
(પીટીઆઈ) ચંદૌલી, તા.19 મે, 2019, રવિવાર
લોકસભા ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કા દરમિયાન ઉત્તર પ્રદેશના ચંદૌલી મતવિસ્તારમાં કથિત બળજબરીપૂર્વક મતદારોની આંગળી પર ભૂંસાય નહીં તેવા સ્યાહી વડે નિશાન કરીને તેમનો મતાધિકાર છીનવવા પ્રયાસ કરાયો હતો. ભાજપના કાર્યકરો પર કથિતરુપે લોકોને લાંચ આપીને તેમને મતદાન કરતા રોકવા પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવાયો છે.
તારાજીવનપુર વિસ્તારના રહેવાસીઓએ સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો સાથે મળીને સ્થાનિક પોલીસ સ્ટેશન બહાર દેખાવો કર્યા હતા અને ભાજપના કાર્યકરો પર લોકોને મતદાન ન કરવા માટે લાંચ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
તે વિસ્તારના એક રહેવાસીએ જણાવ્યું કે, શનિવારે રાત્રે ત્રણ લોકો અમને ભાજપને મત આપશો તેવા સવાલ કરતા હતા અને હવે તમે કોઈને મત નહીં આપી શકો તેમ કહીને અમને ૫૦૦-૫૦૦ રુપિયા આપતા હતા અને સાથે જ આ વાત કોઈને ન કહેવા ફરજ પાડતા હતા. તે વિસ્તારના ધારાસભ્ય ઉપરાંત ગઠબંધનના ઉમેદવાર સંજય ચૌહાણે સ્થાનિક લોકો સાથે મળીને જિલ્લા વહીવટાધિકારીઓ તથા પોલીસ વિરુદ્ધ દેખાવો કર્યા હતા અને નારાબાજી કરી હતી.
પોલીસે દેખાવકારોને એફઆઈઆર નોંધાવવા માટે અપીલ કરી હતી જેથી તેઓ પ્રાથમિક તપાસ શરુ કરી શકે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કુમાર હર્ષે જણાવ્યું કે, તારાજીવનપુર ગામના અમુક રહેવાસીઓએ તેમની આંગળી પર સ્યાહી લગાવીને તેમને પૈસા આપવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે.
પરંતુ મતદાન માટે યોગ્ય હોય તેવી તમામ વ્યક્તિ મતદાન કરી શકશે અને આરોપીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેની ખાતરી આપવામાં આવે છે. જો કે લખનૌમાં ભાજપના પ્રવક્તા હરીશ શ્રીવાસ્તવે આ આરોપોને નકારીને પ્રતિસ્પર્ધીઓએ તેમને બદનામ કરવા આ ષડયંત્ર રચ્યું હોવાનો દાવો કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EgsKiY
via Latest Gujarati News
0 Comments