મુંબઈ, તા. 09 મે, 2019, ગુરૂવાર
પોતાની વિવિધ ફેકટરીઓમાં એપ્રિલમાં વાહનોના ઉત્પાદનમાં ૧૦ ટકા કાપ મૂકયો હોવાનું દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતી સુઝુકી ઈન્ડિયાએ ગુરવારે જણાવ્યું હતું. કંપનીએ સતત ત્રીજા મહિનામાં ઉત્પાદન પર કાપ મૂકયો છે.
આ વર્ષના ફેબુ્રઆરી તથા માર્ચમાં પણ કંપનીએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. ૨૦૧૮ના એપ્રિલમાં ૧,૬૩,૩૬૮ વાહનોની સામે વર્તમાન વર્ષના એપ્રિલમાં મારૂતીનું વાહનોનો ઉત્પાદન આંક ૯.૬૦ ટકા ઘટીને ૧,૪૭,૬૬૯ રહ્યો હતો, એમ કંપની દ્વારા એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવાયું હતું.
ગયા વર્ષના એપ્રિલમાં ૧,૬૧,૩૭૦ની સરખામણીએ કંપનીએ ઉતારૂ વાહનોનું ઉત્પાદન ૧૦.૩૦ ટકા ઘટાડીને આ વર્ષના એપ્રિલમાં ૧,૪૪,૭૦૨ કર્યું હતું. યુટિલિટી વ્હીકલ્સને બાદ કરતા કંપનીએ તેના દરેક સેગમેન્ટસના ઉત્પાદન પર કાપ મૂકયો છે.ગુરગાઁવ અને માનેસાર ખાતે કંપની વાર્ષિક ૧૫.૫૦ લાખ વાહનો ઉત્પન્ન કરવાની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ગુજરાતના હાંસલપુર ખાતે ૨.૫૦ લાખ વાહનોના ઉત્પાદનની કંપની સ્થાપિત ક્ષમતા ધરાવે છે.
દરમિયાન પ્રાપ્ત માહિતી પ્રમાણે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં ઉતારૂ વાહનોના વેચાણમાં માત્ર ૨.૭૦ ટકા જ વધારો જોવાયો હતો. નાણાંભીડ, વાહનોની ઊંચી કિંમતો તથા ચૂંટણીને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ગ્રાહકોનું માનસ નબળું રહેતા ઉતારૂ વાહનોની વેચાણ વૃદ્ધિ ખાસ પ્રોત્સાહક રહી નહોતી.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, ઉતારૂ વાહનોનું ઘરઆંગણે વેચાણ જે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૨,૮૮,૫૮૧ વાહન રહ્યું હતું તે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૨.૭૦ ટકા વધીને ૩૩,૭૭,૪૩૬ વાહન રહ્યું હતું.
ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ગયા નાણાં વર્ષમાં ઉત્પાદકોએ વાહનોની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વીમા પ્રીમિયમમાં વધારો તથા લિક્વિડિટી ખેંચ જેવા પ્રતિકૂળ મુદ્દાઓએ પણ વેચાણ પર અસર કરી હતી. બીજી બાજુ નવી કારની સરખામણીએ યુઝડ કાર માટેની માગ વધી રહી હોવાનું જોવા મળે છે. ગયા નાણાં વર્ષમાં સેકન્ડ હેન્ડ કારની માગ ૪૦ લાખ વાહનોને પાર કરી ગઈ હતી જ્યારે નવી કાર માટેની માગ મંદ રહી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
વિશ્વમાં ઝડપથી વિકસતી બજારોમાંની એક ભારતની ઓટો બજારમાં વેચાણ સ્થિતિ હાલમાં નબળી છે. વાહન ધરાવવા પાછળના ખર્ચમાં વધારો તથા તંગ લિક્વિડિટીને કારણે વાહનો ખરીદવાનું હાલમાં મોકૂફ રાખવામાં આવી રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vLF5XO
via Latest Gujarati News
0 Comments