતાના ટાર્ગેટ ગ્રાહકો દેશની લોકસંખ્યાના પિરામીડનો નીચલો હિસ્સો છે એમ કંપની હમેશા દાવો રહ્યો હતો. નોટબંધી તથા જીએસટીના અમલ બાદ કંપનીએ નાણાંકીય કટોકટીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એમ કંપનીના અધિકારીએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. નોટબંધી તથા જીએસટીને કારણે ભારતના ગરીબ લોકોને અસર થઈ હતી જેનું નુકસાન કંપનીએ ભોગવવું પડયું છે. 

૨૦૧૭માં જ કંપનીએ હૈદરાબાદ ખાતેના એકમમાં ઉત્પાદન ૫૦ ટકા ઘટાડી નાંખ્યું હોવાના અહેવાલો હતા અને હવે ઉત્પાદન સંપૂર્ણ બંધ કરી દેવાયાનું જણાવાઈ રહ્યું છે. 

એક સમયે ધમધમતી રહેલી ભારતની ટેબ્લેટ બજાર નોટબંધી તથા જીએસટીને કારણે આજે ઘટીને ૩૦ ટકા પર આવી ગઈ છે. સ્માર્ટફોન્સ પર ૧૨ ટકા જીએસટી લેવામાં આવે છે જ્યારે ટેબ્લેટસ પર ૧૮ ટકા લાદવામાં આવે છે જેને કારણે ગ્રાહકો સાત ઈંચના ટેબ્લેટસ કરતા ૬ ઈંચના સ્માર્ટફોન્સ ખરીદવાનું વધુ પસંદ કરે છે, એમ અધિકારીને કહેતા ટંકાયા હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PXn9Tr
via Latest Gujarati News

Post a Comment

0 Comments