
ગુરદાસપુરમાં કોંગ્રેસ અને અકાળી દળના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો
લુધિયાણામાં સવારે જ અનેક ઇવીએમ ખોટવાતા તંત્ર દોડતુ થઇ ગયું
અંતિમ તબક્કામાં પણ પશ્ચિમ બંગાળે 73.51 ટકા સાથે સૌથી વધુ મતદાનનો રેકોર્ડ જાળવી રાખ્યો
નવી દિલ્હી, તા.19 મે, 2019, રવિવાર
અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ લોકસભાની ચૂંટણી પણ પુરી થઇ ગઇ છે, દરમિયાન અંતિમ તબક્કામાં મતદાન સમયે કેટલાક રાજ્યોમાં હિંસાની પણ ઘટના સામે આવી હતી. પંજાબ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશમાં પણ નાની મોટી હિંસાઓ થઇ હતી.
અંતિમ તબક્કો પૂર્ણ થતા જ લોકસભાની ૫૪૨ બેઠકો પર પણ મતદાન પૂર્ણ થઇ ગયું છે. પંજાબમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૩, પશ્ચિમ બંગાળમાં નવ, બિહારમાં આઠ, આઠ મધ્ય પ્રદેશમાં અને હિમાચલ પ્રદેશમાં ચાર બેઠકો પર મતદાન યોજાયું હતું. ઝારખંડમાં ત્રણ અને ચંડીગઢમાં એક બેઠક પર મતદાન યોજાયું હતું.
ઉત્તર પ્રદેશમાં ચંડૌલી લોકસભા બેઠક પર હિંસાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી હતી, અહીં સપા અને ભાજપ બન્ને પક્ષના કાર્યકર્તાઓ એકબીજાની સાથે ઝઘડી પડયા હતા જેને પગલે હિંસા થઇ હતી.
ઉ. પ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ હિંસાની ઘટનાઓ સામે આવી છે, અહીં કોલકાતામાં એક ક્રૂડ બોમ્બ બ્લાસ્ટ થયો હતો જ્યારે ભાજપે આરોપ લગાવ્યો હતો કે અમારા ઉમેદવાર પર હુમલો થયો છે, જોકે પોલીસે આ આરોપો નકાર્યા હતા. સાથે અહીં અનેક વિસ્તારોમાં ઇવીએમને લઇને પણ ફરિયાદો સામે આવી છે.
પંજાબના લુધીયાણામાં અનેક ઇવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો ચૂંટણીપંચને મળી હતી, આ ઉપરાંત ભટીંડા અને ગુરદાસપુરમાં કોંગ્રેસ અને સ્થાનિક પક્ષ અકાળી દળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુરદાસપુરથી સન્ની દેઓલ ચૂંટણી લડી રહ્યો છે, અકાળી દળ અને કોંગ્રેસ બન્ને કાર્યકર્તાઓએ એકબીજા પર હિંસા અને પથ્થરમારો કરવાના આરોપો લગાવ્યા હતા.
રાજ્યો પર નજર કરીએ તો દરેક રાજ્યમાં સરેરાશ ૬૪ ટકા મતદાન થયું હતું, ઉત્તર પ્રદેશમાં ૫૬.૮૪ ટકા, વારાણસીમાં ૫૮.૦૫, ગોરખપુરમાં ૫૭ ટકા મતદાન થયું હતું. અહીંના ચંડૌલી મતદાન મથક પર હિંસાની ઘટના સામે આવી હતી. પશ્ચિમ બંગાળમાં ૭૩.૫૧ ટકા મતદાન થયું હતું, પંજાબમાં ૫૯ ટકા, હિમાચલ પ્રદેસમાં ૬૮ ટકા, મધ્ય પ્રદેશમાં ૭૧.૧૫ ટકા, બિહારમાં ૫૩.૫૫, ઝારખંડમાં ૭૦.૫૪ ટકા મતદાન થયું હતું.
હિમાચલમાં ત્રણ ચૂંટણી અધિકારી, મધ્ય પ્રદેશમાં એક મતદારનું મોત
હિમાચલ પ્રદેશમાં ત્રણ સરકારી અધિકારીઓના ચૂંટણી દરમિયાન મોત નિપજ્યા હતા. જે માર્યા ગયા છે તેમાં પ્રેસિડિંગ ઓફિસર વનીત કુમાર, હોમગાર્ડ જવાન દેવીસિંહ, ચૂંટણી અધિકારી લોલ રામનું પણ મોત નિપજ્યું હતું. જે પણ લોકો માર્યા ગયા તેમને ૧૫ લાખની સહાયની જાહેરાત સરકારે કરી છે. આ કર્મચારીઓ અને અધિકારીઓને હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું હતું. મધ્ય પ્રદેશમાં એક મહિલા મતદાન માટે લાઇનમાં ઉભી હતી, જોકે અચાનક હાર્ટ એટેક આવતા તેનુ મોત નિપજ્યું હતું, અહીં તાપમાન વધારે હોવાથી હાર્ટ એટેક આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં છ મથકો પર મતદાનનો બહિષ્કાર
સ્થાનિક ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશમાં છ બુથ પર મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વી એલ કંથાએ જણાવ્યું હતું કે અહીં કેટલાક સ્થાનિક મુદ્દાઓને લઇને વિરોધ હોવાથી સ્થાનિકો મતદાનથી દુર રહ્યા હતા. અમે લોકોને વિનંતી કરી પણ તેઓ મતદાન કરવા માટે આવ્યા નહીં. જોકે સ્થાનિકોના પ્રશ્નો શું હતા તેની માહિતી આપવામાં નહોતી આવી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QeEGGL
via Latest Gujarati News
0 Comments