અમદાવાદ, તા. 09 મે, 2019, ગુરૂવાર
વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો, નિરસ કંપની પરિણામો અને લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળવાના એંધાણ પાછળ મુંબઈ શેરબજાર ખાતે ચોમેરથી આવેલ વેચવાલીના દબાણના પગલે કામકાજના છેલ્લા સાત ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. ૫.૬૪ લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા દ્વારા ફરીથી છેડાયેલ ટ્રેડવોર, ક્રૂડ ઓઇલની ઉછળકૂદ, ડોલરની મજબૂતાઈ સહિતના અન્ય અહેવાલોની શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. બીજી તરફ ઘરઆંગણે હાલ ચાલી રહેલ માર્ચ ત્રિમાસિક સમયગાળા માટેના કોર્પોરેટ પરિણામોની સિઝન નિરસ રહેતા ખેલાડીઓનું મોરલ તૂટી જવા પામ્યું છે.
હાલ લોકસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. હજુ બે તબક્કાનું મતદાન બાકી છે. મતદાનનો ટ્રેન્ડ જોતાં આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહીછે. આમ, મિશ્ર સરકાર રચાવાના ગણિતની પણ બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. સર્જાયેલ આ માહોલમાં વિદેશી રોકાણકારો પણ ભારતીય બજારથી દૂર થઈ રહ્યા છે.
ઉપરોક્ત અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સમાં એકધારી પીછેહઠ થઈ રહી છે. ગત તા. ૩૦ એપ્રિલે સેન્સેક્સ ૩૯૦૩૧ની ઉંચી સપાટીએ હતો તે સતત તૂટીને આજે ૩૭૫૫૯ના તળિયે ઉતરી આવ્યો છે. તો બીજી તરફ નિફ્ટી પણ તૂટીને ૧૧૩૦૨ની સપાટીએ બંધ રહ્યો હતો.
આમ, સાત ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં (બી.એસ.ઇ. માર્કેટ કેપ) મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે. ગત તા. ૩૦ એપ્રિલે બીએસઇનું માર્કેટ કેપ રૂા. ૧૫૨.૫૪ લાખ કરોડ હતું તે આજે કામકજના અંતે ઘટીને રૂા. ૧૪૬.૯૦ લાખ કરોડ રહ્યું હતું. આમ, સાત ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. ૫.૬૪ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.
બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ ચાલુ મે માસના અંત સુધી બજારમાં વોલેટાલીટી જારી રહેવાના એંધાણ છે. હાલ બજારમાં ચૂંટણીના પરિણામો તરફ મીટ માંડીને બેઠું છે. નિફ્ટી હાલ સપોર્ટ લેવલ નજીક એટલેકે ૧૧૨૫૦ સુધી ઉતરે તેવી ધારણા છે. જો આ લેવલ તૂટશે તો તે ઘટીને ૧૧૧૦૦- ૧૧૦૦૦ના લેવલ સુધી ઉતરશે. આમ, બજાર માટે આગામી સમય વોલેટાલિટીથી ભરપૂર રહેશે તેથી રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું હિતાવહરૂપ પુરવાર થશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PXlTiZ
via Latest Gujarati News
0 Comments