ઓસ્ટ્રિયામાં કૌભાંડના પગલે સરકારનું પતન પ્રમુખે સપ્ટેમ્બરમાં ચૂંટણી કરવાની હાકલ કરી


વિએના, તા.19 મે, 2019, રવિવાર

ભ્રષ્ટાચાર કૌભાંડમાં ફસાયેલી જમણેરી પક્ષોની સરકારને નાટકિય ઢબે રાજીનામું આપવાની ફરજ પડતાં ઓસ્ટ્રિયાના  પ્રમુખ  એલેકઝાંડર વાન ડેર બેલેને સપ્ટેમ્બરમાં નવેસરથી ચૂંટણી કરવાની આજે  જાહેરાત કરી હતી. છુપા કેમેરામાં અત્યંત વિસ્ફોટક ઘટસ્ફોટના પગલે શનિવારે   યુરોપીયન સંઘની મહત્ત્વની ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ વાઇસ ચાન્સેલર હેઇન્ઝ ક્રિસ્ટીએન સ્ટ્રાચેને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

જમણેરી વિચારસરણી ધરાવતી ફ્રીડમ પાર્ટી સાથેની ૧૮ મહિના જુની ગઠબંધનની સરકારના કન્ઝર્વેટિવ ચાન્સેલર સેબસ્ટીયન કુર્ઝને યુરોપીયન મોડેલ મુજબ પોતાની પક્ષની સરકારને જ પાડી દીધી હતી.' મારી પ્રાથમિકતા સપ્ટેમ્બરમાં નવી ચૂંટણી કરાવવાની છે, જો શક્ય હશે તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણી થશે'એમ કુર્ઝ સાથે મંત્રણા કર્યા પછી વાન ડેર બેલેને પત્રકારોને કહ્યું હતું.

૨૦૧૭માં યોજાયેલી સંસદની ચૂંટણીના મહિનાઓ  પહેલાં છુપા કેમેરામાં સ્ટીંગ ઓપરેશનના ફુટેજ શુક્રવારે બે જર્મન છાપાઓમાં છપાતા  પછી આ નાટયાત્મક ઘટનાક્રમ સર્જયો હતો.

ફુટેજમા રશિયન રાજકીય વગ ધરાવતી વેપારી પરિવારની ભાણી તરીકે પોતાની જાતને રજૂ કરતી મહિલા પાસેથી  સ્ટ્રાચે પ્રચારમાં મદદ કરવાના બદલામાં જાહેર કોન્ટ્રાક્ટ આપવા ખુલ્લામાં ચર્ચા કરતાં   દેખાય છે. 

એ મહિલાને એમ કહેતા સંભળાય છે કે તેને સૌથી વધુ ફેલાવો ધરાવતા છાપાની માલિકી જોઇએ છે. સ્ટ્રાચે એવું સુચન કરતાં સંભળાય છે કે નવા માલિકો સ્ટાફને બદલી દેશે અને પ્રચાર કરીને ચૂંટણી જીતવા માટે  છાપું મદદ કરશે. 'હવે બહુ થયું'એમ ચાન્સેલરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું. સ્ટ્રાચે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેઓ રાજકીય ષડયંત્રના ભોગ બન્યા છે, જો કે પોતાની એ હરકતને તેમણે મુર્ખામીભરી પણ ગણાવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YBehpt
via Latest Gujarati News

Post a Comment

0 Comments